ત્રિપુરાની જનતાએ વિકલ્પ શોધી કાઢ્યો – ભાજપ

ઈશાન નામનો ખૂણો હોય છે એવું વિદ્યાર્થીઓને શિક્ષક શીખવે છે કે કેમ તે સવાલ છે, કેમ કે આપણે ઉત્તર-પૂર્વ લખતા થઈ ગયા છીએ. આપણે દસ દિશાઓ નક્કી કરીને તેના નામ પણ આપી શક્યા છીએ, પણ આપણને ચારેક દિશાઓ જ સમજાય છે. રાજકારણમાં એકથી વધુ દિશા હોય છે, પણ મોટા ભાગના નેતાઓએ એક કે બે દિશા જ દેખાતી હોય છે. એ દિશામાં તમે ચાલ્યા જાવ અને ત્યાં અવરોધ આવે ત્યાં અટકી જાવ.

કોંગ્રેસ એવી એક દિશામાં જ ચાલનારી પાર્ટી રહી છે. આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકાને કારણે નાનામાં નાના ગામની નેતાગીરી આ પક્ષ સાથે હતી. પ્રથમ સાડા ત્રણ દાયકા દરમિયાન સત્તા આપોઆપ મળતી રહી. કાર્યકરો ઊભા કરવાની, નવું નેતૃત્ત્વ ઊભું કરવાની કોંગ્રેસને જરૂર નહોતી. રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો ઊભા થવા લાગ્યા હતા. લોકોએ એકાદ મુદત તેમને આપી, પણ કોંગ્રેસના શાસન કરતાંય નબળું શાસન મળ્યું એટલે વળી કોંગ્રેસને સત્તા આપી. કોંગ્રેસને આ દિશા ફાવી ગઈ હતી. વચ્ચે એકાદ મુદત ભલે બીજા શાસન કરી લે, સત્તા ફરી પોતાની પાસે આપોઆપ આવશે.

પરિવર્તન પણ લોકો કરે, મુદ્દાઓ પણ લોકો નક્કી કરે. શાસક પક્ષની ખામીઓ પણ લોકો શોધી કાઢે – કોંગ્રેસે કશું કરવાનું નહિ. ત્રિપુરામાં આ રીતે એક વાર ડાબેરી, એક વાર કોંગ્રેસ એ રીતે સત્તા પરિવર્તન થયા પછી, પરિવર્તન થવાનું બંધ થઈ ગયું હતું. છેલ્લા 25 વર્ષથી ડાબેરી શાસન હતું. લોકો ડાબેરીઓને હરાવવા ઇચ્છતા હતા, પણ વિકલ્પ કોણ આપે તે સવાલ હતો. કોંગ્રેસ પોતાની એકમાર્ગી રાજનીતિને કારણે નવો વિકલ્પ આપી શકે તેમ નહોતી. લોકોએ પોતાની રીતે વિકલ્પ શોધવાનો છે એમ ત્રિપુરા કોંગ્રેસ માનતી હતી. લોકોએ વિકલ્પ શોધી પણ લીધો. ત્રિપુરાના લોકોએ ભારતીય જનતા પક્ષનો વિકલ્પ શોધી કાઢ્યો.

ત્રિપુરાના પરિણામથી એમ નથી સમજવાનું કે ભાજપે ડાબેરીઓને હરાવ્યા છે. ભાજપે અહીં કોંગ્રેસને સાફ કરી નાખી તેના કારણે સત્તા મળી છે. ડાબેરીઓને પણ નુકસાન થયું છે, પણ કોંગ્રેસની જેમ તે સાફ નથી થઈ ગઈ. ભાજપ સામે વિકલ્પ તરીકે તે ઊભી જ છે.

ત્રિપુરામાં ભાજપે ફક્ત 0.3 ટકા મતોની લીડ લીધી છે, પણ અહીં આ વખતની લીડ કરતાં, ગત વખતની ચૂંટણીથી કેટલા વધુ મતો મળ્યા તે અગત્યનું છે. ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને 41.5 ટકા મતો વધુ મળ્યા છે તે અગત્યના છે. 2013ની ચૂંટણીમાં ફક્ત દોઢ ટકો મત અને આ વખતે સીધા 43 ટકા. અમુક પ્રાદેશિક પક્ષો અને હાલના સમયમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જ આવા જમ્પ મળ્યા છે. આવા જમ્પ ત્યારે જ મળે છે, જ્યારે લોકો પોતે પરિવર્તન શોધી કાઢે. નાગરિકો ઈચ્છતા હોય તેવું પરિવર્તન આપવા માટે ઉપલબ્ધ રાજકીય પક્ષો સક્ષણ ના હોય ત્યારે નવો જ પક્ષ લોકોએ શોધવો પડે. ત્રિપુરામાં ભાજપ એ નવો પક્ષ જ ગણાય. આ નવા પક્ષે કોંગ્રેસને અહીં સાફ કરી નાખી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 36.50 ટકા મતો મળ્યા હતા. ત્યાંથી કોંગ્રેસ સીધો ધબાય નમઃ કરીને 1.8 ટકા મતો પર આવી ગયો છે. ડાબેરીઓએ પણ છ ટકા ગુમાવ્યા છે. 48.10માંથી 42.70 થઈ ગયા. પ્રાદેશિક પક્ષોની સ્થિતિ લગભગ સરખી રહી છે. ગત વખતના 7.61 સામે, આ વખતે 7.50. 0.11  મતો ઓછા જ થયા છે. એ રીતે ત્રિપુરામાં ત્રીપાંખીયો જંગ હોવા છતાં મતોની ટકાવારી મતદારોના મીજાજ સાથે મેળ ખાય છે. ડાબેરી મતો ગુમાવ્યા એટલે સત્તા પણ ગુમાવવી પડી. કોંગ્રેસને સમ ખાવા એકેય સીટ ના મળી.

