શેરબજાર પર પડી એક્ઝિટ પોલની અસર; સેન્સેક્સની 700 પોઈન્ટની ગુલાંટ, ઈન્વેસ્ટરોને રૂ. 2.52 લાખ કરોડનો ફટકો

મુંબઈ – મૂડીબજારમાં સોમવારે ભારે ગભરાટભર્યા વાતાવરણ વચ્ચે મુંબઈ શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ 700 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. અનેક શેરો ઊંધા માથે પછડાયા હતા, એને કારણે બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 2,52,478.89 થી ઘટીને રૂ. 1,37,90,774.75 થયું હતું.

મૂડીબજાર સોમવારે લગભગ બે ટકા તૂટ્યું હતું, તો રાષ્ટ્રીય સ્તરના નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી 10,500ના આંકની નીચે ઉતરી ગયો હતો.

સેન્સેક્સ 35,000 પોઈન્ટ્સના સાઈકોલોજિકલ લેવલથી નીચે ઉતરીને 34,959.72નો બંધ રહ્યો હતો.

નિફ્ટી 205.25 પોઈન્ટ ગુમાવીને 10.488.45નો બંધ રહ્યો હતો.

શેરબજારના કામકાજ પર આજે પડેલી અસર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ્સના તારણો છે, જે ગયા શુક્રવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ એક્ઝિટ પોલ્સમાં, શાસક ભારતીય જનતા પાર્ટીની હાર થવાના અંદાજો વ્યક્ત કરવામાં આવ્યા છે. એની અવળી અસર આજે સપ્તાહના પહેલા જ દિવસે, શેરબજાર પર પડી. પાંચ રાજ્યોની ચૂંટણીની આવતીકાલે મતગણતરી અને પરિણામનો દિવસ છે.

પાંચ રાજ્યોની ચૂંટણી એટલી બધી મહત્ત્વની છે કે, 2019માં લોકસભાની ચૂંટણી પૂર્વે જનતાનો મૂડ વ્યક્ત કરે છે.

ક્રુડ તેલની સપ્લાય 2019ના જાન્યુઆરીથી ઘટાડી દેવાનો ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને રશિયા સહમત થયા બાદ ગ્લોબલ બજારોમાં, ક્રૂડ તેલના ભાવ આજે વધી ગયા હતા.

કરન્સી મોરચે, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 70.81ના તેના પાછલા બંધ સામે 71.38 આંકે નબળો પડ્યો હતો.

અનેક શેરોએ ધોબીપછાડ ખાધા બાદ બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2,52,478.89 કરોડથી ઘટીને રૂ. 1,37,90,774.75 થયું હતું. 7 ડિસેંબરે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 1,40,43,253.64 હતું.