ઈરફાનને સંભાર્યા એના ડિરેક્ટર-કલાકારોએ

0
1269

મુંબઈ – હિંદી સિનેમાના દાદૂ ઍક્ટર ઈરફાન ખાને આજે ફરી એક વાર પોતાની બીમારી વિશે ટ્વિટર પર લખ્યું એના ગણતરીના કલાકો પહેલાં, આવતા મહિને રિલીઝ થનારી એની ફિલ્મ ‘બ્લૅકમેલ’ના સોંગ લૉન્ચનો એક કાર્યક્રમ મુંબઈમાં યોજાયો, જેમાં ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારથી લઈને દિગ્દર્શક અભિનય દેવ, અભિનેત્રીઓ કીર્તિ કુલ્હરિ અને અનુજા સાઠે, વગેરેએ ઈરફાન ખાનની તબિયતથી લઈને એની કામ કરવાની સ્ટાઈલ વિશે વાત કરી.

જે ગીત અમને એટલે કે પત્રકારોને દેખાડવામાં આવ્યું એ અમીત ત્રિવેદી રચિત સોંગ નહીં બલકે ‘બદલા’નું અથવા ‘રિવેન્જનું એન્થેમ’ છે, જેના ટપોરીછાપ શબ્દો છેઃ  ‘કિસકા ફાયદા કિસકા લૉસ… સિક્કા લેકે કરલે ટૉસ… કુત્તી ચીઝ હૈ દુનિયા ઈસસે લેના તો બનતા હૈ બૉસ- બદલાઆઆઆ બદલા…’

સોંગ લૉન્ચ બાદ ઉપસ્થિત કલાકાર-નિર્માતા-દિગ્દર્શક સાથે પ્રશ્ર્નોત્તરી થઈ. “શું ઈરફાન ખાન ફિલ્મના પ્રચારમાં જોડાઈ શકે એ ધ્યાનમાં રાખીને તમે ફિલ્મની રિલીઝ લંબાવાનો વિચાર કરેલો?” એવા ‘ચિત્રલેખા’ના સવાલના જવાબમાં દિગ્દર્શક અભિનય દેવએ કહ્યું કે “અમે ઈરફાનને મળ્યા અને આ વિચાર એની સાથે શૅર કર્યો તો એણે કહ્યુઃ મેં ફિલ્મ જોઈ છે અને આઈ ઍમ વેરી હૅપી. ફિલ્મ મસ્ત બની છે. મારી રાહ જોવાની જરૂર નથી. તમતમારે એનું પ્રોમોશન શરૂ કરી દો…”

એ પછી અભિનયએ ઉમેર્યું કે અમને આશા છે કે આવતા મહિનાની 6 એપ્રિલે ફિલ્મ રિલીઝ થાય ત્યારે એ આપણી સાથે હોય.

‘બ્લેકમેલ’ ફિલ્મ આવતી 6 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઈરફાન ખાન, કીર્તિ કુલ્હરી, દિવ્યા દત્તા, અરુણોદય સિંહ, ઓમી વૈદ્ય, અનુજા સાઠે, પ્રદ્યૂમન સિંહ, ગિરીરાજ રાવની ભૂમિકા છે.

નિર્માતા ભૂષણ કુમાર, અભિનેત્રીઓ કીર્તિ કુલ્હરી, અનુજા સાઠેએ ઈરફાન વિશે શું કહ્યું? જુઓ વિડિયો…

અહેવાલ-વિડિયોઃ કેતન મિસ્ત્રી

(‘બ્લેકમેલ’ ફિલ્મનું ગીત – બદલા…)

https://youtu.be/ZLkrYYYtC3k