બિહારમાં ગોઠવાઈ ગયું ગઠબંધનઃ ગોઠવાઈ રહ્યું છે જ્ઞાતિ ગણિત

હાગઠબંધન શબ્દ 2019ની લોકસભા ચૂંટણીનો મુખ્ય શબ્દ બની રહેશે તેમ લાગે છે. એકથી વધુ નેતાઓ ગઠબંધન માટે પ્રયાસો કરી રહ્યા છે. મુખ્ય બે ગઠબંધન ખરા જ – એનડીએ અને યુપીએ. તેમાંથી એનડીએની પહેલી સમજૂતિ બિહારમાં ફાઈનલ થઈ ગઈ. એનડીએ સામે લડવા માટે મુખ્ય પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની આગેવાનીમાં મહાગઠબંધન પણ તૈયાર થઈ ગયું છે.

બિહારમાં એનડીએનું ગઠબંધન ફાઇનલ થયું (વાંચો ચિત્રલેખાનો અગાઉનો અહેવાલ – (httpss://goo.gl/UWDGuw ) પાંચ બેઠકો ગુમાવવા સાથે લોકસભાની ભાજપની તૈયારીઓ શરૂ </a>), તે સાથે જ 2019ની ચૂંટણીનું પ્રથમ મહાગઠબંધન પણ નક્કી થઈ ગયું છે. તેના માટે મહા શબ્દ ના વાપરીએ તો પણ એનડીએની સામે આરજેડીની આગેવાની હેઠળનું વિપક્ષનું જૂથ નક્કી થઈ ગયું છે. એનડીએમાંથી કુશવાહા જુદા પડ્યા અને તેમણે આખરે તેજસ્વી યાદવની સાથે જોડાવાનું નક્કી કર્યું અને આ ગઠબંધન તૈયાર થયું છે.

કુશવાહા આરજેડી સાથે જોડાયા તેના કારણે બિહારનું જ્ઞાતિ ગણિત પણ બદલાયું છે. ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના શબ્દોમાં આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે બિહારમાં યાદવોનું દૂધ, કુશવાહાના ચોખા, અતિપછાત અને દલિતો વગેરેના પંચમેવા ભેગા મળીને સત્તાની સ્વાદિષ્ટ ખીર તૈયાર થવાની છે.

આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ જેલમાં છે અને બીમાર છે. તેમના પુત્ર તેજસ્વીએ નેતાગીરી સંભાળી લીધી છે અને ચાચા નીતિશકુમાર સામે આ ભતીજો લોકપ્રિય થઈ રહ્યાનું અનુમાન છે. તેમની સાથે હવે કોએરી નેતા ઉપેન્દ્ર કુશવાહાનો પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પક્ષ (આરએલએસપી) જોડાયો છે. આ ઉપરાંત મુશહર દલિત નેતા જીતન રામ માંઝીનો પક્ષ હિન્દુસ્તાની અવામી મોરચા (એચએએમ), ડાબેરી પક્ષો, અને શરદ યાદવનો લોકતાંત્રિક જનતા દળ (એલજેડી) પણ જોડાયો છે. નીતિશકુમારે આરજેડી સાથે કરેલું ગઠબંધન તોડીને ભાજપનો હાથ પકડી લીધો તેથી શરદ યાદવ નારાજ થયા અને અલગ પક્ષ બનાવી લીધો છે. કોંગ્રેસ પણ આ ગઠબંધનમાં ઉમેરાઈ શકે છે, પણ હજી સુધી તે અંગે નિર્ણય લેવાયો નથી, કેમ કે કોંગ્રેસ લોકસભા માટે કેવી રીતે જોડાણો કરશે તેની કોઈ દિશા નક્કી થઈ રહી નથી.

