મતદારો શું વિચારીને મતદાન કરતા હોય છે?

સવાલનો જવાબ સહેલો નથી. આમ છતાં નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટામાં મોટ નેતા અને સામાન્ય નાગરિકથી માંડીને રાજ્યશાસ્ત્રના વિદ્વાનો બધા તેનો જવાબ આપવાની કોશિશ કરતા હોય છે. બધાના જ જવાબો ધારણા આધારિત હોય છે. ભારતમાં છેલ્લા સાત દાયકામાં થયેલી ચૂંટણીઓના અનુભવોને આધારે ધારણાઓ બંધાતી રહે છે અને બદલાતી રહે છે. કેટલીક ધારણાઓ આંકડાંને આધારે, કેટલીક સર્વેના આધારે, કેટલીક સંશોધનો અને વિશ્લેષણોના આધારે, કેટલીક નાગરિકો અને વિદ્વાનો સાથે વાતચીતના આધારે મંડાતી હોય છે. તેમાંની કાંતો બધી સાચી લાગી શકે છે, અથવા બધી ખોટ લાગી શકે છે.

લોકોને કેવી ફિલ્મો જોવી ગમે છે તેના જેવો આ સવાલ છે. સફળ ફિલ્મો બનાવનારા એવું માનતા હોય છે કે તેમની પાસે જવાબ છે. પરંતુ હાલમાં જ આવેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન કે પછી ભૂતકાળમાં આવેલી સાંવરિયા કે તેનાથીય જૂના જમાનાની શાન અને શાલીમારની જેમ નિષ્ફળતા મળે ત્યારે તેમના જવાબો પણ ખોટા છે તેવું કહેવું પડે. આ ફિલ્મોની સામે જય સંતોષી માતા કે પછી મારધાડ અને નાચગાનની માથામેળ વિનાની ફિલ્મો અઢળક કમાણી કરી જાય છે. હવે આ લોકો કહે કે જવાબ અમારી છે, જોયું અમારી ફિલ્મો ચાલી…

રાજકારણમાં ફિલ્મની વાત એટલા માટે કે ફિલ્મ નિર્માણ એ કલા ખાતર કલા નથી. તેમાં કરોડો રૂપિયાનો મામલો હોય છે. ફિલ્મ બનાવવાની ખર્ચાળ છે અને તેમાં કલા કરતાં કમાણી કેવી થશે તે જાણવું જરૂરી હોય છે. તેથી લોકોને શું ગમશે તે જાણવું તે નિર્માતા અને નિર્દેશકની મથામણ હોય છે. રાજકારણ એ પણ કંઈ સેવા ખાતરની સેવા નથી. તેમાં સેવા સાથે મેવા લેવાની મથામણ હોય છે. રાજકારણમાં પણ સેવા કરવા ખાતર જીતવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવું પડે છે. તેથી જીતવા માટે શું જરૂરી છે અને મતદારો શું વિચારીને મતદાન કરશે તે જાણવાની મથામણ હોય છે.

સાચી વાત એ છે કે કોઈ એક જ જવાબ આપવો મુશ્કેલ હોય છે. આમ છતાં કેટલીક ધારણાઓ પર રાજકારણ ચાલતું રહે છે. પશ્ચિમની લોકશાહીઓનો મિજાજ જુદો છે. આફ્રિકાની અને એશિયાના પણ ઘણા દેશોની લોકશાહી જુદા ઢંગની છે. ભારતની આ બધાથી અલગ પ્રકારની લોકશાહી અને ચૂંટણી પદ્ધતિ છે. ભારતમાં કટોકટી પછી મતદારોએ ખીચડી સરકાર પણ બનાવી હતી અને અઢી વર્ષ પછી એ જ ઇન્દિરા ગાંધીને ફરી જીતાડ્યા હતા. ભારતીય મતદાર બરાબર યાદ પણ રાખે છે અને સહેલાઈથી ભૂલી પણ જાય છે. ક્યારેય નૈતિકતાના અને માનવતાના ધોરણે મતદાન કરે છે, ક્યારેય સિદ્ધાંતોને ભૂલીને દુષ્ટ લોકોને પણ જીતાડે છે.

