એર ઇન્ડિયાના મહારાજા ચીન સામે કેમ ઝૂકી ગયાં?

કાશના મહારાજા તરીકે પ્રચાર બહુ થાય છે, પણ એર ઇન્ડિયાને આકાશમાં ઊડતા રહેવામાં ભારે તકલીફ પડી રહી છે. આ વાત સૌ જાણે છે. એર ઇન્ડિયાને વેચવા કાઢવામાં આવી, પણ લોકશાહીના જમાનામાં રાજાશાહીની જેમ ચાલતી એરલાઇન્સ કોઈને જોઈતી નથી. તેનું કોઈ ઘરાક મળ્યું નથી. એર ઇન્ડિયાના મહારાજા ગ્રાહકોને જરાક ઝૂકીને સલામ કરે ત્યારે રજવાડી સ્વાગતનો અહેસાસ થાય. વાત ત્યાં સુધી મર્યાદિત હતી ત્યાં સુધી બરાબર છે, પણ આ મહારાજા હમણાં ચીન સામે ઝૂકી પડ્યાં.ચીનની સરકારે આપેલા હુકમ સામે જી હૂજુર કહીને તાબડતોબ એર ઇન્ડિયાએ નમતું જોખી લીધું. ચીનની સરકાર દુનિયાભરની એરલાઇન્સોને ધમકાવી રહી છે કે તમારા વેબસાઇટ્સ પર તાઇવાનને અલગ દેશ તરીકે દર્શાવવો નહીં. તેને તમારે ચીન તાઇપેઇ પ્રાંત ગણવો. તાઇવાન ના લખવું પણ ચાઇનીઝ તાઇપેઇ એવું લખવું.

આવા હુકમનો આદર કરીને એર ઇન્ડિયાએ પોતાની વેબસાઇટમાં ફેરફારો કર્યા અને ચીનની સરકારના કહેવા પ્રમાણે તાઇવાનનું નામ બદલીને ચાઇનીઝ તાઇપેઇ કર્યું છે. ચીન સામે ભારતને અનેક મુદ્દે કશ્મકશ ચાલી રહી છે ત્યારે ભારતની એક સરકારી એરલાઇન્સ કંપની જે રીતે ઝૂકી ગઈ તે જોઈને વિશ્વના દેશો ભારત વિશે નવેસરથી વિચારતા થઈ ગયા હશે.
અમેરિકાએ અને યુરોપના ઘણા દેશોએ ચીનને ચોખ્ખી ના પાડી દીધી છે. ચીનની સરકારે ચાલાકી કરીને ખાનગી કંપનીઓને સીધી જ સૂચના મોકલી હતી. ચીની સરકારને ખબર છે કે લાલચૂડી એરલાઇન્સ કંપનીઓ ચીન સાથે ધંધો કરવા, ચીનમાં પોતાના વિમાનોની આવનજાવનમાં સરળતા ખાતર ચીનની વાત તરત માની લેશે. ઘણા બધા દેશોએ માની પણ લીધી છે, પણ અમેરિકાની સરકારને ખ્યાલ આવ્યો ત્યારે સરકારે જ ચીનને ચેતવણી આપી દીધી. અમેરિકાએ ચીનને સંભળાવી દીધું કે અમારી ખાનગી કંપનીઓને તમે વેબસાઇટ્સનું આયોજન કેવી રીતે કરવું તેની કોઈ સૂચના આપી શકો નહિ.
આવો જવાબ આપવામાં ભારત સરકાર નિષ્ફળ ગઈ છે. અમેરિકાની સરકારે તરત જવાબ પણ આપ્યો અને ચેતવણી પણ આપી કે જો અમેરિકન એરલાઇન્સ સામે અયોગ્ય રીતે કોઈ પગલાં લેવાશે તો તેનો પણ જવાબ આપવામાં આવશે. અમેરિકા અને ચીન વચ્ચે આમ પણ ટ્રેડ વૉર શરૂ થઈ ગયું છે. ત્યારે અમેરિકન એરલાઇન્સ પર પ્રતિબંધો મૂકવાની તાકમાં ચીન હોઈ શકે છે. તેની સામે અમેરિકા પણ પ્રતિબંધો મૂકી શકે છે. તેનો અર્થ એ થયો કે ટ્રેડ વૉર આગળ વધશે અને વિશ્વના એવિએશન પર પણ તેની અસર થશે.
