INX મીડિયા કેસઃ સીબીઆઈએ કાર્તિ, ઈન્દ્રાણીને સામસામે બેસાડી 4 કલાક પૂછપરછ કરી

મુંબઈ – સાડા ત્રણ કરોડથી વધુ રૂપિયાની લાંચના INX મીડિયા કેસમાં પૂછપરછ માટે કેન્દ્રીય તપાસનીશ એજન્સી સીબીઆઈના અમલદારો આરોપી કાર્તિ ચિદમ્બરમને આજે નવી દિલ્હીથી મુંબઈ લાવ્યા છે. કાર્તિ ચિદમ્બરમ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર છે.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના અમલદારો આજે સવારે નવી દિલ્હીથી 8 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈ આવવા રવાના થયા હતા.

મુંબઈ સ્થિત કંપની INX મીડિયા, જેનું નામ હવે બદલાઈને 9X મીડિયા થઈ ગયું છે, તેને 2007ની સાલમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી હાંસલ કરવામાં મદદરૂપ થવા માટે કાર્તિએ રૂ. 3.5 કરોડની લાંચ લીધી હોવાનું કહેવાય છે. 2007માં INX મીડિયા કંપનીનું સંચાલન પીટર અને એની પત્ની ઈન્દ્રાણી મુખરજી કરતા હતા. આ મુખરજી દંપતી હાલ શીના બોરા મર્ડર કેસમાં આરોપી છે.

ઈન્દ્રાણી મુખરજી, જે INX મીડિયા કેસમાં આરોપી છે, એમણે એક મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે કાર્તિ દિલ્હીની એક હોટેલમાં એમને મળ્યા હતા અને FIPBની મંજૂરી મેળવી આપવા માટે 10 લાખ ડોલરની લાંચ આપવાની માગણી કરી હતી.

સીબીઆઈ અમલદારો મુખરજી દંપતીની પૂછપરછ કરી રહ્યા છે. આ બંને પતિ-પત્નીને હાલ મુંબઈમાં ભાયખલા જેલમાં પૂરવામાં આવ્યા છે. સીબીઆઈ અધિકારીઓ કાર્તિને આજે ભાયખલા જેલમાં લઈ ગયા હતા અને ઈન્દ્રાણી સાથે સામસામે બેસાડીને ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. હવે આવી જ રીતે અમલદારો કાર્તિને પીટર મુખરજી સાથે પણ અલગ રીતે સામસામા બેસાડવાના છે અને સીધી જ પૂછપરછ કરાવીને જવાબ મેળવશે.

દિલ્હીની સીબીઆઈ કોર્ટે ગઈ 1 માર્ચે કાર્તિ ચિદમ્બરમને 6 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી.

કાર્તિની ધરપકડ ગયા બુધવારે ચેન્નાઈ એરપોર્ટ પર કરવામાં આવી હતી. એ લંડનથી પાછા ફર્યા બાદ તરત જ એરપોર્ટ પર જ એમને પકડી લેવામાં આવ્યા હતા.