દેશની જિલ્લા કોર્ટોને નિર્ણય આપતા લાગી જશે 324 વર્ષ, આ છે સ્થિતી

નવી દિલ્હીઃ દેશની અદાલતોમાં ઘણા એવા મામલાઓના નિર્ણય આવવાના બાકી છે કે જે આશરે 45-50 વર્ષોથી પેન્ડિંગ છે. અધિકારિક આંકડાઓ અનુસાર આશરે 140 કેસ એવા છે કે જે 60 વર્ષથી પેન્ડિંગ પડેલા છે. આમાંથી મોટાભાગના 1951 બાદના છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર 28 ડિસેમ્બર 2018 સુધીમાં જિલ્લા અદાલતોમાં આશરે 66000 કેસ 30 વર્ષથી કરતા વધારે સમયથી પેન્ડિંગ છે. તો પાંચ વર્ષથી વધારે લંબિત મામલાઓની સંખ્યા 60 લાખથી વધારે છે.

સરકાર દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલા એક આંકલનમાં કહેવાયું છે કે વર્તમાન મામલાના નિષ્પાદનની જે ગતિ છે એવી સ્થિતીમાં નિચલી કોર્ટમાં પેન્ડિંગ મામલાઓને પતાવવા માટે 324 વર્ષ જેટલો સમય લાગી જશે. આંકડાઓ અનુસાર પેન્ડિંગ મામલાઓની સંખ્યા વધીને 2.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. આમાંથી 71 ટકા અપરાધિક મામલાઓ છે જેમાં કાં તો આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અથવા વિચારાધીન કેદીના રુપમાં જેલમાં બંધ છે. ગત મહિને કોર્ટોએ 8 લાખ મામલાઓમાં નિષ્પાદન કર્યું હતું. તો 10.2 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આવામાં જોવા જઈએ તો વર્તમાન અમલ દર અનુસાર સરેરાશ 2.2 લાખ કેસ પ્રતિમાસ બૈકલોગ રહ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે.

રિપોર્ટ અનુસાર 1951 બાદથી આશરે 1800 મામલાઓની 48 થી 58 વર્ષોથી સુનાવણી ચાલી રહી છે. 13000 મામલાઓ 40 વર્ષથી પેન્ડિંગ છે તેમજ આશરે 51,000 મામલાઓ 37 વર્ષોથી પેન્ડિંગ છે. સૌથી વધારે જનસંખ્યા વાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 26,000 મામલાઓ 30 વર્ષથી પેન્ડિંગ છે. મહારાષ્ટ્રમાં પણ 13000 મામલાઓ આટલા જ સમયથી પેન્ડિંગ છે.

તો આ જ પ્રકારે કુલ પેન્ડિંગ મામલાઓના 96 ટકા કેસ યૂપી, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને ઓડિશાના છે. આ છ રાજ્યોમાં આશરે 1.8 કરોડ મામલાઓ નીચલી અદાલતોમાં પેન્ડિંગ છે. આ સંખ્યા આખા દેશમાં પેન્ડિંગ 2.93 કરોડ મામલાના 61 ટકા છે. કેટલાક એવા કેસ પણ પેન્ડિંગ છે જેમાં બીજા પક્ષ હંમેશા તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે પરંતુ તે હાજર નથી થઈ રહ્યા.