તેલંગાણામાં તમામ બેઠકો પર એકલે હાથે ચૂંટણી લડશે BJP: અમિત શાહ

હૈદરાબાદ- તેલંગાણાની આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અને કોઈપણ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. આ જાહેરાત BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કરી છે.હૈદરાબાદમાં એક સંવાદદાતા સમ્મેલનને સંબોધન કરવા દરમિયાન અમિત શાહે જણાવ્યું કે, BJP તેલંગાણામાં તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે અને પ્રદેશમાં મોટી તાકાત બનીને સામે આવશે.

અમિત શાહે કહ્યું કે, રાજ્યના કાર્યવાહક મુખ્યપ્રધાન કે.સી. રાવ ‘એક દેશ, એક ચૂંટણી’ને સમર્થન આપી ચૂક્યા છે. પરંતુ હવે તેમનો સ્વર બદલાઈ રહ્યો છે. તેલંગાણા જેવડા નાના રાજ્ય માટે તેઓ ઈચ્છી રહ્યા છે કે, બે ચૂંટણીમાં પૈસા ખર્ચ થાય, જે તેલંગાણાની જનતા પર બોજ સમાન છે.

BJP અધ્યક્ષે જણાવ્યું કે, તેમના પરિવારને આગળ વધારવા કે. ચંદ્રશેખર રાવ રાજ્યમાં મુદ્દત બાકી હોવા છતાં પ્રજા ઉપર ચૂંટણીનો બોજ થોપી રહ્યાં છે. વધુમાં અમિત શાહે કહ્યું કે, લઘુમતીઓ માટે 12 ટકા અનામત શું એ તુષ્ટિકરણનું રજકારણ નથી? તેઓ જાણે છે કે, આપણું બંધારણ ધર્મ આધારિત અનામતની પરવનગી આપતું નથી.

અમિત શાહે કે.સી.આર પર આરોપ લગાવતા કહ્યું કે, તેમની પાર્ટી તંલાગાણા રાષ્ટ્ર સમિતિ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન અને ડાબેરીઓના ઈશારા પર કામ કરી રહી છે. જો તેમનું સત્તામાં પુનરાવર્તન થશે તો રાજ્યમાં વોટ બેન્કનું રાજકારણ યથાવત રહેશે.