રાજકીય પક્ષ ૨૦૧૩ – ટકાવારી ૨૦૧૩ – કુલ મત ૨૦૧૮ – ટકાવારી ૨૦૧૮ – કુલ મત
સીપીએમ 48.10 10,59,327 42.7 9,92,575
કોંગ્રેસ 36.50  8,04,457 1.8 41,325
સ્થાનિક પક્ષો 7.61  67,078 7.5 1,73,603
ભાજપ 1.50 33,808 43.0 9,99,093

આ પરિણામો પાછળ ત્રણ મહત્ત્વની સ્ટ્રેટેજી કામ કરી ગઈ છે.

સંગઠનઃ રાજકીય પક્ષો માટે સંગઠન જરૂરી છે. કોંગ્રેસ પાસે તે રેડીમેડ હતું. ગાંધીજીએ આઝાદીનું આંદોલન સમગ્ર દેશને સંગઠિત કરીને ચલાવ્યું હતું. તેનો વારસો મળ્યો તેના પર કોંગ્રેસનું ગાડું ચાલ્યું, પણ સમય વીતવા સાથે નવું સંગઠન બન્યું નહિ. આગળ જતા સંગઠન માત્ર એક પરિવાર દ્વારા પોતાના વફાદારોની ગોઠવણ પૂરતું જ મર્યાદિત રહી ગયું. તેની સામે એક સદી પહેલાં શરૂ થયેલું આરએરએસનું સંગઠન સતત તેને મજબૂત બનાવવામાં માને છે. કોંગ્રેસની જેમ તેમાં પણ એક વર્ગના વફાદારોની જ ગોઠવણ વધારે છે, પણ તે વાત હજી પ્રબળપણે અને પ્રગટપણે બહાર આવી નથી. તેનું એક કારણ એ પણ છે કે જરૂર જણાય ત્યાં બીજા વર્ગોની મદદ લઈને પણ સંગઠન મજબૂત બનાવાયું છે.

ઇશાન ભારતના રાજ્યોમાં આદિવાસીઓની સંખ્યા મોટી છે. આરએસએસ ઘણા દાયકાથી આ આદિવાસીઓ વચ્ચે કામ કરીને સંગઠન મજબૂત બનાવી રહ્યું છે. આદિવાસી નેતાઓને તૈયાર કરીને આગળ કરાયા. કોંગ્રેસમાંથી અને સ્થાનિક પક્ષોમાંથી જ્યાંથી પણ મળ્યા ત્યાંથી મજબૂત સ્થાનિક નેતાઓને ભેળવી દેવાયા. તેમને સંગઠનમાં સારી રીતે ગોઠવીને સંગઠનને મજબૂત બનાવાયું. કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોએ પોતાના નેતાઓ પણ ગુમાવ્યા અને સંગઠન પણ એટલું નબળું પડ્યું. ડાબેરી વિચારધારા તાજી અને નવી લાગતી હતી ત્યારે લોકો આકર્ષાયા અને તેનું સંગઠન બન્યું હતું. પરંતુ સમય જતા તેની તાજગી ઓછી થઈ અને આ વિચારધારામાં કંઈ સાર નથી નીકળતો એવું લાગ્યું ત્યારે નવી પેઢી તેમાં આવતી અટકી ગઈ.

