સ્થાનિકોનો વિરોધ વચ્ચે કેવડિયામાં તમામ રાજ્યોના ડીજીની કોન્ફરન્સ

અમદાવાદ: નર્મદાના કેવડિયા ખાતે સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતાં, જ્યાં તેમનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમણે પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ફ્લાવર ઓફ વેલીની મુલાકાત લીધી હતી.

મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે યોજાયેલી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પરેડ નિહાળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને ગૃહરાજ્ય પ્રધાન હંસરાજ આહીર પણ હાજર રહ્યાં હતાં. વડા પ્રધાને પરેડ બાદ ડીજી કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

રર ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ કેવ‌િડયા કોલીમાં આવેલ ટેન્ટ સિટીમાં યોજવામાં આવી છે. આજે આ કોન્ફરન્સનો બીજો દિવસ છે, જેમાં પીએમ મોદી સંબોધન કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સમાં ડીજી, એડીજીપી અને એજીપી સહિતના અધિકારીઓ હાજર છે. સુરક્ષાવ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આતંકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર ચર્ચા કરવામાં આવશે. દેશની સુરક્ષા માટેના પડકારો માટે મહત્ત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મૂકવા માટે દિશાસૂચન કરવામાં આવશે. આવતી કાલે ત્રીજા દિવસે પણ વડાપ્રધાન સવારે ૯ વાગ્યાથી સાંજે ૩.૩૦ સુધી અહીં હાજરી આપશે.

તો બીજી તરફ ગઇકાલે કેવડીયાથી ગરુડેશ્વર પદયાત્રા લઇ નીકળેલા કેવડિયા, કોઠી, વાઘડીયા, નવાગામ, લીમડી, ગોટા છ ગામના અસરગ્રસ્તો દ્વારા ત્રણ દિવસ ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન આપ્યું હતું. જેને વેપારીઓએ ટેકો આપી આજે સજ્જડ બંધ પાળ્યો હતો.

કેવડિયા કોલોની અને ગરુડેશ્વરમાં વહેલી સવારથી જ ચાની લારીથી લઇ દુકાનો, પાનના ગલ્લા બંધ રહ્યાં હતાં. સ્થાનિક વેપારીઓએ અસરગ્રસ્તોના બંધના એલાનને સમર્થન આપી દુકાનો બંધ રાખી હતી. અસરગ્રસ્તોની માગણી છે કે, તેમની જે જમીન પડતર રહી છે. તે જમીન તેમને પરત આપવામાં આવે, તેમજ જે જમીન સરકારે ૧૯૬૧-૬૨માં લીધી હતી. જેમાં હવે તેઓ અલગ અલગ રાજ્યના ૩૩ ભવનો બનાવવાના છે તે ન બનાવવામાં આવે અને તેમને જમીનો પાછી આપવામાં આવે તેવી માગણી ગ્રામજનો કરી રહ્યાં છે. ત્યારે કેવડિયા કોલોનીમાં ત્રણ દિવસ માટે ઓલ ઇન્ડિયા ડીજી  કોન્ફરન્સ યોજાઇ રહી છે ત્યારે  આવી રહ્યાં છે. ત્યારે ગ્રામજનોએ પોતાનો વિરોધ પ્રદર્શીત કરવા માટે ત્રણ દિવસ બંધનું એલાન આપ્યું છે. જે પ્રથમ દિવસે સફળ રહ્યુ હતું.

રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે આદિવાસીઓએ બીજા દિવસે પણ આંદોલન કરી આદિવાસીઓએ પોતાની ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. જેમા લખન મુસાફિર, નરેશ તડવી અને પ્રફુલ વસાવા સહિતના આદિવાસીઓ જોડાયા હતાં. તેઓએે માથા પર કાગળનો મુગટ બનાવી તેના પર આદિવાસીઓના પ્રશ્નો લખી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયોગ કર્યો હતો. જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. માથે લગાડેલા મુગટ પર એવુ લખાણ લખ્યું હતું કે અમો આદિવાસીઓને ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે મારવા હોય તો અમને ગોળી એ મારી દો, અમારા ઉપર બોમ્બ ફેંકી દો પણ હવે અમારા ગામોની ૧ ઇંચ પણ જમીન આપવા માંગતા નથી.

ગરૃડેશ્વરના ગામોમાં મકાનો પર કાળી ધજા ફરકાવાઇ

ગૃહપ્રધાનના આવવાના સમયે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુ કાળા વાવટા ફરકાવાયા હતાં. જોકે, ત્યાં હાજર પોલીસે આ કાળા વાવટા તોડી પાડયાં હતાં. પરંતુ ગરૃડેશ્વર તાલુકાના આસપાસના ગામોમાં ઘરો ઉપર કાળી ધજા ફરકાવાઇ હતી. જે ધજા હાલમાં પણ ફરકી રહી છે. આ કાળા વાવટા ફરકાવવાનું કારણ એકજ હોય શકે કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. અને ભવિષ્યમાં રેલવે સ્ટેશન પણ બનવા જઇ રહ્યું છે. આમ કેવડીયામાં વિકાસ માટે સરકારે આદિવાસીઓની જમીનો સંપાદિત કરી છે. હવે આની સામે સ્થાનિક આદિવાસીઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. તેઓની માગ છે કે,  આ પ્રોજેકટ બંધ કરવામાં આવે અને આદિવાસીઓને તેમની જમીન પરત આપવામાં આવે.