ભવિષ્યમાં સૂરતનો સમાવેશ વિશ્વના ટોપ 10 શહેરોમાં થશે: PM મોદી

સૂરત: વડાપ્રધાન મોદી એક દિવસની મુલાકાતે સૂરત આવી પહોંચ્યા છે. અહીં તેમણે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. એરપોર્ટ તેમજ અન્ય વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કર્યા બાદ મોદીએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આગામી સમય સૂરત શહેરનો હશે.

એરપોર્ટના એક્સપાન્શન (વિસ્તરણ) બાદ ટર્નિલના બિલ્ડિંગની મુસાફર ક્ષમતા પ્રતિ કલાક 1800ની થઈ જશે. આ ટર્મિનલ 2020 સુધી તૈયાર થઈ જશે. જે બાદ તેને ખુલ્લું મૂકવામાં આવશે.

હાલ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 850 ચોરસ મીટર છે. વિસ્તરણ બાદ આ વિસ્તાર વધીને 25500 ચોરસ મીટર થઈ જશે. સાથે જ એરપોર્ટ ખાતે વિમાનની પાર્કિંગ ક્ષમતા પણ વધી જશે. વિસ્તરણ બાદ અહીં એક સાથે 15 વિમાનો પાર્ક કરી શકાશે.

વિશ્વનું ટોપ શહેર બનશે સૂરત

સૂરત ખાતેથી મોદીએ શંખનાદ કરતા કહ્યું કે,  આવનારો સમય સૂરત શહેરનો હશે, અને ભવિષ્યમાં સૂરતનો શહેરનો સમાવેશ વિશ્વના ટોપ 10 શહેરોમાં થશે. હીર-કાપડ ઉદ્યોગથી મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળ્યું છે. સૂરત દેશની અર્થવ્યવસ્થામાં ચાર ચાંદ લગાવશે. ભવિષ્યમાં સૂરતમાં રોકાણ વધારાશે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી દેશના 17 એરપોર્ટ્સને અપગ્રેડ કરવામાં આવ્યાં છે. ‘ઉડાન’ યોજના અંતર્ગત 40 એરપોર્ટ જોડાયા છે. હવાઈ ચંપલ પહેરનારા લોકો પણ હવાઈ યાત્રા કરી શકશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હવે પાસપોર્ટ માટે મોટા શહેરમાં ધક્કા નહીં ખાવા પડે. એટલું જ નહીં પાસપોર્ટના નિયમો પણ સરળ બનાવવામાં આવશે. ઘરના ઘરે અંગે નિવેદન આપતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારે 25 લાખ ઘર બનાવ્યા હતા. અમારી એનડીએ સરકાર એક કરોડ અને 30 લાખ ઘર બનાવ્યા છે. 35 લાખ ઘરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તેમજ 70 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે.

મોદીએ તેમના સંબોંધનમાં કહ્યું કે,નોટબંધી બાદ મકાનોના ભાવમાં ઘટાડો થયો છે, અને નોટબંધીથી મધ્યવર્ગને ફાયદો થયો છે. મધ્યમવર્ગના પરિવારને ઘર બનાવવામાં થશે 6 લાખની બચત થશે.