PNB ફ્રોડ કેસઃ વિપુલ અંબાણીની CBI દ્વારા ધરપકડ

સીબીઆઈ અમલદારોએ પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમન્ડ્સના પ્રેસિડન્ટ (ફાઈનાન્સ) વિપુલ અંબાણી તથા મોદી અને એમના મામા મેહુલ ચોક્સીની કંપનીઓના અન્ય ચાર સિનિયર એક્ઝિક્યૂટિવ્સ આજે મુંબઈમાં ધરપકડ કરી છે. વિપુલ અંબાણી નામાંકિત ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણીના ભત્રીજા છે.

સીબીઆઈએ રૂ. 11,400 કરોડના ફ્રોડકાંડના સંબંધમાં વિપુલ અંબાણી ઉપરાંત ફાયરસ્ટાર ગ્રુપના સિનિયર એક્ઝિક્યૂટિવ અર્જુન પાટીલ, એક્ઝિક્યૂટિવ આસિસ્ટન્ટ તથા આરોપી કંપનીઓના ઓથોરાઈઝ્ડ સિગ્નેટરી કવિતા માણકીકર, નક્ષત્ર ગ્રુપ તથા ગીતાંજલી ગ્રુપના સીએફઓ કપિલ ખંડેલવાલ અને ગીતાંજલી ગ્રુપના મેનેજર નીતેન શાહીની પણ ધરપકડ કરી છે.

વિપુલ અંબાણી ધીરૂભાઈ અંબાણીના નાના ભાઈ નટુભાઈ અંબાણીના પુત્ર છે અને મુકેશ તથા અનિલ અંબાણીના પિતરાઈ છે.

સીબીઆઈ અધિકારીઓ આ કેસમાં પંજાબ નેશનલ બેન્કના પાંચ અધિકારીઓની પહેલાથી જ ધરપકડ કરી ચૂક્યા છે.

વિપુલ અંબાણી ત્રણેક વર્ષ પહેલા ફાયરસ્ટારમાં જોડાયા હતા. અગાઉ તેઓ એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીમાં કામ કરતા હતા.

વિપુલે એમની કારકિર્દીનો આરંભ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોજેક્ટ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ એન્જીનિયરિંગ ગ્રુપમાં કર્યો હતો. એમણે મેસેચ્યૂશેટ્સ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનીયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી.

નીરવ મોદી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન, એમડી મુકેશ અંબાણીના સંબંધી છે. નીરવના ભાઈ નિશલે મુકેશ અંબાણીની ભાણેજ ઈશિતા સાથે 2016માં લગ્ન કર્યા હતા.