1949થી તાઇવાન પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર ગણે છે અને ચીનના દાવાને ઠૂકરાવે છે. ચીનનો ડોળો આ ટાપુ રાષ્ટ્રને પોતાનામાં ભેળવી દઈને સમગ્ર દક્ષિણ ચીની સમુદ્ર પર કબજો કરવાનો છે. દક્ષિણ ચીની સમુદ્રમાં છેક નીચે વિયેટનામ અને ફિલિપાઇન્સની દરિયાઇ સરહદોની નજીક કેટલાક ટાપુઓ પર ચીને કબજો જમાવ્યો છે. કેટલાક નાના ટાપુમાં પુરાણ કરીને મોટા બનાવ્યા છે. પોર્ટ અને એરપોર્ટ બનાવીને ત્યાં લશ્કરી થાણું જમાવવાની કોશિશ ચાલી રહી છે.સરકારને પૂછ્યા વિના એર ઇન્ડિયાએ નિર્ણય ના લીધો હોય. તેનો અર્થ એવો કરવાનો થાય કે ભારત સરકારે જ ચીનની માગણી સ્વીકારી છે. જોકે ભારત ઝૂકી ગયું તેમ કહેવું યોગ્ય પણ નથી એમ જાણકારો કહે છે. ટેક્નિકલી કોઇ ફેરફાર ભારતની નીતિમાં થયો નથી, કેમ કે તાઇવાનને ભારતે સત્તાવાર માન્યતા આપેલી નથી. તાઇપેઇમાં ભારતીય રાજદૂતાલય પણ નથી, પણ ભારત અને તાઇવાન વચ્ચે વેપારી સંબંધો ચાલે છે. India-Taipei Association એવા નામે દ્વિપક્ષી વેપારી સંબંધો માટેની સંસ્થા છે. તાઇવાને નવી દિલ્હીમાં તાઇપેઇ ઇકોનોમિક કલ્ચરલ સેન્ટર પણ ખૂલ્યું છે. આ બંને સંસ્થાઓના માધ્યમથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો ચાલે છે. વેપાર પણ ચાલે છે, પરંતુ સત્તાવાર રીતે ભારતે આ મામલામાં સીધી દખલગીરી કરી નથી.
તેના કારણે ભારત કહી શકે છે કે વિદેશ નીતિમાં કોઈ ફેરફાર કર્યા વિના, જૂની રીત પ્રમાણે જ એર ઇન્ડિયાએ આવો નિર્ણય લીધો છે.
સવાલ એ નથી કે જૂની રીત ચાલુ રાખવામાં આવી. સવાલ એ છે કે ચીન સામે ભારત માથું ભરાવી જ રહ્યું છે ત્યારે આ વધુ એક મુદ્દો હતો જેમાં ભારત પ્રેશર કરી શકે તેમ હતું. ચીનના વિરોધ છતાં ભારતે દલાઇ લામા અને તીબેટના લામાઓને ભારતમાં આશરો આપ્યો છે. ચીનના વિરોધની અહીં અવગણના થતી રહે છે. તે જ રીતે ચીનની અવગણના કરી શકાય હોય કે નહિ?
કદાચ નહિ, કેમ કે દલાઇ લામાને કારણે સીધી રીતે કોઈ વેપાર કે વ્યવહાર અટકી પડતો નથી. એરલાઇન્સના મામલામાં કદાચ એર ઇન્ડિયાને સીધું નુકસાન થઈ શકે. આમ પણ આર્થિક રીતે એર ઇન્ડિયાની સ્થિતિ ડામાડોળ છે. વર્ષે કરોડો રૂપિયા તે ગુમાવી રહી છે. તેની સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ ખાનગી કંપની તેને ખરીદવા તૈયાર નથી.
