અફવા ખોટી પાડતાં બિહાર CM નિતીશ કુમાર, 31મીના કાર્યક્રમનું આમંત્રણ સ્વીકાર્યું

ગાંધીનગર: ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આજે રૂબરૂ આમંત્રણ પાઠવ્યું હતું. જોકે મહત્વનું છે કે, આજની મુલાકાત પહેલાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સૌરભ પટેલને મળવાનો સમય આપ્યો ન હતો. જેને લઇને વિવિધ અફવાઓનો દોર ચાલ્યો હતો.ગત 16 ઓક્ટોબરના રોજ નીતિશ કુમાર અને સૌરભ પટેલ વચ્ચે મુલાકાત યોજાવાની હતી. પરંતુ અચાનક જ તેને રદ કરવામાં આવી હતી. એ વખતે સૌરભ પટેલે બિહારમાં દુર્ગા પૂજાની ઉજવણી ચાલી રહી હોવાનું બહાનું આગળ ધર્યું હતું. અને 22 ઓક્ટોબર પછી બિહારના પ્રવાસે જવાનું નક્કી કર્યું હતું.

તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી હતી કે, ગુજરાતમાં તાજેતરમાં જ પરપ્રાંતિયો પર થયેલા હુમલા બાદ બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ થયાં હતાં. જેને પગલે નીતિશ કુમારે નારાજગી દર્શાવી હતી અને 16 ઓક્ટોબરે સૌરભ પટેલને મળવા માટે સમય આપ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, કેવડીયા ખાતે નિર્માણ પામનારી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણની તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે.  હાલ ગુજરાતના પ્રધાનો દેશના અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો તેમજ રાજ્પાલને રૂબરૂ મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવી રહ્યાં છે.