ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઉજવી દિવાળી…

0
2219
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ સ્થિત એમના કાર્યાલય ઓવલ ઓફિસ ખાતે એમની પ્રથમ દિવાળીની ઉજવણી કરી હતી. એ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રો સંસ્થામાં એમના પ્રતિનિધિ નિક્કી હેલી અને સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસીસના વહીવટકાર સીમા વર્મા સહિત ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ ભારતીય-અમેરિકન સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત યૂએસ ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશનના ચેરમેન અજિત પાઈ અને પ્રિન્સીપાલ ડેપ્યૂટી પ્રેસ સેક્રેટરી રાજ શાહ પણ ઉપસ્થિત હતા. પ્રમુખ ટ્રમ્પના પુત્રી ઈવાન્કાએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. ટ્રમ્પે એમના ફેસબુક પેજ પરની પોસ્ટમાં દિવાળી નિમિત્તે હિન્દુ સમુદાય તથા ભારતીયજનોને શુભેચ્છા વ્યક્ત કરી છે. અમેરિકામાં વિજ્ઞાન, મેડિસીન, ઉદ્યોગ તથા શિક્ષણ ક્ષેત્રોમાં ભારતીય-અમેરિકન નાગરિકોએ આપેલા અસાધારણ પ્રદાનની ટ્રમ્પે સરાહના કરી છે. ટ્રમ્પે વધુમાં લખ્યું છે કે, ‘આપણે દિવાળી ઉજવીએ છીએ ત્યારે આપણે હિન્દુ ધર્મના ઘર ભારત દેશ અને તેની જનતાને વિશેષ યાદ કરીએ છીએ. આ દેશ અને તેની જનતાએ વિશ્વની સૌથી વિશાળ લોકશાહીની સ્થાપના કરી છે.’ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાના અત્યંત ગાઢ સંબંધને પણ વિશેષ મહત્વ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસમાં દિવાળી તહેવારની ઉજવણીની પ્રથાની શરૂઆત ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે કરાવી હતી.

(વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની વિડિયો ઝલક)…