‘મારે ભારત પાછા આવવું છે’: વિજય માલ્યાએ ભારતની તપાસ એજન્સીઓ સમક્ષ ઈચ્છા દર્શાવી

0
750

લંડન – ભારતની 13 જેટલી બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને તે ચૂકવ્યા વગર બ્રિટનમાં ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતની તપાસ એજન્સીઓ સમક્ષ ઈચ્છા દર્શાવી છે કે પોતાને ભારત પાછા ફરવું છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર, માલ્યા છેલ્લા બે મહિનાથી ભારતીય એજન્સીઓને એવા ફીલર્સ મોકલી રહ્યો છે કે એ ભારત પાછો ફરવા માગે છે.

માલ્યાની ભારતમાં અઢળક પ્રોપર્ટીઝ છે. જેને તપાસ એજન્સીઓએ હાલ ટાંચ મારી છે.

પોતાની આ પ્રોપર્ટીઓને ફરી કબજો લેવા માટેનો માર્ગ ખુલ્લો રાખવા માગતા માલ્યાએ તપાસ એજન્સીઓને એવી ઈશારત કરી છે કે પોતે ભારત પાછો ફરવા ઉત્સૂક છે.

જોકે બ્રિટનની કોર્ટમાં આ જ માલ્યા ભારત સરકારે કરેલા પ્રત્યાર્પણ કેસની સામે લડી રહ્યો છે. એણે કોર્ટમાં એવી દલીલ કરી છે કે ભારતની જેલોની સ્થિતિ બહુ ખરાબ છે, ત્યાંની કોટડીઓમાં સૂર્યપ્રકાશ આવતો નથી કે તાજી હવા પણ આવતી નથી.

નાણાં મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે હાલ માલ્યાની ભારતમાંની પ્રોપર્ટીઝને ટાંચ મારવામાં આવી છે અને જો કોર્ટ એ પ્રોપર્ટીઓને જપ્ત કરવાનો નિર્ણય લેશે તો નવા લાગુ કરાયેલા ફ્યૂજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ લૉ હેઠળ જપ્ત કરાયેલી પ્રોપર્ટીઝને રિલીઝ કરી શકાશે નહીં.

અગાઉ, માલ્યાએ એવું કહ્યું હતું કે પોતે એની બધી બેન્ક લોન ભરપાઈ કરવા તૈયાર છે અને એ ભારત પાછો ફરવા ઈચ્છે છે. એનો દાવો છે કે એણે આ વિશે વડા પ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો, પણ સરકાર તરફથી કોઈ સહકાર મળ્યો નથી.