કોંગ્રેસની દિશા નક્કી ના હોવાથી યુપીમાં પણ એસપી-બીએસપી સાથે તેનું ગઠબંધન થશે કે કેમ તે નક્કી થઈ રહ્યું નથી. હાલમાં જ અખિલેશ યાદવે પણ કોંગ્રેસની ટીકા કરી છે. તેમના પક્ષે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ટેકો આપ્યો, પણ તેના ધારાસભ્યને પ્રધાનપદ મળ્યું નથી. બીએસપીના કોઈ ધારાસભ્યને પણ પ્રધાનપદું કોંગ્રેસે આપ્યું નથી. તેથી યુપીમાં કદાચ તે બંને કોંગ્રેસની રાહ જોયા વિના બેઠકોની વહેંચણી કરી લે તેવી પણ શક્યતા છે.

પણ બીજે હજી જો અને તો ચાલે છે, ત્યારે તેજસ્વી યાદવે બિહાર પૂરતી ગોઠવણ કરી લીધી છે. જોકે બિહારમાં કોને કેટલી બેઠકો તેનો આંકડો પડ્યો નથી, પણ બધા પક્ષોએ સાથે રહેવાનું નક્કી કર્યું છે એટલે થોડી ખેંચતાણ સાથે બેઠકો પણ નક્કી થઈ જશે તેમ મનાય છે. કુશવાહા પોતે જીતેલી ત્રણેય બેઠકો માગતા હતા, પણ ભાજપ બે જ બેઠકો આપવા માગતો હતો. તેથી કહી શકાય કે યાદવે તેમને ત્રણ બેઠકોનું વચન આપ્યું હશે. કુશવાહાની પાછળ પાછળ જ મલ્લાહ તરીકે ઓળખાતા માછીમારો અને નિશાદ જ્ઞાતિના એક નેતા મુકેશ સાહની પણ આ ગઠબંધનમાં જોડાયા છે. એટલે વધુ એક જ્ઞાતિ જૂથ મહાગઠબંધનમાં જોડાયું છે.

મુકેશ સાહની હિન્દી ફિલ્મોમાં સેટ ડિઝાઇનર હતા અને બિહારમાં તેમની નિશાદ કોમમાં હિરો બની ગયા હતા. તેમણે ગયા વખતે ભાજપ માટે પ્રચાર કર્યો હતો, પણ સાડા ચાર વર્ષમાં તેમનું પણ ભ્રમનિરસન થઈ ગયું. કુશવાહાની પાછળ તેમણે પણ ભાજપને છોડી દીધો છે. બિહારમાં ગંગા સહિતની નદીઓમાં માછીમારી અને હોડી ચલાવવાનું કામ કરનારા નિશાદ તરીકે ઓળખાય છે. તેમાં 20 જેટલી પેટા જ્ઞાતિઓ છે. સાહની ફિલ્મી હિરોની સ્ટાઇલમાં પોતાને મલ્લાહપુત્ર, હોડીવાળાનો દિકરો એ રીતે ઓળખાવીને પ્રચાર કરતા રહેતા હતા. 14 ટકા જેટલી વસતિ સાથે નિશાદ કોમ પણ બિહારમાં અગત્યની ગણાય છે. મલ્લાહમાં તેમના ફિલ્મ બેકગ્રાઉન્ડને કારણે મુકેશ સાહની એટલા લોકપ્રિય હતા કે 2015ની ચૂંટણી વખતે અમિત શાહની 46માંથી 41 સભાઓમાં તેમને સાથે રખાયા હતા.

નીતિશકુમારે ભાજપને છોડીને આરજેડી સાથે હાથ મીલાવ્યા હતા એટલે ભાજપ માટે નિશાદના મતો મેળવવા મુશ્કેલ હતા. નિશાદ નીતિશકુમાર સાથે મનાતા હતા, પણ સાહનીના માધ્યમથી ભાજપે નિશાદ કોમને આકર્ષવા પ્રયત્નો કર્યા હતા. હવે સાહની ભાજપ અને નીતિશ બંનેને છોડીને તેજસ્વી યાદવ સાથે જોડાયા છે તે પણ સૂચક છે.

2015માં ભાજપનો સફાયો થયો અને નિશાદ જૂથની જ્ઞાતિઓ નીતિશકુમાર સાથે જ રહી હતી. ભાજપે તે પછી સાહનીને ભાવ આપવાનું બંધ કરી દીધું હતું અને નીતિશકુમારે પણ ગરજ નહોતી. તે પછી મુકેશ સાહનીએ નવો મુદ્દો પકડ્યો હતો. માછીમારો અને હોડીવાળાને આદિવાસી ગણી એસટીનો દરજ્જો આપવાની માગણી તેમણે ચલાવી છે. નિશાદ ઓબીસી ગણાય છે ખરા, પણ એસટી તરીકે વધારે લાભ મળે તેમ હોવાથી સાહનીએ આ મુદ્દો પકડ્યો છે. બીજું પડોશી રાજ્યો બંગાળ, ઓડિશા અને દિલ્હીમાં પણ માછીમારોને આદિવાસી દરજ્જો મળેલો છે. ભાજપ અને નીતિશકુમાર બંને નિશાદની અવગણના કરે છે તેવી લાગણી ઊભી કરીને સાહનીએ પોતાની જ્ઞાતિમાં લોકપ્રિયતા મેળવી છે. તેમણે હવે પોતાનો પક્ષ પણ બનાવી લીધો છે, જેનું નામ રાખ્યું છે વિકાસશીલ ઇન્સાન પક્ષ.

મુકેશ સાહની

મુકેશ સાહની 2015માં નિશાદના મતો ભાજપને અપાવી શક્યા નહોતા, પણ આ વખતે થોડા મતો પણ મહાગઠબંધનને અપાવી શકે તો પણ મોટો ફાયદો થાય તેમ છે. સાહની 2015ના બદલે 2014 વધારે યાદ કરે છે. તેઓ કહે છે કે તેમણે ભાજપ માટે પ્રચાર કરીને નિશાદના મતો અપાવ્યા, પણ એસટીનો દરજ્જો આપવાની માગણી કેન્દ્રની ભાજપે સ્વીકારી નથી. નીતિશકુમારે નિશાદને રાજી રાખવા કેન્દ્ર સરકારને પત્ર લખીને એસટી દરજ્જાની ભલામણ કરી હતી, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી.

આરજેડીનો મુખ્ય મતદાર વર્ગ ગણાય છે યાદવ અને મુસ્લિમ. તેમાં કુશવાહા ઉમેરાયા એટલે કોએરી જ્ઞાતિનો વર્ગ ઉમેરાયો. જીતન રામ માંઝી દલિતોમાં પણ મહાદલિત ગણાતા મુશહર જ્ઞાતિના છે. તેથી અતિ પછાતની કેટેગરીમાંથી પણ એક જૂથ મહાગઠનબંધનમાં ઉમેરાયું. પાસવાન અન્ય દલિતોના આગેવાન ગણાય છે અને તેમણે ભાજપ સાથે જોડાણ યથાવત રાખ્યું છે, પણ દલિતોના મતો હવે વહેંચાઈ ગયો છે.

નીતિશકુમાર કુર્મી છે, પણ તેમના મતો વધારે નથી. તેઓ ઓબીસીમાં બિનયાદવ અને દલિતોમાં મહાદલિત અને મુસ્લિમોના મતો પર પણ આધાર રાખતા હતા. પરંતુ બિનયાદવ ઓબીસીમાંથી મલ્લાહ, નિશાદના મતો હવે સંપૂર્ણપણે નીતિશકુમારને મળે તેવી શક્યતા નથી. દલિતોમાંથી પણ મહાદલિત મુશહર માંઝી સાથે છે તેથી નીતિશકુમાર આશા રાખી શકે નહિ. બીજું માંઝીને ટૂંક સમય માટે નીતિશકુમારે મુખ્યપ્રધાન બનાવ્યા હતા, પણ તરત દૂર પણ કર્યા. તેના કારણે માંઝી ભારે નારાજ છે અને તેમણે પોતાના અન્યાયની વાત પોતાની જ્ઞાતિના અપમાન સાથે પણ જોડી છે. પાસવાન એનડીએમાંથી હોવાથી દલિતોમાં દુસાધ તરીકે ઓળખાતી પેટા જ્ઞાતિના મતો માટે નીતિશકુમાર આશા રાખી શકે. દુસાધ ચમારથી અલગ ગણાય છે, પણ ચમાર અને વણકરની જેમ દલિતોમાં થોડી સારી સ્થિતિમાં ગણાય છે. દુસાધ ચોકિદારીનું કામ કરતા હતા અને બ્રિટિશ જમાનામાં સેનામાં જોડાતા હતા, તેથી તેમને આઝાદી પછી સરકારી નોકરીઓ સહિત શિક્ષણ લેવાનો પણ લાભ મળ્યો છે. ભાજપે કહાર જ્ઞાતિના એક નેતા પ્રેમકુમારને આ વખતે આગળ કર્યા છે, જેથી પછાતોના મતો પણ થોડા મળી શકે.

