ઈઝરાયલના યુદ્ધવિમાનોએ સીરીયાના આ ક્ષેત્રમાં તબાહી મચાવી

સીરીયાઃ ઈઝરાયલના યુદ્ધ વિમાનોએ દમિશ્ક નજીક ઘણા વિસ્તારોમાં અને દક્ષિણી સીરિયામાં બોમ્બ ફેંક્યા હતા. સીરિયામાં માનવાધિકારની દેખરેખ કરનારા એક સંગઠને આ માહિતી જાહેર કરી હતી. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના પ્રમુખ રામી અબ્દેલ રહેમાને જણાવ્યું કે દમિશ્કના દક્ષિણી અને દક્ષિણ-પશ્ચિમી ઉપનગરો અને કુનેતરા પ્રાંતની સીમા સાથે જોડાયેલા સીરિયાના ક્ષેત્રમાં ઈઝરાયલના સુરક્ષાદળોએ એક કલાક સુધી ત્યાંના વિસ્તારોમાં બોંબ ફેંક્યા હતા.

આ પહેલા સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે તેમની વાયુ રક્ષા પ્રણાલીએ રાજધાની નજીક દુશ્મનના ઘણા ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલી વિગતો અનુસાર ઈઝરાયેલી ઠેકાણાને સીરિયાએ કિશ્વેહ ક્ષેત્રમાં નિશાન બનાવ્યા હતા. દમિશ્કના દક્ષિણી ક્ષેત્રને પહેલા પણ ઈઝરાયલે કથિત રીતે નિશાન બનાવ્યા હોવાની વાત સામે આવી છે.

માનવાધિકાર દેખરેખ સંસ્થાએ આ મામલે જણાવ્યું કે આ હુમલામાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના સભ્ય અને અન્ય ઈરાન સમર્થિત શિયા મિલિશિયાના સદસ્યો માર્યા ગયા છે. કિશ્વેહ લેબનાનના હિઝબુલ્લા સંગઠન સાથે જ ઈરાનના સુરક્ષા દળના પણ હથિયાર ડેપો છે.