દુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં મોંઘવારી કાબૂમાંઃ અરુણ જેટલી

0
727

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે ઘેરાયેલી મોદી સરકાર અને ડોલર સામે રુપિયો નબળો થવાની સ્થિતિ દેશમાં જ્યારે ઉદભવી છે ત્યારે વડાપ્રધાન મોદીએ આ મામલે અર્થવ્યવસ્થા પર સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં રીઝર્વ બેંકના ગવર્નર અને નાણાંપ્રધાન અરુણ જેટલી સહિત નાણાં મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ ઉપસ્થિત હતા.

બેઠક દરમિયાન રીઝર્વ બેંકના અધિકારીઓએ પેઝન્ટેશન દ્વારા અર્થવ્યવસ્થા મામલે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. બેઠક બાદ નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર વધારે છે અને અન્ય દેશોની તુલનામાં ભારતમાં મોંઘવારી કાબુમાં છે.

પેટ્રોલ ડીઝલની કીંમતોમાં વધારો અને ડોલર પ્રત્યે રુપિયો નબળો પડ્યો છે તે મામલે અરુણ જેટલીએ જણાવ્યું કે અમેરિકામાં કેટલાક નીતિગત નિર્ણય લેવામાં આવ્યા છે જેને લઈને ડોલર ખૂબ મજબૂત બન્યો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કાચા તેલની કીંમત વધી છે. આ તમામની અસર આપણી અર્થવ્યવસ્થા પર પડી છે.

આપને જણાવી દઈએ કે રુપિયો છેલ્લા કેટલાક દિવસોમાં ડોલરના મુકાબલે પોતાના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો હતો. ઓગષ્ટમાં રુપિયો છ ટકા જેટલો ઘટીને 72થી નીચે જતો રહ્યો હતો. તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ રેકોર્ડ સ્તર પર છે. વિપક્ષે પણ આ મામલે 10 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનુ એલાન આપ્યું હતું અને ડીઝલ અને પેટ્રોલ પર ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કર્યું હતું.

પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ મામલે પેટ્રોલીયમ મંત્રાલયે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રુપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવા માટે 30 હજાર કરોડ રુપિયાનું રાજસ્વ છોડવું પડશે. અને સરકાર આ સમયે રાજકોષીય ખોટને વધારવાની કોઈ છૂટ આપવાનું જોખમ લઈ શકે તેમ નથી.