શેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ 116 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં દીવાળીના મુહૂર્તના ટ્રેડિંગ પછીના વેકેશન અને તે પછી નવા વર્ષના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. આગામી ગુરુવારે ફયુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે અને ઈન્ફોસીસ ટેકનોલોજીના પરિણામ અગાઉ શેરબજારમાં ઊંચા મથાળે સાવચેતીરૂપી વેચવાલી આવી હતી. જો કે તેજીવાળા ખેલાડીઓએ અને સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની બ્લુચિપ શેરોમાં ટેકારૂપી લેવાલી રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 116.76(0.36 ટકા) વધી 32,506.72 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 38.30(0.38 ટકા) વધી 10,184.85 બંધ થયો હતો.

રીલાયન્સનું માર્કેટ કેપ 6 લાખ કરોડને પાર

દીવાળી પહેલા રીલાયન્સ જીઓએ પોતાના પ્લાનમાં ફેરફાર કર્યો હતો. કંપનીના આ ફેરફારને કારણે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં જોરદાર લેવાલી આવી હતી, અને શેરનો ભાવ ફરીથી રેકોર્ડ હાઈ રૂપિયા 944.70 પર પહોંચ્યો હતો. તેની સાથે રીલાયન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન 6 લાખ કરોડને પાર કરી ગયું હતું. અને દેશની પ્રથમ કંપની બની હતી.

એરટેલમાં પણ ભારે લેવાલીથી ભાવ 5.50 ટકાથી વધુ ઉછળી રૂ.501.45 થયો હતો. જેને પગલે એરટેલનું માર્કેટ કેપિટલાઈઝેશન બે લાખ કરોડને પાર કરી ગયું હતું.

ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ આજે નવા વર્ષના પ્રથમ દિવસની પ્રથમ સેશનમાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. શરૂમાં નવી લેવાલી ચાલુ રહી હતી, જેથી ઈન્ડેક્સ વધુ વધ્યો હતો. જો કે કેટલાક તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ કાઢી હતી. જેથી શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા.

  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ ખુલ્યા
  • આજે કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી અને ફાર્મા સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • બેંક, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, મેટલ, પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં સામાન્ય લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ 71.55 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 15.11 પ્લસ બંધ હતો.