મુદ્દાઃ ચૂંટણી મુદ્દાથી જીતાય છે. વિકાસ કરીને ચૂંટણી જીતી શકાય છે તે ભ્રમ છે. હજી સુધી તો આ વાત જ સાચી છે. વિકાસ આપોઆપ થાય છે. તેમાં એફિશિયન્સી આવે તો તે એફિશયન્સીને એક મુદ્દો બનાવી શકાય, પણ તેને વિકાસનો મુદ્દો ના કહેવાય. વાસ્તે વિકાસ સિવાયનો જ મુદ્દો ભારતમાં ચૂંટણી જીતવા જોઈએ. બીજા પક્ષો આવા મુદ્દા શોધતી નથી અને જે મુદ્દો હોય તેને જાળવતી નથી. ભાજપ પાસે મજબૂત સંગઠન હોવાથી નવા મુદ્દા તેને મળી શકે છે. મૂળભૂત રીતે તેણે છેલ્લા ઘણા દાયકાથી ચકાસેલા મુદ્દાઓ હોવાથી તે ફાવે છે. મતબેન્કનું રાજકારણ હોય તેના કારણે કેટલાક વર્ગોને ફાયદો થાય છે તેવો પ્રચાર કરી શકાય છે. બાકીના વર્ગોને આ મુદ્દો સમજાવીને એકઠા કરવાના છે. તેથી મતબેન્ક માટે જોડાયેલા વર્ગોના જોડાણ સામે બધા જ વર્ગોનું સંયુક્ત જોર ઊભું થાય. ઇશાન ભારતમાં ભાજપનો મૂળભૂત મુદ્દો ફાવે તેવું ગ્રાઉન્ડ તૈયાર જ હતું. મુસ્લિમ અને ખ્રિસ્તી વર્ગો વધારે હોવાથી અને તેની સાથે એકાદ આદિવાસી કે સ્થાનિક વર્ગ જોડાઈને મતબેન્કનું જે ગઠબંધન તૈયાર થયું હોય તેને તોડવું પડે. તેથી આ જોડાણને મુદ્દો બનાવી, સામે બધા જ વર્ગોનું જોડાણ એવો મુદ્દો ભાજપ સફળતાપૂર્વક ઊભો કરી શક્યો છે.

આ ઉપરાંત નાના નાના મુદ્દાનું પણ ધ્યાન રખાયું છે. જેમ કે સ્થાનિક અહેવાલો પ્રમાણે તિપુરામાં કમર્ચારીઓને ફક્ત ચોથું પગારપંચ જ મળતું હતું. ભાજપે કહ્યું કે અમે તમને સીધું સાતમું પગાર પંચ આપીશું. આ રીતે નાનામાં નાનો મુદ્દો પણ પકડી લેવો પડે.

પ્રચારઃ માત્ર મુદ્દો પકડી લેવાથી કામ થતું નથી. બીજા પક્ષો પાસે પણ પોતાના મુદ્દો હોય છે. પરંતુ તેનો કેવી રીતે પ્રચાર કરો છો તે અગત્યનું છે. પ્રચારની પદ્ધતિ, શૈલી, નવિનતા, રસિકતા, વ્યાપકતા, સ્વીકાર્યતા વગેરેનું પણ કોર્પોરેટની માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સ્ટાઇલમાં વિચારવું પડે. પોસ્ટરો છપાવી દેવાથી, સભાઓ કરવાથી પ્રચાર નથી થતો. પ્રચાર સતત થતો રહેતો હોય છે. કોઈ ઘટના બની હોય તેના રિએક્શનમાં પણ પ્રચાર થઈ જતો હોય છે. પળેપળ પ્રચારનું માધ્યમ છે, તેમ ધ્યાન રાખીને સતત પ્રચાર, વાત વાતમાં પ્રચાર એ ભાજપ સિવાયના પક્ષોએ હજી શીખવા જેવું છે.

ભાજપનો કાર્યકર તમને કેમ છો, કેવો તડકો લાગે છે? આ વખતે શિયાળામાં વહેલો તડકો પડવા લાગ્યો છે તે વાતમાં પણ પ્રચાર કરી શકે. દુષ્ટોનું અને વર્ણશંકરોનું શાસન આવ્યું છે એટલે કુદરત પણ રૂઢી છે એવો પ્રચાર આટલી નાની વાતમાં થઈ શકે. સામા છેડે થ્રીડી સહિતની આધુનિક રીત ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ કરવામાં છોછ નહિ.

આ ત્રણેય બાબતોમાં ભાજપની તોલે આવો તેવો કોઈ પક્ષ નથી. પ્રાદેશિક પક્ષો પોતાની સ્થાનિક તાકાતના આધારે હજી પણ ભાજપ સામે જીતી શકે છે, પણ રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે કોઈ પડકાર રહ્યો નથી. બધા પક્ષો એક થઈ જાય તે વધારે પડતો સરળ ઉપાય છે. બધા પક્ષો એક થઈને એક વાર ભાજપને હરાવી શકશે, બીજીવાર નહિ. બીજી વાર ભાજપ મજબૂત થઈને આવશે. ઇન્દિરા ગાંધીને એક થઈને એકવાર જ હરાવી શકાયા હતા. કોંગ્રેસને તે પછી હરાવવા માટે ભાજપે લાંબી મહેનત કરી છે. કોઈ પક્ષ ભાજપ સામે ટક્કર લેવા માગતો હશે તો તેણે પણ લાંબી મહેનત કરવી પડશે.