જાણો કયા મુદ્દે ભારત-ચીન બની શકે છે ‘હિંદી ચીની, ભાઈભાઈ’

0
1684

બિજીંગ- સતત ટકરાવના મૂડમાં રહેતા અઘોષિત શત્રુઓ પાડોશી દેશ ભારત અને ચીન હવે એક મહત્વના મુદ્દે પરસ્પર હાથ મિલાવે તેમ જાણવા મળી રહ્યું છે. આ મુદ્દો છે ક્રુડ ઓઈલનો. વિશ્વમાં કાચા તેલની ખપતના મામલામાં બન્ને દેશની લગભગ 17 ટકા જેટલી ભાગીદારી છે. જેથી હવે એ શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે, બન્ને દેશ સાથે મળીને પશ્ચિમ એશિયાના તેલ ઉત્પાદક દેશો પાસેથી યોગ્ય ભાવતાલ કરી શકે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશનના (CNPC) ચેરમેન વાંગ યિલિન તેમજ ચીનના અન્ય અધિકારીઓ સાથેની વાતચીતમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. 16મા ઈન્ટરનેશનલ એનર્જી ફોરમના પ્રધાન લેવલના રાઉન્ડના અવસરે બધા નેતાઓ એક મંચ પર ભેગા થયા હતા અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ગ્રાહક હોવાને કારણે અમારા કેટલાક પરસ્પર હિત રહેલા છે. અમારી સાર્થક ચર્ચામાં અમે ‘બિઝનેસ ટુ બિઝનેસ’ (B2B) ભાગીદારી બનાવવા સહેમત થયા છીએ. અમને આશા છે કે, નજીકના ભવિષ્યમાં તેલ ખરીદનાર દેશ પણ તેલની કિંમત નક્કી કરી શકશે. ધર્મેન્દ્ર પ્રધાનના આ વિચાર અંગે ચીનના રાષ્ટ્રીય ઉર્જા પ્રશાસને પણ સમર્થન કર્યું હતું. આ મુદ્દે આગળ કેવી રીતે વધવું તે માટે ભારત અને ચીનની સાર્વજનિક તેલ કંપનીઓના અધિકારીઓ ચર્ચા કરશે.