બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું, ભૂલ સ્વીકારીને કહ્યું કે…

અમદાવાદઃ બુલેટ ટ્રેન જમીન સંપાદનને લઈને ચાલી રહેલા વિવાદને પગલે આજે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને ભારતીય રેલવે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. સોગંદનામુ રજૂ કરતા ભારતીય રેલવેએ સ્વીકાર્યું કે જમીન સંપાદન માટેનું નોટિફિકેશન ઇશ્યૂ કરવાની સત્તા કેન્દ્ર સરકારને જ છે.કેન્દ્ર સરકારે 258-1 હેઠળ જમીન સંપાદનમાં સુધારો કર્યો હતો. જેથી નોટિફિકેશન ઈશ્યુ કરવાની સત્તા તેમના હાથમાં છે. આ પહેલા જમીન સંપાદન માટેનું નોટિફિકેશન રાજ્ય સરકાર ઈશ્યુ કરતી હતી.

આ સાથે જ એવું પણ જણાવ્યું કે, જમીન સંપાદનનું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તે કોઈ બદઈરાદાથી બહાર પાડવામાં આવ્યું નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘણો મહત્વનો છે. આ પ્રોજેક્ટને લઇને આંતરરાષ્ટ્રીય સંધિ પણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે હાઇકોર્ટમાં થયેલ અરજીમાં સરકાર સામે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું હતું. આ પ્રોજેક્ટને લઇને રાજ્યની સરકાર કેમ જમીન સંપાદન કરી રહી છે? જેને લઇને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ અપાયા હતાં.