BHU લાઠીચાર્જ મામલો: 1000થી વધુ વિદ્યાર્થીઓ સામે FIR, અનેક અધિકારીઓ સામે કાર્યવાહી

વારાણસી- બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલી બબાલ અને પોલીસ લાઠીચાર્જ માટે જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહીની શરુઆત કરી દેવામાં આવી છે. સ્ટેશન ઓફિસર, ભેલપુરના સર્કલ ઓફિસર અને એક એડિશનલ સિટી મેજિસ્ટ્રેટને તેમના હોદ્દા ઉપરથી દુર કરવામાં આવ્યાં છે.

બીજી તરફ પોલીસે 1000થી વધુ અજાણ્યા વિદ્યાર્થીઓ ઉપર FIR દાખલ કરી છે. BHU કેમ્પસમાં માહોલ હજી પણ તણાવગ્રસ્ત છે.

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા લાઠીચાર્જ મામલે તપાસના આદેશ આપ્યા છે અને આ અંગે વહેલીતકે રિપોર્ટ આપવા જણાવ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પર કરાયેલા લાઠીચાર્જના મામલાએ જોર પકડ્યું છે. સ્ટુડન્ટ્સ આંદોલનથી આગળ વધીને હવે આ મામલાએ રાજકીય રંગ પકડ્યો છે.

જિલ્લા પ્રશાસને આજે તમામ મહાવિદ્યાલયો બંધ રાખવાના આદેશ આપ્યા છે. તણાવપૂર્ણ માહોલ જોતા BHU અને કાશી વિદ્યાપીઠને દશેરાની અગાઉ નિર્ધારિત રજાઓથી એક દિવસ પહેલા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંને યુનિવર્સિટીઓ 2 ઓક્ટોબર સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે.