સત્તાધારી પક્ષને રાજી રાખવા માટે અત્યારથી જ ઘણા બધા સર્વે આવવા લાગ્યા છે, જે ફરીથી એકવાર એનડીએને જીતાડી રહ્યા છે. ચૂંટણી સર્વેક્ષણોની આબરૂ કેટલી તેનો સર્વે કરવાનો પણ સમય આવી ગયો છે. ઘણીવાર દેખીતી રીતે જ સર્વે માથામેળ વિનાની વાતો કરતાં હોય છે. દાખલા તરીકે સૌથી છેલ્લે આવેલા બે સર્વેમાં રાજ્યોની ચૂંટણીમાં ભાજપ હારશે તેવું દેખાડ્યું છે. કોંગ્રેસ આ વખતે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને છત્તીસગઢ પણ જીતી શકે છે તેવું અનુમાન મૂક્યા પછી, લોકસભાના અનુમાનમાં એવું દેખાડ્યું છે કે કોંગ્રેસને બહુ મામુલી બેઠકો મળશે.


યાદ એ રાખવાનું છે કે આ સર્વેમાં ‘જો અત્યારે ચૂંટણી થાય તો’ એવું કહેવાયું છે. અર્થાત ‘અત્યારે’ ચૂંટણી થાય તો લોકો રાજ્યમાં કોંગ્રેસને જીતાડે અને કેન્દ્રમાં ભાજપને જીતાડશે તેમ ધારી લેવાયું છે. આ ધારણા અસ્થાને નથી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે સાથે હોય તો પણ મતદારો અલગ અલગ રીતે મતદાન કરી શકે છે, પરંતુ આટલો મોટો તફાવત શક્ય દેખાતો નથી. ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં લોકોને સ્પષ્ટ સમજાયું છે કે, ચૂંટણીની તારીખ જાહેર થવાની હતી એટલે રાતોરાત પેટ્રોલમાં પાંચ રૂપિયા ઘટે તેવી કાર્યવાહી ભાજપ સરકારે કરી છે. આટલા મહિના સુધી ડામ આપ્યા પછી આચારસંહિતા લાગુ પડે તેના પાંચેક દિવસ પહેલાં જ પાંચ રૂપિયા ઓછા કર્યા હતાં તે દેખાડા ખાતરના છે એ વાત લોકો ભૂલી શકે નહીં.
તેથી ‘અત્યારે’ ચૂંટણી થાય અને લોકો કેન્દ્ર સામેનો અસંતોષ રાજ્યની ચૂંટણીમાં રાખે, પણ લોકસભાની ચૂંટણીમાં ના

રાખે તે લોજિક કેવું કારગર નિવડશે તે લોકો વિચારશે. સર્વે માટેનું ફંડિંગ કરનારા લોકોને રાજી રાખવા માટે સર્વે કરનારા આંકડાંને જરાક આમતેમ કરતાં હોય છે. ગમે તમે કરીને 276નો આંકડો ભેગો કરીને એનડીએ ફરી જીતી જશે એમ દર્શાવાયું છે. કોંગ્રેસને પણ રાજી રાખવા માટે તેમની બેઠક 44થી વધારીને 80 કરી દેવાઈ છે. યુપીએ 112 સુધી જશે, જ્યારે અન્ય રાજકીય પક્ષોને 155 સુધી બેઠકો મળશે તેમ જણાયું છે. આ રીતે કુલ સરવાળો લોજિકલ લાગી શકે છે.
કોંગ્રેસ અને યુપીએ કરતાં પ્રાદેશિક પક્ષોનો જ દબદબો રહેવાનો છે તે વાત ખોટી નથી. દક્ષિણમાં ભાજપને હજીય સ્થાન મળ્યું નથી અને પૂર્વમાં અને ઓડિશામાં વધુ ટકા મતો મળશે તે વાત પણ ગળે ઉતરે તેવી છે. પરંતુ આટલી લોજિકલ વાત કર્યા પછી ધીમેથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને બહુ જ ઓછી બેઠકો મળશે એવું દર્શાવીને સરવાળો 276 સુધી પહોંચાડી દેવાયો છે.
