કાર્બાઈડથી કેરી પકવતાં વેપારીઓ સામે સપાટો, 350 કિલો કેરીનો નાશ

સૂરતઃ ફળોનો રાજા એટલે કેરી. ત્યારે કેરીની સીઝન હવે આવી ગઈ છે. પરંતુ વધુ નફો કમાવા માટે વેપારીઓ કાચી કેરીને કાર્બાઈડ નામના કેમિકલથી પકવે છે. અને આવી રીતે પકવેલી કેરી જ્યારે આપણે આરોગીએ છીએ ત્યારે તે આપણા શરીર માટે ખૂબ નુકસાનદાયક સાબિત થાય છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સૂરતમાં આરોગ્ય વિભાગ દ્વારા એપીએમસી માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આરોગ્ય વિભાગે પોતાની કાર્યવાહી દરમિયાન કાર્બાઈડથી પકવાતી કેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અત્યાર સુધી 350 કિલો કાર્બાઈડયુક્ત કેરી જપ્ત કરવામાં આવી છે અને 40 કિલોથી વધુ કાર્બાઈડ મળી આવ્યું છે. જપ્ત કરવામાં આવેલી કેરીનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા સૂરત એપીએમસી માર્કેટમાં કેરીના વેપારીઓના ત્યાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યાં હતાં. જ્યાંથી 350 કિલો કાર્બાઈડયુક્ત કેરી જપ્ત કરવામાં આવી છે. અને 40 કિલોથી વધુ કાર્બાઈટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

કેરીનો જથ્થો નાશ કરવાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં કેરીઓની માગ વધી જતી હોવાના કારણે કાચી કેરીઓને કાર્બાઇટથી પકવીને વેપારીઓ વધુ નફો કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે.