મારો કોળીસમાજ કહેશે તો રાજીનામું આપીશઃ પ્રધાન પરસોતમ સોલંકી

ગાંધીનગર– ગઇકાલથી રીસાયેલાં રાજ્યકક્ષાના પ્રધાન પરસોતમ સોલંકીએ આજે સવારે કોળી સમાજના આગેવાનો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. જેમાં હીરા સોલંકી પણ હાજર હતાં. બેઠક બાદ સોલંકીએ જણાવ્યું હતું કે તેમનો કોળી સમાજ કહેશે તો તેઓ પ્રધાનપદેથી રાજીનામું આપી દેશે. પરસોતમ સોલંકી આજે મળેલી કેબિનેટ બેઠકમાં હાજર રહ્યાં ન હતાં.

વિધાનસભામાં હજુ તો નવી સરકાર બેઠી નથી એ પહેલાં ભાજપની સરકાર માટે એક સમસ્યાઓનો ખડકલો થતો જઇ રહ્યો છે. નિતીન પટેલ મામલે ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું ત્યાં ભાજપના અન્ય સીનીયર પ્રધાન કોળી બાહુબલી નેતા તરીકે જાણીતા પરસોતમ સોલંકીએ ગઇકાલે સીએમ વિજય રુપાણી સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી કે તેઓ સતત પાંચ ટર્મથી જીતતાં આવ્યા છે છતાં કેમ તેમને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાતાં નથી અને તેમને પણ મહત્ત્વનું ખાતું કેમ આપવામાં નથી આવ્યું. મારા સમાજની લાગણી અને માગણી છે કે મને સારું ખાતું મળવું જોઇએ.

પરસોતમ સોલંકી દિવસમાં ગમે તે સમયે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મધ્યસ્થી સાથે સીએમ રુપાણીન મળી બેઠક કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. સોલંકીએ કહ્યું હતું કે સીએમ પાસે 12 ખાતાં છે તેમાંથી મને પણ સારું ખાતું મળવું જોઇએ તે જોતાં આ સંદર્ભે કોઇ જાહેરાત થવાની સંભાવના નકારી શકાતી નથી.

ગાંધીનગરની ગલીઓમાં કાલથી ગરમાટો લાવી દેનાર આ નારાજગીને ખાળવા ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સોલંકીને મળ્યાં હતાં