પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદોઃ આજીવન રાજકારણથી દૂર રહેશે નવાઝ શરીફ

ઈસ્લામાબાદ– પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક એવો ચુકાદો આપ્યો છે કે પાકિસ્તાનના રાજકારણમાં ખૂબ મોટો ફેરફાર લાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ બંધારણની ધારા 62(1) (એફ) અનુસાર અયોગ્ય ઠેરવવામાં આવશે તો તે વ્યક્તિ આજીવન અયોગ્ય રહેશે. આ ચૂકાદાનો અર્થ એ છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ  હવે આજીવન કોઈપણ સાર્વજનિક પદ પર આરૂઢ થઈ શકશે નહીં.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બંધારણના અનુચ્છેદ 62 અને 63 અનુસાર અયોગ્ય પુરવાર થશે તો કોઈપણ વ્યાક્તિ રાજકીય પાર્ટીના અગ્રણી કે પ્રમુખ કે અધ્યક્ષ નહીં બની શકે કે રહી શકે. જે પછી નવાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝના અધ્યક્ષ પણ નહીં રહી શકે. ડૉન ન્યૂઝ અનુસાર 5 જજોની બેન્ચે સર્વસંમત્તિથી આ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટીસ ઓફ પાકિસ્તાન સાકીબ નિસારે આદેશ કરતાં પહેલા કહ્યું કે જનતાને સારા ચરિત્રવાળા નેતાઓની જરૂરિયાત છે.

અત્રે નોંધનીય છે કે પનામા પેપર કેસમાં સુપ્રીમ કોર્ટે પાછલા વર્ષે 68 વર્ષના નવાઝ શરીફને પીએમ પદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા. પૂર્વ પીએમ બંધારણના અનુચ્છેદ 62 અનુસાર પોતાની સેલરીને મિલકત અંતર્ગત જાહેર નહીં કરતાં તેઓ દોષિત પુરવાર થયાં હતાં.