પાસ નેતા નીલેશ એરવાડિયાની ધરપકડ, રીમાન્ડ પર સોંપાયા

મોરબીઃ સૌરાષ્ટ્રમાં પાસના આગેવાન નીલેશ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમને મીડિયા વિરુદ્ધ બીભત્સ વાણીવિલાસ કરવાના ગુનામાં પકડવામાં આવ્યાં છે. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયેલાં એરવાડિયાને દોઢ દિવસના રીમાન્ડ પર પણ સોંપવામાં આવ્યાં હતાં. મોરબી બી ડિવિઝન પોલિસે નીલેશ એરવાડિયાની ધરપરડ કરી છે. 

આપને જણાવીએ કે મામલો લગભગ દોઢ વર્ષ જૂનો છે. મોરબીમાં એરવાડિયા સામે પત્રકારની સામે અસભ્ય વાણીનો પ્રયોગ કરતાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેની સામે એરવાડિયાએ હાઇકોર્ટના આગોતરા જામીન લીધાં હતાં. જેના દોઢ વર્ષ બાદ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના પત્રકાર અતુલ જોશીએ દોઢ વર્ષ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં નીલેશ એરવાડિયા દ્વારા મીડિયાને ગાળો આપવા અને મીડિયાની ઓફિસો સળગાવી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જે બદલ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.

મોરબી મીડિયા ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિયો ક્લિપના પૂરાવાના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે પોલિસે મોબાઈલ કબજે કર્યાં હતાં અને એફએસએલમાં મોકલાયાં હતાં.