વિદેશ નીતિની બાબતમાં ભારત સ્વતંત્ર રીતે વિચારવાના બદલે મોટા અને મહત્ત્વના દેશો સાથેના સંબંધોને મહત્ત્વ આપી રહ્યું છે તેમ લાગે છે. તે કદાચ યોગ્ય નીતિ પણ હોઈ શકે, પરંતુ અત્યારે તેની સામે સવાલો થઇ રહ્યા છે. દાખલા તરીકે અમેરિકાએ ઇરાન સામે ફરી આર્થિક પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરી છે. તેને ધ્યાનમાં લઈને ઓઇલ કંનપીઓને સરકારે સૂચના આપી છે કે ઇરાનથી આયાત થતો ક્રૂડનો જથ્થો ઓછો કરવાની તૈયારી રાખવી. તેનો અર્થ એ થયો કે અમેરિકાને રાજી રાખવા માટે ઇરાનથી થોડી આયાત ઓછી કરાશે પણ ખરી. 2012માં મનમોહનસિંહની સરકારે અમેરિકાને સ્પષ્ટ જણાવી દીધું હતું કે ઇરાન સાથે ભારત અગાઉની જેમ જ કામકાજ કરતું રહેશે.

અહીં તાઇવાન કરતાં ચીન અને ઇરાન કરતાં અમેરિકા સાથેના સંબંધો વધારે અગત્યના છે તેવી ભારતની વિદેશ નીતિ વ્યવહારુ બની છે તેમ પણ કહી શકાય. ઇરાનને અન્ય રીતે ભારત રાજી રાખી શકે છે. એ જ રીતે તાઇવાન સાથે ભારત આડકતરી રીતે સંબંધો રાખી શકે છે. દાખલા તરીકે ગયા વર્ષે જ તાઇવાન સાથે ઔદ્યોગિક સહકાર માટેના કરાર કરાયા છે, જે હજી પણ ચાલતા રહેશે. ઇરાનમાં ચાબહર બંદર ભારત બાંધી રહ્યું છે. ભારત અમેરિકા સાથે ચર્ચા કરીને બંદરનું કામકાજ ચાલતું રહે તે માટે બાર્ગેઇનિંગ કરી શકે છે. બંદર બાંધવાના બહાને ઇરાનને ભારત મદદરૂપ થઈ શકે છે.

ભારતની વિદેશ નીતિમાં એનડીએની સરકાર આવ્યા પછી મહત્ત્વના ફેરફારો આવ્યા છે. તેને બંને રીતે જોઈ શકાય છે. ભારત સતત બિનજોડાણવાદની નીતિને અનુસરતું આવ્યું છે. વિશ્વની મહાસત્તાઓના આદેશોને ભારત સીધી રીતે માનતું નથી. ભારત પોતાની વિદેશ નીતિ સ્વતંત્ર રીતે ચલાવતું આવ્યું છે. તેની સામે એનડીએની સરકાર વ્યવહારુ બનીને, જ્યાં કામ સરતું હોય ત્યાં મોટા અને મહત્ત્વના દેશો સાથેના સંબંધોને મહત્ત્વ આપતી રહી છે. ચીન સાથેના સંબંધો સુધારવા માટે વિશેષ પ્રયાસો નરેન્દ્ર મોદીએ કર્યા છે. અમેરિકા સાથે પણ નીકટતા વધારવાના પ્રયાસો થયા છે. લાંબા ગાળે તેના શું ફાયદા થશે તે જોવાનું રહે છે. વિદેશ નીતિમાં માત્ર સિદ્ધાંતો ખાતર નિર્ણયો લેવાના નથી હોતા, પણ વ્યવહારુ થઈને હિત ખાતરના નિર્ણયો લેવાના હોય છે. ઇરાન અને તાઇવાન સાથે સંબંધો આડકતરી રીતે જળવાઈ રહેવાના હોય ત્યારે, તમારી વાત પણ માની છે એમ ચીન અને અમેરિકાને પણ કહીને કન્સેશન લઇ શકાય છે કદાચ.