દેશમાં કરોડપતિઓની સંખ્યા 60 ટકા વધી, ઈન્કમ ટેક્સ ચૂકવનારાઓની સંખ્યા 80 ટકા વધી છે

નવી દિલ્હી – દેશમાં વાર્ષિક રૂ. એક કરોડથી વધારે આવક ધરાવતા કરદાતાઓની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં વધીને 1.40 લાખથી ઉપર થઈ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) તરફથી જાહેર કરાયેલી માહિતી અનુસાર, દેશમાં કરોડપતિઓની સંખ્યામાં 60 ટકાનો વધારો નોંધાયો છે.

છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં ઈન્કમ ટેક્સ અને સીધા કરવેરાને લગતા આંકડાઓ સીબીડીટી દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે. સીબીડીટી એ આવકવેરા વિભાગની નીતિવિષયક સંસ્થા છે. એણે કહ્યું છે કે વાર્ષિક રૂ. 1 કરોડથી વધુની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યામાં આશરે 68 ટકાનો વધારો થયો છે.

કોર્પોરેટ, પ્રોપ્રાઈટર કંપનીઓ તથા હિન્દુ અનડીવાઈડેડ ફેમિલીઝમાં રૂ. એક કરોડથી વધુની આવક દર્શાવતા કરદાતાઓની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે.

2014-15ના એસેસમેન્ટ વર્ષમાં 88,640 કરદાતાઓએ રૂ. 1 કરોડથી વધુની આવક જાહેર કરી હતી. તે આંકડો 2017-18ના વર્ષમાં વધીને 1,40,139 થયો હતો, જે 60 ટકાનો વધારો સૂચવે છે.

તેવી જ રીતે, રૂ. 1 કરોડથી વધુની આવક ઘોષિત કરનાર વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા 48,416થી વધીને 81,344 થઈ છે, જે 68 ટકાનો વધારો સૂચવે છે.

છેલ્લા 4 વર્ષમાં ઈન્કમ ટેક્સ ચૂકવનારાઓની સંખ્યા 80 ટકા વધી છે

CBDT દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરનારાઓની સંખ્યા 80 ટકા વધી છે.

સાથોસાથ, એક કરોડ રૂપિયાથી વધુની આવક દર્શાવતા કરદાતાઓની સંખ્યા પણ છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં 60 ટકા વધી છે.

અગાઉ આ મહિને, સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) તથા 2017-18ના નાણાકીય વર્ષ માટેનો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મહેતલ લંબાવીને 31 ઓક્ટોબર કરી દીધી છે.

નવી માહિતી પરથી જાણવા મળ્યું છે કે દેશમાં 21.08 કરોડથી વધુ પરમેનન્ટ એકાઉન્ટ નંબર્સ (PAN)ને આધાર નંબર સાથે લિન્ક કરી દેવામાં આવ્યા છે.

કુલ સક્રિય અથવા ઈસ્યૂ કરાયેલા PAN નંબરની સંખ્યા 41.02 કરોડથી વધુ છે.

PAN અને આધાર નંબરને લિન્ક કરવાની ડેડલાઈન આવતા વર્ષની 31 માર્ચ છે.