સોનુ કે ટિટુ કી સ્વીટીઃ નવા પેકિંગમાં એ જ, પહેલાંનો માલ!

ફિલ્મઃ સોનુ કે ટિટુ કી સ્વીટી

કલાકારોઃ કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સનીસિંહ

ડિરેક્ટરઃ લવ રંજન

અવધિઃ આશરે બે કલાક વીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

સ્વીટી જો સોનુના ફ્રેન્ડ ટિટુની હોય, તો સોનુની એ શું થાય? હેંહેંહેં… જસ્ટ જોકિંગ. આ તો ફિલ્મનું ટાઈટલ જોઈને મજાક સૂઝી.

બાકી, વિવેચકની ભાષામાં કહેવું હોય તો, આ ચિત્રપટ સખા કે પ્રેયસીમાંથી એકની પસંદગી કરવાની હોય તો કોની કરો? એ મધ્યવર્તી વિચારની આસપાસ ફરે છે.

-અને લવ રંજનની લેટેસ્ટ પેશકશ જાણે આ સવાલનો પહેલેથી ખબર છે એ જવાબ શોધ્યા કરે છે. લવ રંજનની ફિલ્મોનો એક જબરદસ્ત મોટો ફૉલોઈંગ વર્ગ છે. એમની ફિલ્મમાં ‘બાંધ ઈશ્ક કા પટ્ટા/ દેખો બન ગયા કુત્તા’ જેવાં સોંગ્સ હોય છે. કોણ જાણે કેમ, પણ બધી ફિલ્મમાં લવ એવું જતાવે છે કે પ્યારમોહબ્બતમાં છોકરી હંમેશાં છોકરાની હાલત શ્ર્વાન જેવી કરી નાખતી હોય છે. જુઓ ‘પ્યાર કા પંચનામા’ (પહેલી અને બીજી), ‘આકાશ વાણી’ અને, હવે ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’. વાત અહીં પણ એ જ છે, કેવળ સ્વરૂપ બદલાયું છે.

ફિલ્મમાં બે જુવાન છે સોનુ (કાર્તિક આર્યન) અને ટિટુ (સનીસિંહ). ‘પ્યાર કા પંચનામા’-શ્રેણીની ફિલ્મોથી વિપરીત અહીં છોકરાં-છોકરીનાં ફૅમિલી પણ છે. જો કે ટિટુની મમ્મી નથી એટલે એની પરવરિશ પણ સોનુ સાથે થઈ છે. બન્નેની દોસ્તી પોલાદી મજબૂત છે. એમાંય સોનુ ટિટુ માટે ભયંકર હદે પઝેસિવ છે. ફિલ્મ ઓપન થાય છે ટિટુના બ્રેકઅપથી. હવે એ લગ્ન કરી સેટલ થવાનું નક્કી કરે છે. જે કન્યા સાથે એની શાદી ફિક્સ થાય છે એ સ્વીટી (નુસરત ભરૂચા) વિશ સોનુને જાતજાતની શંકાકુશંકા છે. એને લાગે છે કે સ્વીટી વધુપડતી સંસ્કારી, વધુ પડતી ડાહીડમરી છે. સોનુને ખાતરી છે કે છોકરી સારી હોવાનું નાટક કરી રહી છે. એસીપી પ્રદ્યુમ્નનો ડાયલૉગ ઉધાર લઈએ તો, ‘કૂછ તો ગડબડ હૈ’. ટિટુ બિચારો રહ્યો ઈમોશનલ. એને બધું સારું જ દેખાય છે, એને સ્વીટી ખૂબ ગમે છે એટલે સોનુ એને ડાયરેક્ટ કહી શકતો નથી. સોનુ મનમાં ગાંઠ વાળી લે છે કે એ ટિટુને સ્વીટીથી ઉગારી લેશે. બીજી બાજુ, સ્વીટી પણ સોનુને ચેલેંજ આપે છે કે ‘દોસ્ત ઔર લડકી મેં હંમેશાં લડકી હી જીતતી હૈ’!

બસ, તો સોનુ એની મકસદમાં કામિયાબ થાય છે કે નહીં એ જાણવા તમારે ફિલ્મ જોવી પડશે. કોણ જાણે કેમ, પણ ફિલ્મ જોતી વખતે મને અનિલ કપૂર-માધુરી દીક્ષિત-અરુણા ઈરાનીવાળી ‘બેટા’ યાદ આવી ગઈ. એમાં અરુણા ઈરાની અને માધુરી દીક્ષિત બન્ને અનિલ કપૂર પર હક જમાવાના પ્રયાસ કરે છે. ખેર. ફિલ્મ કેવી છે? સૌથી પહેલાં અભિનય. કાર્તિક આર્યન અને નુસરત ભરૂચા બન્ને ફુલ ફૉર્મમાં છે. રિલેશનશિપમાં છોકરો બિચારો કેવો ગૂંગળાઈ મરે છે એ સમજાવતી ‘પ્યાર કા પંચનામા’ જેવી કાર્તિકના મોઢે બોલાતી સ્વગતોક્તિ અહીં પણ છે. જો કે ‘પ્યાર કા પંચનામા’ અને ‘આકાશ વાણી’માં ગમી ગયેલો સની સિંહ અહીં જામતો નથી. બીજી બાજુ, સંસ્કારી બાબુજી આલોક નાથનું કેરેક્ટર બડું ઈન્ટરેસ્ટિંગ છે. એને એની ઈમેજથી સાવ જુદા કેરેક્ટરમાં જોવા એ લહાવો છે. એ અને વીરેન્દ્ર સક્સેના નૉર્થ બાજુ સાવ કૉમન બની ગયેલો સી વર્ડ સતત ઉચ્ચાર્યા કરે છે.

અગાઉ કહ્યું એમ, લવ રંજનની પોતાનું એક ઑડિયન્સ છે. રિલેશનશિપને સમજવાનો પ્રયાસ કરનારાં જુવાનિયાંને ગમી જાય એવી આ ફિલ્મ છે. હંમેશાં છોકરા જ નહીં, છોકરી પણ રિલેશનશિપમાં વિલન હોઈ શકે એવું રંજન સતત કહ્યા કરતા હોય છે. ફિલ્મમાં ઘણે ઠેકાણે હ્યુમર છે, પણ મને સૌથી ગમી ગયેલો સીન છે છોકરી બિકિની પહેરીને ‘બડોં કા આશીર્વાદ’ લે છે એ.

બે ગીત ફિલ્મનાં સરસ બન્યાં છે. લાંબા સમય બાદ આવેલો હનીસિંહ (‘દિલ છોરી’) તથા રોચક કોહલીએ સર્જેલું અરિજિતસિંહનું ‘મેરા યાર’ ઝૂમતાં કરી દે એવાં છે. એન્ડમાં એટલું કહેવાનું કે વીકએન્ડમાં કરવા જેવું કંઈ ન હોય તો જોઈ કાઢો આ ફિલ્મ.