અમદાવાદઃટીમ્બર પોઇન્ટ બિલ્ડિંગના ભોંયરામાં આગ, સીડીની સમસ્યા આવી પણ…

અમદાવાદઃ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મીટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. જેને પગલે 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

બેઝમેન્ટમાં લાગેલી આગનો ઘુમાડો ઉપર તરફ પ્રસર્યો હતો. ચોથા માળે આઇટી કંપની આવેલી હોવાથી 100 જેટલા આઈટી પ્રોફેશનલ ત્યાં કામ કરી રહ્યાં હતાં તેઓ ફસાયાં હતાં. જોકે ફાયરબ્રિગેડ દ્વારા તરત જ તેમને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.જોકે આ સમયે પણ સીડીને લઇને થોડી સમસ્યા સર્જાઈ હતી. ફાયરબ્રિગેડની સીડી ત્રીજા માળ સુધી જઈ શકે તેમ હતી જ્યારે લોકો ચોથા-પાંચમા માળે હતાં. તેમ છતાં તેઓનું રેસ્કયૂ કરી લેવામાં આવ્યું છે.

જો કે ઘણા લોકો ધાબા પર જતાં રહ્યાં હોવાથી આગથી બચી ગયા હતા. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બે મોટી સીડી અને દોરડાની મદદ લેવામાં આવી હતી.

સીડીની મદદથી અત્યાર સુધીમાં આ લખાય છે ત્યાં સુધીમાં કુલ 20 લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ચોથામાળ સુધી ધુમાડો ફેલાયો હોવાથી ધુમાડો કાઢવા કાચ તોડવામાં આવ્યા હતાં. જોકે હજુ સુધીમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. તેમ જ આગ કાબૂમાં હોતાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂ હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે.