ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ કોંગ્રેસ અલ્પેશ સામે એક્શન મોડમાં MLA પદ રદ…

0
1430

અમદાવાદઃ કોંગ્રેસથી છેડો ફાડનાર નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે હવે કોંગ્રેસ આકરા પાણીએ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કવાયત હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થયું તે પહેલાંથી જ કોંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોરે છેડો ફાડી નાંખ્યો છે. ત્યારે હવે આ તમામ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ પ્રથમવાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે વિધાનસભા સચિવને લેખિત અરજી કરી છે. કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલ વિધાનસભા સચિવ પાસે પહોંચ્યા હતાં અને તેમને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે અરજી આપી હતી.

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો. એ સમયે ત્રણ ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં કોંગ્રેસના ઝાટકો લાગ્યો છે.જોકે, અલ્પેશ ઠાકોર , ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામું આપવા ધરાર ઇન્કાર કર્યો છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે રાજીનામા પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છેકે, કોંગ્રેસે ઠાકોરસેનાની અવગણના કરી છે. અપમાનને લીધે કોંગ્રેસ છોડવા નિર્ણય લેવા મજબૂર થયો છું પક્ષમાં સન્માન તો મળ્યું નહી પણ વિશ્વાસઘાત થયો છે. અલ્પેશ ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામું આપવા ઇન્કાર કર્યો હતો.અત્યાર સુધી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આક્ષેપો પર કર્યા અને પાર્ટી સાથે છેડો પણ ફાડી નાંખ્યો. પરંતુ આખરે હવે જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર સામે એક્શન લેવાની શરુઆત કરવામાં આવી છે.

મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે પણ કોઈ અન્ય પક્ષમાં જવાની વાતને ક્યારેય સમર્થન આપ્યું નથી. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે હું હંમેશા ગરીબો અને પછાત વર્ગ માટે લડતો રહીશ. ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરે છે કે નહી? અને જો રદ્દ કરે તો પછી આખરે અલ્પેશ ઠાકોર કયા પક્ષમાં જોડાય છે તે જોવાનું રહેશે.