મુંબઈના વાલકેશ્વરમાં ડુપ્લેક્સ ફ્લેટ વેચાયો રૂ. 47 કરોડમાં; આ વર્ષનો સૌથી મોટો સોદો

મુંબઈ – દક્ષિણ મુંબઈમાં વૈભવશાળી ગણાતા વાલકેશ્વર વિસ્તારમાં એક ડુપ્લેક્સ ફ્લેટ રૂ. 47 કરોડમાં વેચાયો છે. જે આ વર્ષમાં મુંબઈમાં રહેણાંક પ્રોપર્ટી માટેનો સૌથી મોટો સોદો બન્યો છે.

ઉક્ત સોદામાં ડુપ્લેક્સ પ્રતિ સ્ક્વેર ફીટ રૂ. 1.56 લાખના ભાવે વેચાયો છે. આ જ વર્ષમાં છેલ્લે આવો જે સોદો થયો હતો એના કરતાં નવા સોદામાં પ્રતિ સ્ક્વેર ફીટ ભાવમાં રૂ. 7000 વધારે મળ્યા છે.

આ પ્રોપર્ટી વાલકેશ્વરમાં આવેલી લેજન્ડ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની ‘B’ વિંગમાં, 19-20મા માળે આવેલી છે.

3,012 સ્ક્વેર ફીટ એરિયાવાળા આ ફ્લેટમાંથી અરબી સમુદ્રનાં સુંદર દર્શન થાય છે.

વાલકેશ્વરમાં મુંબઈના અમુક હાઈ-પ્રોફાઈલ લોકો રહે છે જેમાં મુખ્ય પ્રધાન તથા ગવર્નરનો સમાવેશ થાય છે.

ડીએનએ અખબારના અહેવાલ મુજબ, ઉક્ત સોદો 50 વર્ષની મહિલા એમ. મહેશ્વરી અને એ જ વયનાં અન્ય મહિલા એસ. ઝવેરી વચ્ચે થયો છે.

આ સોદાથી મહારાષ્ટ્ર સરકારને સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ. 2.35 કરોડની આવક થઈ છે.

આ ફ્લેટની સાથે નવા માલિકણ ઝવેરીને ચાર કાર પાર્કિંગ્સ પણ મળ્યાં છે.