લગ્ન બાદ કરિયર? નોકરી કરવી કે ન કરવી?

મોટાભાગે નવપરણિત સ્ત્રીઓ ઘરના કામમાંથી વિકલ્પ શોધી કાઢે છે. ઓછો તણાવ હોય ત્યાં તે સારી રીતે કામ કરી શકે છે કારણ કે સ્ત્રીને કામની સાથે સાથે ઘર પણ સંભાળવાનું હોય છે. વ્યવસાયિક જગ્યાએ પોતાનો દરજ્જો ટકાવી રાખવાની સાથે વધુ સારી તકો મળે તેવી શોધ કરે છે. કોઇવાર એવુ બને છે કે લગ્ન બાદ સ્ત્રીએ પોતાનો નિર્ણય તેના નવા પરિવારની માગણીઓને પણ ધ્યાનમાં રાખીને લેવો પડતો હોય છે. આ સમયે તેને શું અનુકૂળ પડશે, કેવી રીતે એ સારી રીતે કામ કરી શકશે એ દરેક વસ્તુ તેને વિચારવી પડતી હોય છે.સૌથી પહેલાં તો લગ્ન બાદ પણ જે યુવતીએ કરીયર આગળ વધારવી હોય તેણે વિચારવુ જોઇએ કે શું તે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં લગ્ન બાદ કામ કરી શકશો ખરી? એ ફિલ્ડમાં એના કામ કરવાના સ્કોપ છે? શું તેનો કારકિર્દીનો ગ્રાફ આગળ વધી શકશે કે કેમ? અમુક એવા ભાવનાત્મક કારણો પણ જોડાયા છે કે જેના કારણે હાલના સમયમાં નોકરી કરવી ખૂબ જરૂરી બની ગઇ છે. તો જો તમે નોકરી કરવાનું નક્કી કરી જ લીધું છે તો લગ્ન પહેલાં જે જગ્યાએ તમે નોકરી કરતા હતાં તે જ જગ્યાએ જો તમને લગ્ન બાદ પણ નોકરી કરવા મળે તો તે તકને છોડશો નહી. કારણ કે નોકરીમાં તમે કેટલો સમય ટકો છો એ પણ ખૂબ મહત્વની બાબત છે. અને એ જૂની જગ્યાએ તમે સારી રીતે કામ પણ કરી શકશો. ફરી નવી શરૂઆત કરવાની પણ જરૂર નહીં પડે.

કોઇપણ નોકરીમાં ઓછામાં ઓછું 2 વર્ષ કામ કરવું જોઇએ તો જ તમારી પ્રોફાઇલ સારી બની શકે છે. તમે નોકરી કરતા હોવ તો તમે તમારા પતિને પણ મદદ કરી શકો છો. ભલે તમારા પતિ તમારી પાસેથી પૈસા ન લેતા હોય પણ તમે તમારી પાસે સેવિંગ કરીને રાખી શકો છો. જે તમને મુશ્કેલીના સમયમાં કામ આવી શકે છે. તમારા પતિ કે પરિવારને જરૂર હોય ત્યારે તમે આર્થિક સહાય કરી શકો છો. તમે તમારી રીતે વિના સંકોચે ખરીદી પણ કરી શકો છો.

અત્યારે ઘણા પુરૂષો એવી સ્ત્રીઓને પસંદ કરે છે જે વ્યવસાયિક રીતે અથવા તો શોખથી કોઇ પ્રવૃત્તિ કરતી હોય. આ વિચાર પરિવારને ટેકો આપી શકે એટલા માટે નહીં પરંતુ અત્યારના પુરુષો ઇચ્છે છે કે પોતાની વાઇફ પોતાની એક આગવી ઓળખ બનાવે અને તે પણ કોઇ પ્રવૃત્તિમાં રહે જેથી કરીને તેનું જ્ઞાન માત્ર ચાર દીવાલોમાં જ ન રહે. આમ પણ ઘરમાં એમ જ બેસી રહેવાથી સ્ત્રીઓને અલગઅલગ વિચાર આવતા હોય છે એના કરતાં સારું છે કે સ્ત્રીઓ પોતાની રીતે કંઇક નવું કામ કરે. અને જો સ્ત્રીને ઘરે બેસીને પણ કામ કરવું હોય તો પણ અત્યારે એટલા બધાં વિકલ્પો છે કે સ્ત્રી કદી પાછળ પડી શકે એવું નથી. અત્યારે કોઇ પણ વસ્તુની ખબર ન પડે તો પણ સ્ત્રી સોશિયલ મીડિયાના સહારે શીખી શકે છે. જેથી કરીને સ્ત્રી કદી ક્યાંય પાછળ નહી પડે.દીકરીઓને માતાપિતા એટલા માટે જ ભણાવે છે કે તે પગભર થઇ શકે, પોતાની એક આગવી ઓળખ બનાવી શકે. તેથી માતાપિતાના આ સ્વપ્નને પણ પૂર્ણ કરવા માટે પોતાના કરીયરમાં આગળ વધવું જરૂરી છે. માબાપે તમારી પાછળ પૈસા ખર્ચ્યા છે, તમને સ્વતંત્ર બનાવ્યાં છે તો તમારે એનો ફાયદો ઉઠાવવો જોઇએ. તો તમારે તમારી ઓળખ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. ન માત્ર તમારા સાસરીયાં પક્ષને જ પરંતુ તમે તમારા માતાપિતાને પણ જરુરિયાતના સમયે મદદ કરી શકો છો.