એ લોકમિજાજને બાજુએ રાખીને વાત કરીએ તો કેટલાક વાદ ચૂંટણીના વિવાદમાં આવી જતા હોય છે. આ વાદ એકબીજા વિવાદને કાપીને કામ કરતાં હોય છે. જેમ કે સામ્યવાદ જ્ઞાતિવાદમાં નથી માનતો, પણ સામ્યવાદ અમુક જ્ઞાતિને વધારે માફક આવે અને અમુક જ્ઞાતિને ઓછો માફક આવે. પરંતુ જે તે જ્ઞાતિના બધા જ લોકો સામ્યવાદને પસંદ કરે ના પસંદ કરે તેવું પણ નથી હોતું. જે તે જ્ઞાતિના ધનિક વર્ગને પસંદ પડે તે જે તે જ્ઞાતિના ગરીબ વર્ગને ના પણ પડે. ટૂંકમાં ભારતમાં ક્લાસની સાથે કાસ્ટ પણ ચાલે છે અને વર્ગ પણ ચાલે છે. વેપારી વર્ગની માનસિકતા જુદી, ખેડૂતની જુદી, કામદારની જુદી વગેરે.

તેના કારણે જ વાદ કે જ્ઞાતિનું ગણિત માંડીને ચૂંટણીનું પરિણામ નક્કી કરવું મુશ્કેલ હોય છે. કેટલીક માન્યતાઓ વ્યક્તિગત હોય છે, જે ક્લાસ કે કાસ્ટની સાથે જોડાયેલી હોતી નથી. જેમ કે શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે અંગ્રેજીમાં હોવું જોઈએ તેની માન્યતા વ્યક્તિ અમીર છે કે ગરીબ, કે અમુક જ્ઞાતિનો છે તેના કારણે નક્કી થવાની નથી. અમીર વ્યક્તિ સાંસ્કૃત્તિક વારસાને મહત્ત્વ આપીને માતૃભાષાની તરફેણ કરતો હોય છે, જ્યારે ગરીબ વ્યક્તિ વિચારતી હોય છે કે સંતાનને નોકરી મળે તે માટે અંગ્રેજીમાં ભણાવવા પડે. અમીર વ્યક્તિ પાસે સગવડ એ હોય છે કે તે પોતાના સંતાનને બંને ભાષામાં નિપુણ બનાવે તેવું શિક્ષણ અપાવી શકે છે, પણ તે વાત જુદી છે.

ભારતમાં કેટલાક નિષ્ણાતોએ લોકોની માન્યતાને અને તેના આધારે મતદાર તરીકેના તેમના વર્તનને સમજવા માટે કોશિશ કરી છે. તેમનું માનવું છે કે ભારતનો મતદાર વિચારધારાઓને મહત્ત્વ આપતો હોય છે. વિચારસરણીને વ્યક્તિ વળગી રહેતો હોય છે, ભારતમાં લાંબા ગાળા સુધી. ભારતીય વ્યક્તિ ગરીબમાંથી અમીર બને તે પછીય તેની માન્યતા તરત બદલાતી નથી, ગામડાંથી શહેરમાં આવે ત્યારે પણ તરત બદલાતી નથી. બહુ લાંબા ગાળે કદાચ બદલાય, પણ તે સિવાય ઘણી બધી માન્યતાઓ જીવનભર બદલાતી નથી.

દાખલા તરીકે લાગણી સાથે ના જોડાયેલી, પણ વ્યવહારુપણા સાથે જોડાયેલી માન્યતાને વ્યક્તિ જીવનભર વળગી રહે છે. રાજ્ય વહીવટમાં ધર્મની દખલ હોવી જોઈએ કે નહિ તેવી માન્યતા પણ ભાગ્યે જ બદલાતી હોય છે. રાજ્યે બિઝનેસમાં બહુ દખલ ના કરવી જોઈએ એટલે કે મુક્ત અર્થતંત્ર હોવું જોઈએ તેવી માન્યતા તો લગભગ બદલાતી જ નથી. સરકારે સબસિડીમાં બહુ ના પડવું જોઈએ, મુક્ત રીતે બિઝનેસ કરવાની છુટ હોવી જોઈએ, તેવી માન્યતા, ટૂંકમાં મૂડીવાદમાં માન્યતા વ્યક્તિ એકવાર કેળવે તે પછી તેને બહુ લાંબો સમય અથવા આજીવન વળગી રહેતી હોય છે.

