શેરબજારમાં બીજા દિવસે મજબૂતી, સેન્સેક્સ 139 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે મજબૂતી રહી હતી. મોદી સરકારની અવિશ્વાસની દરખાસ્તને પગલે માર્કેટમાં સાવચેતીનો માહોલ હતો, તેની સાથે અમેરિકામાં ફેડરલ રીઝર્વની બેઠકમાં શું બહાર આવે છે, તે અગાઉ ઈન્ડેક્સ બેઈઝ્ડ હેવીવેઈટ શેરોમાં લેવાલીનો ટેકો આવ્યો હતો, જો કે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ ચાલુ રહી હતી. તેમ છતાં ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 139.42(0.42 ટકા) વધી 33,136.18 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 30.90(0.31 ટકા) વધી 10,155.25 બંધ થયો હતો.

ગ્લોબલ માર્કેટના પોઝિટિવ રીપોર્ટને પગલે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. મોદી સરકાર વિશ્વાસનો મત જીતી જશે, તેવી ધારણા વચ્ચે શેરબજારમાં વિશ્વાસનું વાતાવરણ હતું, તેમ છતાં સાવચેતી તો રખાતી હતી. સવારે લઈ ગયેલાઓની ઊંચામાં વેચવાલી આવી જતી હતી. બીજી તરફ ફેડરલ રીઝર્વની બે દિવસની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવા અંગે નિર્ણય લેવાશે, તેવા આશાવાદ વચ્ચે માર્કેટમાં લેવાલી-વેચવાલીના બે તરફી કામકાજ હતા.

  • નિફટીના ફિફટી સ્ટોકમાંથી 39 શેરના ભાવ પ્લસમાં બંધ હતા, 11 સ્ટોક ઘટીને બંધ રહ્યા હતા.
  • ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૈક્સને આગામી વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન 8 ટકાથી ઘટાડીને 7.6 ટકા કર્યું છે, પણ 2019-20 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 8.3 ટકા યથાવત રાખ્યું છે.
  • એસબીઆઈમાં રુપિયા 842 કરોડનું નવું કૌભાંડ બહાર આવ્યું હોવાના સમાચાર હતા. મિડિયા રીપોર્ટ અનુસાર ચેન્નઈના એક જ્વેલર કનિષ્ક ગોલ્ડે એસબીઆઈને રુ.842 કરોડનો ચુનો લગાવી દીધો છે. જે પછી એસબીઆઈમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • અશોક લેલેન્ડને તામિલનાડુની ઈન્સ્ટીયુટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ તરફથી 2100 બસોના સપ્લાય માટે 321 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આઈઆરટી તરફથી 2000 પેસેન્જર ચેસિસ અને 100 સ્મોલ બસ સપ્લાય માટે ઓર્ડર મળ્યો છે.
  • પબ્લિક સેકટરની કંપની મિશ્ર ધાતુ નિગમનો આઈપીઓ આજે ખુલ્યો હતો. 23 માર્ચ સુધી ખુલ્લો રહેશે. આઈપીઓ દ્વારા સરકાર 26 ટકા હિસ્સેદારી વેચશે અને કંપની રુ.438 કરોડની મૂડી એકત્રિત કરશે. તેના શેરની પ્રાઈઝ બેન્ડ રુ.87-90 નક્કી કરાઈ છે. રીટેઈલ રોકાણકારો અને કર્મચારીઓને ઈસ્યૂપ્રાઈઝ પર 3 રુપિયાની છૂટ આપવામાં આવશે.
  • મંગળવારે એફઆઈઆઈએ રુ.344 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું, તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.731 કરોડની ખરીદી કરી હતી.
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા, જેથી ભારતીય શેરોમાં ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી.
  • આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને મેટલ સ્ટોકમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • તે સિવાયના તમામ સેકટરના શેરોમાં લેવાલીનો ટેકો હતો.
  • રોકડાના શેરોમાં પણ છુટીછવાઈ લેવાલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 35.88 પ્લસ બંધ હતો, તેમજ બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 52.45 પ્લસ બંધ હતો.