પાકિસ્તાનનો સમાવેશ CPC યાદીમાં કરવા US સાંસદોએ વિદેશપ્રધાનને પત્ર લખ્યો

વોશિંગ્ટન- અમેરિકાનું વલણ પાકિસ્તાન માટે વધુ કડક થયું છે. અમેરિકાના બે સાંસદોએ US વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને અપીલ કરી છે કે, અમેરિકા પાકિસ્તાનનો સમાવેશ એવા દેશની યાદીમાં કરે જે, લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતાનો સુનિયોજીત રીતે અને ખરાબ ઢંગથી ઉલ્લંઘન કરે છે.

અમેરિકન કોંગ્રેસના સદસ્ય રૈંડી હલ્ગટ્રેન અને ટોમ લાંટોસે માનવાધિકાર આયોગના સહપ્રમુખ જેમ્સ પી મૈકગર્વનને US વિદેશપ્રધાન રેક્સ ટિલરસનને પત્ર લખીને પાકિસ્તાન સરકાર પર આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન સરકાર સ્થાનિક લઘુમતિઓની ધાર્મિક સ્વતંત્રતાનું વર્ષોથી દમન કરી રહી છે. અને આ દમનમાં ઘટાડો થવાના અથવા આ દમન પ્રક્રિયા બંધ થવાના કોઈ જ આસાર જણાતા નથી.

અમેરિકન કાંગ્રેસના સદસ્યોએ ટિલરસનને લખેલા પત્રમાં જણાવ્યું કે, પાકિસ્તાને તેની અસફળતાનો સ્વીકાર કરવો જ પડે. પોતાના જ દેશમાં રહેતા લઘુમતિ સમુદાયની ધાર્મિક લાગણીઓનું હનન કરીને પાકિસ્તાન વૈશ્વિક સમુદાયમાં પોતાની શાખ ઘટાડી રહ્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પાકિસ્તાનનો સમાવેશ CPCની યાદીમાં કરવામાં નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાનમાં રહેતા લધુમતિ સમુદાયની ધાર્મિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતાઓ નહીંવત છે.