એશિયન ગેમ્સઃ મનજીત સિંહે 800 મીટરની દોડમાં ગોલ્ડ જીત્યો, સિલ્વર જીત્યો જોન્સને

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 10મા દિવસે ભારતે ટ્રેક એન્ડ ફિલ્ડમાં જોરદાર દેખાવ કર્યો છે. પુરુષોની 800 મીટરની દોડમાં મનજીત સિંહે ગોલ્ડ મેડલ જીત્યો છે તો જિનસન જોન્સને સિલ્વર મેડલ જીત્યો છે. વર્તમાન ગેમ્સમાં ભારતનો આ 9મો ગોલ્ડ મેડલ છે તો સિલ્વર મેડલ્સની સંખ્યા 18 પર પહોંચી છે અને કુલ મેડલ્સનો આંકડો 49 પર પહોંચ્યો છે.

મનજીત 1:46.15 સમય સાથે ફિનિશ લાઈન પર પહેલો આવ્યો હતો તો જોન્સન 1:46.35 સમય સાથે બીજા ક્રમે આવ્યો હતો. આ હરીફાઈનો કાંસ્ય ચંદ્રક કતરના દોડવીરે જીત્યો છે – 1:46.38 સમય સાથે. વાસ્તવમાં, આ રેસ જીતવા માટે જોન્સન ફેવરિટ હતો, પણ મનજીત સિંહ આશ્ચર્યજનક સ્પીડ સાથે દોડ્યો હતો અને પ્રથમ આવ્યો.

ભારતે એશિયન ગેમ્સમાં એક જ હરીફાઈમાં ગોલ્ડ અને સિલ્વર મેળવ્યા હોય એવો 1962 પછી આ પહેલો જ પ્રસંગ છે. અગાઉ, 1962 અને 1951ની ગેમ્સમાં પણ ભારતે પુરુષોની 800 મીટરની દોડમાં પહેલું અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વર્તમાન ગેમ્સમાં એથ્લેટિક્સ રમતોમાં ભારતના હવે કુલ 10 મેડલ્સ થયા છે. આમાં ત્રણ ગોલ્ડ અને સાત સિલ્વર છે.

એશિયન ગેમ્સમાં પુરુષોની 800 મીટરની દોડમાં ભારતના ગોલ્ડ મેડલ વિજેતાઓઃ

1951: રણજીત સિંહ

1966: ભોગેશ્વર બરુઆ

1974: શ્રીરામ સિંહ


1978: શ્રીરામ સિંહ


1982: ચાર્લ્સ બોરોમીઓ


2018: મનજીત સિંહ

એક જ એશિયન ગેમ્સમાં પુરુષોની 800 મીટરની દોડમાં ભારતના બે મેડલ વિજેતાઓઃ

1951: રણજીત સિંહ (ગોલ્ડ), કુલવંત સિંહ (સિલ્વર)
1962: દલજીત સિંહ (ગોલ્ડ), અમ્રિત પાલ (બ્રોન્ઝ)
2018: મનજીત સિંહ (ગોલ્ડ), જિનસન જોન્સન (સિલ્વર)

4×400 મીટર મિક્સ્ડ રીલે દોડમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 4×400 મીટર મિક્સ્ડ રીલે દોડમાં મોહમ્મદ અનસ, પૂવમ્મા રાજુ, હિમા દાસ, અરોકીયા રાજીવની ટીમે 3:15.71 સમય સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ હરીફાઈમાં બેહરીનની ટીમે ગોલ્ડ અને કઝાખસ્તાનની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ સાથે, ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા 50 પર પહોંચી છે.

એશિયન ગેમ્સમાં આ પહેલી જ વાર મિક્સ્ડ રીલે હરીફાઈ યોજવામાં આવી છે.

કુરાશ (કુસ્તી) રમતમાં ભારતે સિલ્વર, બ્રોન્ઝ જીત્યો

કુસ્તીના એક પ્રકાર એવી કુરાશ રમતમાં મહિલાઓની 52 કિ.ગ્રા. વર્ગમાં આજે ભારતની બે મહિલાએ બે મેડલ જીત્યા છે. પિન્કી બલહારાએ રજત, જ્યારે માલાપ્રભા જાધવે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. કુરાશ રમત મધ્ય એશિયામાં દેશી સ્ટાઈલની કુસ્તી તરીકે જાણીતી છે.

19 વર્ષની પિન્કી ઉઝબેકિસ્તાનની હરીફ સામે હારી ગઈ હતી. કુરાશ રમતમાં સ્પર્ધકો એમના હરીફોને જમીન પર પછાડવાના ઉદ્દેશ્ય સાથે ટુવાલનો ઉપયોગ કરે છે.

તીરંદાજીમાં ભારતીય પુરુષો, મહિલાઓની ટીમે જીત્યા સિલ્વર મેડલ્સ

પુરુષોની તીરંદાજી કમ્પાઉન્ડ ટીમે ફાઈનલમાં હારી જતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. આ ટીમે 2014ની ઈંચિયોન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મહિલાઓની કમ્પાઉન્ડ ટીમે પણ એમની હરીફાઈનો સિલ્વર મેડલ જીત્યો છે. આ ટીમમાં મુસ્કાન કિરાર, કુમારી મધુમિતા, જ્યોતિ સુરેખા વેનન્ન હતી. તેઓ ફાઈનલમાં કોરિયન ટીમ સામે હારી ગઈ હતી.

800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા મનજીત સિંહ

ગોલ્ડ મેડલ વિજેતા મનજીત સિંહ

સિલ્વર મેડલ વિજેતા જિનસન જોન્સન