ચીનની જાળમાં ફસાયું પાકિસ્તાન, ઈમરાન ખાન પહોંચ્યાં સાઉદીના શરણે

નવી દિલ્હીઃ ઘણાં અન્ય નાના દેશોની જેમ જ પાકિસ્તાન ચીનના દેવાની જાળમાં ફસાઈ રહ્યું છે તેને જોઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાઉદી અરબની શરણમાં પહોંચ્યાં છે. તેમણે સાઉદી અરબથી ચાઈના પાકિસ્તાન કોરિડોર પ્રોજેક્ટમાં પૈસા લગાવવા માટે મદદ માગી છે.

સાઉદી અરબ પાસેથી ઈમરાન ખાને જે મદદ માગી છે તેના ઘણાં કારણો છે. પાકિસ્તાન CPEC પ્રોજેક્ટને લઈને જ્યાં ચીન પાસેથી મોઘુંદાટ દેવું લેવા મજબૂર બન્યું છે તો અમેરિકા દ્વારા આતંકવાદ વિરુદ્ધ જંગના નામ પર પણ અત્યાર સુધી આપવામાં આવતી આર્થિક મદદ રોકવામાં આવી હોવાથી પાકિસ્તાન સંકટમાં આવી ગયું છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર અત્યારે ખાલી થવાના આરે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન દ્વારા ચીન અને તેની બેંકો પાસેથી આ નાણાકીય વર્ષમાં લેવામાં આવેલું દેવું 5 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે ચીન પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સીપીઈસી માટે તેને આ પૈસા આપી રહ્યું છે. મહત્વની વાત એ પણ છે કે પોતાના જ ઈન્ટરેસ્ટવાળા પ્રોજેક્ટ માટે ચીન દ્વારા આપવામાં આવતું દેવું ખૂબ મોંઘુ છે. ચીન પર પાકિસ્તાનની નિર્ભરતા એવા સમયમાં વધી છે કે જ્યારે અમેરિકા પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય મદદમાં સતત ઘટાડો કરી રહ્યું છે.