આવી વિચારસરણીને વળગી રહેતી વ્યક્તિ તેને ધ્યાનમાં રાખીને અમુક રાજકીય પક્ષને પસંદ કરતી હોય છે. મૂડીવાદમાં માનનારી વ્યક્તિ ભાજપનો ટેકેદાર હોવાની શક્યતા વધારે. ભલે કોંગ્રેસના વડાપ્રધાન નરસિંહરાવના જમાનામાં બજારલક્ષી નીતિઓ બનવા લાગી અને ઉદારીકરણ આવ્યું, પણ મૂડીવાદી વ્યક્તિ ભાજપનો કોર ટેકેદાર બની રહે તેવું બને. સબસિડી આપવી જરૂરી છે અને તો જ ભારત જેવો વિશાળ વસતિ ધરાવતો અને ગરીબોની મોટી સંખ્યા ધરાવતો દેશ ચાલે તેવી વાત માનનારો કોંગ્રેસનો ટેકેદાર બને તેવી શક્યતા ખરી. આવો મતદાર કોંગ્રેસનો કોર ટેકેદાર બની રહે.

ભારતના સંદર્ભમાં જ્ઞાતિને આધારે પક્ષની પસંદ હોય છે ખરી, પણ આવી વિચારસરણી કે માન્યતા વ્યક્તિ માટે પ્રબળ બને ત્યારે તે જ્ઞાતિના બદલે વિચારસરણીને આધારે પક્ષની પસંદગી કરે તેવી શક્યતા હોય છે. પ્રદીપ છીબર અને રાહુલ વર્મા નામના બે સંશોધકોએ અગાઉ જનસંઘ અને હવે ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ટેકેદારો કેવી વિચારસરણી ધરાવતા હોય છે તે જાણવાની કોશિશ કરી. તેમને કેટલાક રસપ્રદ તારણો મળ્યા હતા.

મૂડીવાદના સંદર્ભમાં અથવા સરકારે સબસિડીઓ રાખવી જોઈએ કે કેમ અને અર્થતંત્રની બાબતમાં કેટલી હદે દખલ કરવી જોઈએ તેના આધારે ત્રણેય પક્ષોના ટેકેદારોને જાણવાની કોશિશ કરી હતી. આ સરખામણીમાં ભાજપ અને ડાબેરી પક્ષો સામસામે છેડે આવ્યા હતા. ભાજપના ટેકેદારો એવું માને છે કે સરકારે અર્થતંત્રમાં બહુ દખલ દેવી જોઈએ નહિ, બિઝનેસ માટે મોકળાશ હોવી જોઈએ. ડાબેરી પક્ષના ટેકેદારો માનતા હોય છે કે રાજ્યે દરેક બિઝનેસમાં ચાંચ મારવી જ પડે, નહિતો મોનોપોલી ઊભી થાય. 1967થી 2014 સુધીની ચૂંટણીના પરિણામોને આધારે કરાયેલી સરખામણીમાં ભાજપ અને ડાબેરી પક્ષોના ટેકેદારો આ માન્યતાને વળગી રહ્યા હતા તેવું લેખકોને લાગ્યું છે. તેનો અર્થ એવો પણ થાય છે કે અમુક જ્ઞાતિ અમુક રાજકીય પક્ષોની વૉટ બેન્ક છે તે વાત સાવ સાચી નથી. વ્યક્તિ મૂડીવાદ અને સામ્યવાદમાં માનતી હોય તો પછી પોતાની જ્ઞાતિના બદલે વિચારસરણીના આધારે પક્ષ પસંદ કરશે.

મૂડીવાદ વિરુદ્ધ સામ્યવાદની જેમ, સામાજિક બાબતોમાં પણ રૂઢિચૂસ્તતા કે સામાજિક સુધારણા એવી રીતે વિચારસરણીના ભાગલા પાડીને વ્યક્તિ કયા પક્ષને ટેકો આપવા પ્રેરાતી હોય છે તે જાણવા આ લેખકોએ કોશિશ કરી હતી. સામાજિક મુદ્દામાં અનામત અને લઘુમતીવાદના મુદ્દાને પણ આવરી લેવાયો હતો. અનામત હોવી જોઈએ કે નહિ અને લઘુમતીઓને વધારે સુરક્ષાની જરૂર હોય છે કે કેમ તેના આધારે પણ વ્યક્તિ ધારણા બાંધીને પોતાનો પક્ષ પસંદ કરતી હોય છે.

લેખકોએ જોયું હતું કે એસસીમાં પણ ભાજપનો ટેકેદાર વર્ગ ઊભો થયો છે. આ ટેકેદાર વર્ગ પણ એવું માનતો હોય છે કે અર્થતંત્રમાં સરકારની દખલ ના હોવી જોઈએ. બિનઅનામત વર્ગમાં થોડું અલગ વલણ પણ જોવા મળ્યું હતું. બિનઅનામત જ્ઞાતિમાં કોંગ્રેસનો ટેકેદાર વર્ગ હોય તો તે એવું માનનારો હોવાનો કે સરકારે સબસિડી સહિતના પગલાં લઈને અર્થતંત્રમાં ભાગ લેવો જરૂરી છે. સરકારે આમાં પડવું ના જોઈએ એવું માનનારા બિનઅનામત નાગરિકો ભાજપના ટેકેદાર વધારે હોય તેવી શક્યતા જોવા મળી હતી.

કોંગ્રેસ પર લઘુમતીવાદનો આરોપ થાય છે તેની પાછળનું કારણ કદાચ સમજાય તેવું આ અભ્યાસમાં જણાયું હતું. કોંગ્રેસનો ટેકેદાર અમીર વ્યક્તિ એવું માનતો હોય છે કે લઘુમતીના તથા પછાત વર્ગોને સહાય કરવાનું રાજકારણ યોગ્ય છે. ભાજપનો ટેકેદાર અમીર વર્ગ તેનો વિરોધ કરતો હોય છે. ભાજપને ટેકો આપનારો ગરીબ વર્ગનો મતદાર તેમને પોતાને સબસિડી વગેરેની જરૂર હોવા છતાં તેનો વિરોધ કરવાની વિચારસરણી ધરાવતો હોય છે. એ જ રીતે લઘુમતી અને પછાત વર્ગોને વિશેષ ઓળખ સાથે સહાયનો પણ તેનો વિરોધ હોય છે. ગરીબોમાં કોંગ્રેસનો ટેકદાર વર્ગ હોય તે આ બંને બાબતમાં સમર્થન કરનારો હોય છે.

આ બાબતો દર્શાવે છે કે દરેક પક્ષનો એક કોર વૉટર હોય છે. એક ચોક્કસ ટેકેદાર વર્ગ હોય છે, જે લાંબો સમય પક્ષને વળગી રહે છે. તેમાં જ્ઞાતિ અને કોમની ગણતરી આવી જાય છે. પરંતુ નવી પેઢી તૈયાર થતી જાય અને તેની જુદી જુદી માન્યતા અને વિચારસરણી તૈયાર થતી જાય તે પ્રમાણે તે પોતાનો પક્ષ પસંદ કરતો જતો હોય છે. એકવાર પોતાની જ્ઞાતિ કે કોમ અથવા અમીર કે ગરીબ હોવાના કારણે નહિ, પણ અમુક વિચારસરણીને કારણે કોઈ રાજકીય પક્ષ પસંદ કરે, પછી તે પક્ષને લાંબો સમય વળગી રહે તેવી શક્યતા હોય છે.

આ વાતને આ રીતે સમજીને બધા રાજકીય પક્ષો યુવાન મતદારોને આકર્ષવા કોશિશ કરતા હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. પરંતુ યુવાન મતદારોને આકર્ષવાનું આકર્ષણ હોય છે ખરું. સીધું સરળ કારણ એ પણ છે કે બીજા પક્ષના ટેકેદાર બની ગયેલા મતદારને સહેલાઈથી ખેડવવો મુશ્કેલ હોય છે. તેના બદલે યુવાન અને નવા મતદારને ટેકેદાર બનાવી શકાય તો લાંબો સમય તે પોતાનો ટેકેદાર બની રહી શકે ખરો. પરંતુ કઈ જ્ઞાતિ અને કોમનો કયો યુવાન કેવી વિચારસરણી તરફ ઢળ્યો હશે અને ગરીબ તથા ધનિક યુવાનના વિચારોમાં કેટલો ભેદ હશે તે પારખવું એટલું સહેલું પણ નથી. અને તેથી જ કઈ ફિલ્મ, કેવી મસાલા સ્ટોરી ચાલશે તે નક્કી કરી શકાતું નથી, તે રીતે મતદારને રીઝવવા કેવા મુદ્દા ચાલશે તે પણ નક્કી કરવાનું કામ સહેલું નથી.