ભારતની મોટી રાજદ્વારી જીતઃ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કર્યો

ન્યુયોર્ક – સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની સુરક્ષા પરિષદે (UNSC) પાકિસ્તાનમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના સ્થાપક, પુલવામા ટેરર હુમલાના સૂત્રધાર અને ભારતના નંબર-1 દુશ્મન મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે ઘોષિત કર્યો છે. UNSCના આ નિર્ણયને ભારત માટે મોટી રાજદ્વારી જીત ગણવો પડે.

અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં ચીન આડે આવ્યું હતું, પણ એણે તેનો ટેકનિકલ વાંધો ઉઠાવી લેતાં સુરક્ષા પરિષદ માટેનો માર્ગ આસાન થઈ ગયો.

મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે ઘોષિત કરવામાં આવ્યો એની જાણકારી યુએન સ્થિત ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીને આપી હતી.

httpss://twitter.com/AkbaruddinIndia/status/1123573604195667969

દરમિયાન, પાકિસ્તાન સરકાર પણ ઢીલી પડી ગઈ છે અને કહ્યું છે કે મસૂદ અઝહરને હવે ત્રાસવાદી ઘોષિત કરાયો તો એની સામે એને કોઈ વાંધો નથી.

ગઈ કાલે, ચીને કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી અઝહરને યુએન ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરે એ જટિલ પ્રશ્ન ઉચિત રીતે ઉકેલાઈ જશે.

જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં ગઈ 14 ફેબ્રુઆરીએ એક આત્મઘાતી બોમ્બ હુમલામાં સીઆરપીએફના 40 જવાન માર્યા ગયા બાદ અઝહરને યુએન સુરક્ષા પરિષદે જાહેર કરેલી ત્રાસવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવે એ માટે ફ્રાન્સે ઠરાવ રજૂ કર્યો હતો પણ ગયા માર્ચ મહિનામાં, ચીને જાહેરાતને એમ કહીને અટકાવી દીધી હતી કે એને આ મામલે અભ્યાસ કરવા માટે વધારે સમયની જરૂર છે.

અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કરવાના પ્રયાસોમાં ચીને એ ચોથી વાર અડચણ પેદા કરી હતી.