PNB પછી વધુ એક બેન્કનું કૌભાંડ સામે આવ્યું, CBIએ શરુ કરી કાર્યવાહી

નવી દિલ્હી- નીરવ મોદીના PNB મહાકૌભાંડને હજી થોડા દિવસો વિત્યાં છે, ત્યાં વધુ એક બેન્કનું કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે દેશની રાજધાની દિલ્હીમાં ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં આશરે 390 કરોડ રુપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હીના એક હિરા વેપારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.ગુરુગ્રામના સેક્ટર-32માં સ્થિત ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાંની બ્રાંચમાં આ કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગેની જાણકારી બેન્કના AGM કક્ષાના અધિકારીએ CBIને લેખિતમાં આપી છે. CBIએ કેસ ફાઈલ કરી તપાસ શરુ કરી છે. બેન્ક દ્વારા ઘટના અંગેની જાણકારી ગત વર્ષે 16 ઓગસ્ટે આપવામાં આવી હતી.

કૌભાંડની ગંભીરતાને જોતાં CBIએ મુખ્ય આરોપી અને દિલ્હીના હીરા વેપારી સહિત અન્ય કેટલાક લોકો સામે કેસ દાખલ કર્યો છે.આ કેસ ગુરુગ્રામના સેક્ટર-32માં સ્થિત ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સના અધિકારીઓની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યો છે. કેસમાં વર્ષ 2007થી સતત કૌભાંડ આચરી ખોટીરીતે લોન પાસ કરવાનો આરોપ છે. લોન લઈને બેન્કને રુપિયા પરત નહીં કરવા છતાં ઘટનામાં બેદરકારી કરવામાં આવી હતી અને નોંધ પણ લેવામાં આવી નહતી.

આ કેસમાં મહત્વની વાત એ છે કે, ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સે 31 માર્ચ 2014ના રોજ દિલ્હીના હીરા વેપારીની કંપનીનો NPA લિસ્ટમાં સમાવેશ કર્યો હતો. ત્યારબાદ પણ લોન આપવાનું ચાલુ રહ્યું હતું. અને કરોડો રુપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી.