વિધાનસભામાં શિક્ષણ અને મહિલાબાળ વિભાગની કામગીરી બહાર આવી

ગાંધીનગર– ગુજરાત વિધાનસભામાં સોમવારે શિક્ષણવિભાગને લગતાં પ્રશ્નોના ઉત્તરમાં મહત્ત્વની જાણકારી બહાર આવી હતી. શિક્ષણક્ષેત્રમાં જરુરત સામે થઇ રહેવાં કામ ઓછાં હોવાનો ચિતાર ખુદ રાજ્ય સરકારના આંકડાઓમાં બહાર આવ્યો હતો. સરકારે કરેલાં કામોને પોતાની અગત્યની સિદ્ધિઓ ગણાવી આપેલી માહિતીઓ જોઇએ તો…આરટીઇ હેઠળ બે જિલ્લામાં 3,850 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો

શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરી દવેએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં બે વર્ષમાં ૩,૮૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ એકટમાં પ્રવેશ બાદ શાળા ફેરબદલીની જોગવાઇ ન હોવા છતાં સરકાર સામેથી સુઓમોટોના ધોરણે વિદ્યર્થીઓની જરૂરિયાત મુજબ વિવિધ કારણોસર શાળાની ફેરબદલી પણ કરી આપે છે. આ કાયદાનો અમલ ન કરનાર શાળાઓને પ્રથમ વખત રૂ.૧૦ હજાર અને પછીની દરેક ભૂલમાં રૂ.૧૫ હજાર પ્રતિભૂલ મુજબ દંડ વસુલવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની ૩ શાળાઓને રૂ.૨,૪૫,૦૦૦નો દંડની નોટીસ આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં અપાઇ 22 લાખ શિક્ષક ગ્રાન્ટ

જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૪,૫૭૦ શિક્ષકોને ૨૨ લાખથી વધુની ગ્રાન્ટ અપાઇ હોવાની માહિતી આપવામાં આવી હતી. ૩૧ડીસેમ્બરની સ્થિતિએ વર્ષ-૨૦૧૭-૧૮માં સર્વશિક્ષા અભિયાન હેઠળ ૬૩૪ શાળાઓના ૪,૫૭૦ શિક્ષકોને રૂ.૨૨,૮૫,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.માણસા તાલુકામાં ૭૧૮, કલોલમાં ૯૯૯, ગાંધીનગરમાં ૧,૫૨૭ તેમ જ દહેગામ તાલુકામાં ૧,૩૨૬ શિક્ષકો એમ કુલ ૪,૫૭૦ શિક્ષકોને ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટના હિસાબોનું મોનિટરીંગ બી.આર.સી. અને સી.આર.સી. દ્વારા કરવામાં આવે છે

ખાનગી શાળાકોલેજોને 7માં પગારપંચના લાભનો નિર્ણય લેવાયો નથી

બિન સરકારી માધ્યમિક શાળાના કર્મચારીઓ તથા બિનસરકારી કોલેજોના  પ્રાધ્યાપકો માટેના સાતમા પગારપંચના લાભ અંગે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ નાણાં વિભાગ અને શિક્ષણ વિભાગ પરામર્શમાં રહી નિર્ણય લેશે તેમ વિધાનસભામાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. આ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી તેથી સાતમા પગાર પંચ અંતર્ગત લાભના તફાવત ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી.સરકારે 46,000 વર્ગખંડની ઘટ સામે 30,000 ઓરડા બનાવ્યાં

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કચ્છ અને મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ સંદર્ભમાં પ્રશ્નનો પ્રત્યુત્તર જણાવાયું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલના કારણે વધારાના ૪૬૬૬૦ ઓરડાની ઘટ ઉભી થઇ હતી. આ ઘટને પૂરી કરવા સરકારે 31 ડીસેમ્બર 17ની સ્થિતિએ ૩૦ હજારથી વધુ ઓરડાનું નિર્માણ કર્યુ છે હવે ૧૬ હજાર જેટલાં ઓરડાની ઘટ આગામી દિવસોમાં ઝડપથી પૂર્ણ કરાશે.

કોલેજમાં સ્ટાફની જરુર જણાશે તો કરાર ભરતી થશે

શિક્ષણપ્રધાને જણાવ્યું કે  કોઇપણ કોલેજમાં કર્મચારીઓના અભાવે શિક્ષણકાર્યને અસર ન થાય તે માટે સરકારે આયોજન કર્યુ છે. જરૂર જણાય ત્યાં કરાર આધારિત સ્ટાફની ભરતી કરાશે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આ સંદર્ભે પૂછાયેલાં પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું કે આર્ટસ અને કોમર્સ પ્રવાહની કુલ ૧૬ કોલેજ છે જેમાં દેવભૂમિ દ્ધારકામાં ચાર સરકારી, ચાર ખાનગી અને એક ગ્રાન્ટેડ મળી નવ કોલેજો અને પોરબંદર જિલ્લામાં એક સરકારી, બે-ખાનગી અને ચાર ગ્રાન્ટેડ મળી કુલ સાત આર્ટસ અને કોમર્સ કોલેજ આવેલી છે. આ કોલેજો પૈકી છેલ્લાં બે વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨-સરકારી, ૩-ખાનગી મળી પાંચ અને પોરબંદર જિલ્લામાં એક ખાનગી મળી કુલ ૬ કોલેજોને મંજૂર કરવામાં આવી હતી.

આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહાર

વિધાસનભા સત્ર દરમિયાન પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું કે, રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં માતૃમંડળો દ્વારા સવારે અને બપોરે ગરમ પૈષ્ટિક આહાર અઠવાડિયાના છ દિવસ બાળ લાભાર્થી દીઠ  ૮૦ ગ્રામ પ્રમાણે આપવામાં આવે છે. ભારત સરકારના તા.૨૬.૧૨.૨૦૧૨ના પરિપત્ર મુજબ પ્રતિ લાભાર્થી દીઠ રૂ. ૬ અને અતિશય ઓછા વજનવાળા બાળકોને પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૯ના ખર્ચે પૈષ્ટિક આહાર આપવામાં આવે છે. દૂધ સંજીવની યોજના હેઠળ સૂરત-નવસારી-વલસાડ જિલ્લાના ૩.૪૯ લાખ બાળકોને લાભ મળ્યો છે. જેમાં સૂરતમાં રૂ.૧,૬૦૫ લાખના ખર્ચે ૧,૧૮,૧૯૨ બાળકોને, નવસારી જિલ્લામાં ૯૭૭ લાખના ખર્ચે ૭૪,૨૦૨ બાળકોને તથા વલસાડ જિલ્લામાં રૂ.૧,૮૮૦ લાખના ખર્ચે ૧,૬૨,૪૯૨ બાળકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.

પાટણમાં ૯ અને અમદાવાદ જિલ્લામાં ૭ વિજ્ઞાનપ્રવાહની કોલેજ

દરેક તાલુકામાં સરકારી કોલેજ અંગે જણાવાયું હતું કે નવનિર્મિત એવા બિનઆદિવાસી એવા ૧૪ અને ૪ આદિવાસી મળી આવા ૧૮ તાલુકામાં સરકારી કોલેજો શરૂ કરવા રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. પાટણની કોલેજ માટે જમીન મળતાં જ કોલેજના નવા મકાન સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

પાટણમાં ૧-સરકારી વિજ્ઞાન કોલેજ, ૧-ગ્રાન્ટેડ અને ૭ ખાનગી મળી કુલ ૯ વિજ્ઞાન કોલેજ અને અમદાવાદ જિલ્લામાં ૩ સરકારી વિજ્ઞાન કોલેજ, ૭-ગ્રાન્ટેડ અને ૧૨ ખાનગી મળી કુલ ૨૬ સરકારી વિજ્ઞાન કોલેજ છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં પાટણમાં ૧ સરકારી અને ર ખાનગી મળી કુલ ૩ વિજ્ઞાન કોલેજ અને અમદાવાદ જિલ્લામાં એક સરકારી અને ૬ ખાનગી મળી કુલ ૭ વિજ્ઞાન કોલેજો સ્થાપવામાં આવી હોવાની માહિતી અપાઇ હતી.

સાબરકાંઠા અને સૂરતમાં કન્યાઓને ૧૦,૫૫૧ સાઇકલ સહાય

અનુસૂચિત જનજાતિની ધો.૯માં અભ્યાસ કરતી ૧૦,૫૫૧ કન્યાઓને રાજ્ય સરકારની સાઇકલ આપવાની યોજના હેઠળ સહાય કરવામાં આવી હોવાનું આદિજાતિપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું.

સૂરત જિલ્લામાં ૨૦૧૫-૧૬માં ૩,૪૧૧ અને ૨૦૧૬માં ૩,૭૦૦ કન્યાઓને સાઇકલ સહાય આપવામાં આવી છે. તેની પાછળ ૨૦૧૫-૧૬માં ૯૩.૬૨ લાખ અને ૨૦૧૬-૧૭માં ૧૦૩.૩૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવી રીતે સાબરકાંઠા જિલ્લામાં ૨૦૧૫-૧૬માં ૧,૭૪૦ અને ૨૦૧૬-૧૭માં ૧,૭૦૦ કન્યાઓને સાઇકલ આપવામાં આવી છે, તે માટે અનુક્રમે વર્ષવાર રૂા.૪૭.૭૬ લાખ અને રૂા.૪૭.૪૯નો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ બંને જિલ્લામાં અનુસૂચિત જાતિની કન્યાઓને સાઇકલ સહાય માટે કુલ ૨૯૨.૨૩ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કુપોષિત બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં પોષણ-આરોગ્ય સુવિધા

આંગણવાડી કેન્દ્રોમાં ઘનિષ્ઠ પોષણ કાર્યક્રમ  દ્વારા બાળકોને પોષણ અને આરોગ્યની સેવાઓ વિશે વિધાનસભામાં પૂછાતાં પ્રધાનગણપત વસાવાએ જણાવ્યું કે ૬ માસથી ૬ વર્ષના ઓછા અને અતિ ઓછા વજનવાળા બાળકોને ૩૦ દિવસ માટે સારવાર દરમિયાન ૫ વાર પોષણયુક્ત ખોરાક તેમજ જરૂરીયાત મુજબ દવા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં હાલમાં ૧,૮૫૯ બાળકો કુપોષિત જણાયાં છે

૬ માસથી ૩ વર્ષના બાળકોને નિદર્શક ભોજન તરીકે બાલભોગમાંથી રાબ/સુખડી બનાવીને આંગણવાડી કેન્દ્રો ઉપર આપવામાં આવે છે. આ ઉપરાંત બપોરનું ગરમ ભોજન અને અઠવાડિયામાં બે દિવસ ફળ આપવામાં આવે છે. ૩ થી ૬ વર્ષના ઓછા અને અતિ ઓછા વજનવાળા બાળકોને ત્રીજુ ભોજન તરીકે ઘરે લઇ જવા પ્રોટીન સભર ૫૦ ગ્રામનો લાડુ બનાવીને આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં ઘનિષ્ઠ પોષણ અભિયાન દ્વારા કુપોષિત બાળકોને પોષણ અને આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં ૬ માસથી ૬ વર્ષના ઓછા અને અતિ ઓછા વજનવાળા બાળકોને ૩૦ દિવસ માટે સારવાર દરમિયાન દિવસમાં ૫ વાર પોષણયુક્ત ખોરાક તેમજ જરૂરીયાત મુજબ દવા આપવામાં આવે છે. હાલમાં વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ જિલ્લાઓ અને કોર્પોરેશનના આંગણવાડી કેન્દ્રોમાં આવતા ૬ માસથી ૬ વર્ષના બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને ટી.એસ.આર. તરીકે અન્ન વિતરણ કરવામાં આવે છે.