આ સિવાયની જ્ઞાતિઓ ભાજપની ટેકેદાર જ્ઞાતિઓ ગણાય છે. તેમાં મુખ્ય છે ભૂમિહાર, ઠાકુર, બનિયા, બ્રાહ્મણ, કાયસ્થ વગેરે. પરંતુ આ બિનઅનામત જ્ઞાતિઓમાંથી મહત્ત્વના નેતાઓ ભાજપ, જેડી(યુ) અને આરજેડી ત્રણેય પક્ષમાં છે. તેથી તેમના મતો વહેંચાવાની શક્યતા છે. માંઝીના ટેકેદાર મુશહર એકલઠ મતદાન કરે તેવું આ વર્ગોમાં શક્ય બનતું હોતું નથી. આ ઉપરાંત યાદવ અને મુસ્લિમ મતો મુખ્ય ગણાય, પરંતુ ભાજપ પાસે પણ યાદવ અને મુસ્લિમ નેતાઓ બિહારમાં છે. તેથી તેમાં પણ થોડો ભાગ પડી શકે છે. મુસ્લિમ મતદારો આ વખતે નીતિશકુમાર માટે શું વિચારશે તે પણ મહત્ત્વનું બની ગયું છે. ભાજપ સાથેનું તેમનું જોડાણ હોવાથી મુસ્લિમ મતો વધારે મજબૂત રીતે આરજેડી પાસે રહી શકે છે. બિહારમાં કોંગ્રેસને પણ તેજસ્વી યાદવ સાથે રાખશે તેથી કોંગ્રેસના ટેકેદાર મુસ્લિમ મતો પણ સરવાળે મહાગઠબંધન સાથે રહી શકે છે.

જોકે મહાગઠબંધનમાં વધુ સંખ્યામાં પક્ષો એકઠા થયા છે. તેથી બેઠકોની સંખ્યા નક્કી કરવામાં મુશ્કેલી થઈ શકે છે. 2014માં બિહારમાં એનસીપીને પણ એક બેઠક મળી હતી અને કોંગ્રેસને બે મળી હતી. તેથી કોંગ્રેસની સાથે એનસીપી પણ જોડાશે ત્યારે તે પણ એક બેઠક જાળવી રાખવાની માગણી કરશે. કોંગ્રેસના નેતાઓ ખાનગીમાં 10 બેઠકોની માગણીની વાત કરી રહ્યા છે. કુશવાહાને ત્રણ, માંઝીને ત્રણ, શરદ યાદવને બે, મુકેશ સાહનીને બે, ડાબેરીઓને બે એમ 12 બેઠકો થઈ જાય છે. તેથી કોંગ્રેસ અને એનસીપીને વધુમાં વધુ આઠ બેઠકો આપી શકાય તેમ છે. આરજેડીને ગયા વખતે 4 બેઠકો મળી હતી અને આ વખતે કમ સે કમ 20 બેઠકો લડવા માગે છે. પોતાની 20 વત્તા સાથીઓ માટે 20ની ફોર્મ્યુલા બની રહી છે, જેમાં ચર્ચા વિચારણા બાદ ફેરફારો થઈ શકે છે.