રાની ફરી આવી રહી છે ઈન્સ્પેક્ટર શિવાની શિવાજી રોય તરીકે; ‘મર્દાની’ની સીક્વલમાં

મુંબઈ – ‘હિચકી’ ફિલ્મમાં શિક્ષિકાનાં રોલથી દર્શકો તથા સમીક્ષકોને ખૂબ પ્રભાવિત કર્યા બાદ બોલીવૂડ અભિનેત્રી રાની મુખરજી હવે ‘મર્દાની 2’માં ચમકવાની છે. આ ફિલ્મ 2014માં આવેલી ‘મર્દાની’ની સીક્વલ હશે. ‘મર્દાની’ પણ બોક્સ ઓફિસ પર હિટ ગઈ હતી.

પ્રદીપ સરકાર દિગ્દર્શિત ‘મર્દાની’ કોપ-ડ્રામા ફિલ્મ હતી, જેમાં ક્રાઈમ બ્રાન્ચની લેડી સિનિયર ઈન્સ્પેક્ટર શિવાની શિવાજી રોય બનેલી રાની બાળકોની હેરાફેરી કરનારાઓ સાથે બાખડે છે.

સીક્વલ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા કરશે અને યશરાજ ફિલ્મ્સ બેનર મર્દાની ફ્રેન્ચાઈઝ શરૂ કરનાર છે એવું સંભળાય છે.

‘મર્દાની 2’નું દિગ્દર્શન ગોપી પુથરન કરશે, જેઓ આ ફિલ્મનાં લેખક છે.

રાનીએ એક નિવેદનમાં કહ્યું છે કે ‘મર્દાની’ ફિલ્મ કાયમ મારી ફેવરિટ બની રહેશે. એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી મને દરેક જણ વારંવાર પૂછે છે કે હું ‘મર્દાની 2’ ક્યારે કરીશ? અને હવે મને ખાતરી છે કે ‘મર્દાની 2’ બનાવવાની જાહેરાતથી એ તમામ લોકોને સાનંદાશ્ચર્ય થશે. ગોપીએ બહુ જ સરસ સ્ક્રિપ્ટ લખી છે, અમને બધાયને એ ગમી છે અને આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થયા એની મને તાલાવેલી જાગી છે.

પહેલી ફિલ્મમાં તાહિર રાજ ભાસીને નેગેટિવ રોલ કર્યો હતો અને એની પ્રશંસા થઈ હતી. હવે રાની કહે છે કે ‘મર્દાની 2’માં શિવાનીનો ભેટો ક્રૂર ખલનાયક સાથે થશે. એ વિલન જરાય દયાળુ નથી, એને ભગવાનનો પણ કોઈ ડર નથી અને એકદમ દુષ્ટ છે.

‘મર્દાની 2’નું શૂટિંગ 2019માં શરૂ થવાની અને ફિલ્મ વર્ષના પછીના હાફમાં રિલીઝ થાય એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]