શેરબજારમાં મિશ્ર ટોનઃ સેન્સેક્સ માઈનસ, તો નિફટી 6 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં નવા વર્ષના બીજા દિવસે શરૂની મજબૂતી પછી નરમ વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ માઈનસ હતો, તો નિફટી પ્લસ બંધ હતો. એકંદરે માર્કેટમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. પણ તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી ચાલુ રહેતાં શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 0.49 ઘટી 33,812.26 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 6.65 વધી 10,442.20 બંધ થયો હતો.આજે પીએસયુ બેંક, એફએમસીજી, મિડિયા, ફાર્મા, રિયલ્ટી સેકટરના શેરોમાં વેચવાલી આવી હતી, જેથી ઈન્ડેક્સ વધ્યા મથાળેથી માઈનસ ઝોનમાં ગયો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા, જેથી ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી વેચવાલી વધી હતી. પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થઈ રહ્યું છે, આથી હવે માર્કેટ બજેટના આશાવાદ પાછળ ચાલશે. પણ માર્કેટ હાઈપ્રાઈઝ્ડ હોવાથી દરેક ઊંચા મથાળે પ્રોફિટબુકિંગ આવી રહ્યું છે.

  • 2018ના નવા વર્ષના પ્રથમ દિવસે એફઆઈઆઈએ રૂપિયા 325 કરોડની ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 1300 કરોડનું વેચાણ કર્યું હતું.
  • ડિસેમ્બર મહિનામાં ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણમાં વધારો થયો છે, જે સમાચાર પાછળ ઓટોમોબાઈલ શેરોમાં નવી લેવાલીથી મજબૂતી જોવાઈ હતી.
  • ડિસેમ્બરમાં બજાજ ઓટોમાં વેચાણ 30 ટકા વધ્યું
  • ડિસેમ્બરમાં તાતા મોટર્સમાં વેચાણ 48.2 ટકા વધ્યું
  • અશોક લેલેન્ડના ડિસેમ્બરના વેચાણમાં 79 ટકા વધ્યું
  • થર્મેક્સને રૂપિયા 327 કરોડનો ઓર્ડર મળ્યો છે.
  • રોકડાના શેરોમાં પ્રોફિટબુકિંગ આવ્યું હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 110.36 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 121.72 માઈનસ હતો.