આ વાત કોંગ્રેસના લોકો સમજશે કે કેમ તે ખબર નથી. કેમ કે ગુજરાતમાં પણ કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સમાં રહી હતી. લોકો અમને જીતાડશે તેમ માંડીને ખુશ થઈને કોંગ્રેસના નેતાઓ ફરવા લાગ્યા હતાં. ચૂંટણી જીતવા માટે જરૂરી પ્રયાસો કર્યા નહોતા અને ટિકિટની વહેંચણીમાં રાબેતા મુજબ ગરબડો કરી હતી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એ જ ઓવરકોન્ફિડન્સ કોંગ્રેસને નડી પણ શકે છે. સર્વેમાં જણાવેલી સ્થિતિનો થોડો અંદાજ સ્થાનિક કોંગ્રેસી નેતાઓને હશે. તેથી માયાવતીના પક્ષને વધુ બેઠકો ના આપવા માટેનું નક્કી કર્યું હશે. માયાવતીએ 50 બેઠકો માગીને 40 બેઠકોથી વાટાઘાટો કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહોતો. અહેવાલો અનુસાર માયાવતી આખરે 25 બેઠકો સુધીમાં માની જાય તેમ હતાં. 230 બેઠકોમાંથી 10 ટકા બેઠકો નાના પક્ષને આપવાની વાત કદાચ ગળે ના ઉતરે, પણ એ યાદ રાખવું જોઈએ કે 4થી 8 ટકા સુધીના મતો બીએસપીને સતત મળતા રહ્યા છે. 10 ટકા બેઠકો ગઠબંધનમાં આપીને બીજી દસ ટકા બેઠકો નિશ્ચિત કરી શકાય તેમ હતી. આ ગણિતમાં કોંગ્રેસે કદાચ કાચું કાપ્યું એમ પરિણામો વખતે કહેવાનો વારો આવશે.
છત્તીસગઢમાં ખ્યાલ હતો કે અજિત જોગી બહાર રહીને પક્ષને નુકસાન કરશે. 2016થી જ જોગી કોંગ્રેસમાંથી બહાર છે. તેઓ ભાજપને ફાયદો થાય તેમ વર્તી રહ્યાં હતાં. માયાવતી સાથે ગઠબંધન કરીને જોગી કોંગ્રેસને થઈ રહેલો ફાયદો ધોઈ નાખે તો કહેવાય નહિ. ત્રણેય રાજ્યોમાં હકીકતમાં છત્તીસગઢમાં જ કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી. કેમ કે અહીં મતોની ટકાવારીમાં એકથી બે ટકા અને બેઠકોમાં 2થી 4 બેઠકોનો જ ફરક રહ્યો છે. ભાજપ સામેનો થોડો અસંતોષ કોંગ્રેસને સત્તા અપાવી શકે તેમ છે. પણ તે થોડો બે કે ત્રણ ટકાનો ફાયદો જોગી અને માયા ભેગા થઈને લઈ જશે તેનાથી નુકસાન કોંગ્રેસને થશે.
હજી ટિકિટોની વહેંચણી થાય, ઉમેદવારી નોંધાય, અસંતુષ્ટો ઊભા થાય ત્યારે જે ખેલ પાડવાના હોય તે ખેલ બાકી જ છે. તે ખેલમાં કોંગ્રેસે કાયમ કાચી પડે છે. ભાજપ તે ખેલમાં માહેર છે. ને છેલ્લી ઘડીના પ્રયાસોમાં મુદ્દાઓ ઉછાળવા અને પ્રચારનો મારો ચલાવવો તેમાં પણ ભાજપ માહેર છે. કોંગ્રેસ આ બાબતમાં તેને પહોંચી વળે તેમ નથી તે વારંવાર દેખાયું છે. ગુજરાતમાં પણ દેખાયું અને કર્ણાટકમાં પણ દેખાયું. તે અગાઉ ગોવા અને મણીપુરમાં પણ તે દેખાઈ આવ્યું હતું. એ વાતનું પુનરાવર્તન આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં શા માટે ના થાય તે માટેનું કોઈ નવું કારણ કોંગ્રેસમાંથી મળ્યું નથી.
