બાઝાર: સ્કૅમ છો?

ફિલ્મઃ બાઝાર

કલાકારોઃ સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, રોહન મેહરા, ચિત્રાંગદા સિંહ

ડાયરેક્ટરઃ ગૌરવ કે. ચાવલા

અવધિઃ આશરે સવા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

ફિલ્મના આરંભમાં સમૂહ પ્રતિકમણનો સીન છે. એ પૂરું થતાં બધા સમૂહમાં બોલે છેઃ ‘મિચ્છામિ દુક્કડમ…મિચ્છામિ દુક્કડમ’. આવા સીન ફિલ્મમાં છ મહિનાના ગાળામાં 2-3 વાર આવે છે, તો શું આનો અર્થ એ કે લેખક-દિગ્દર્શકને પર્યુષણ વિશે કંઈ જ ખબર નથી? આ સિવાય ફિલ્મની સમસ્યા છે સરાસર ખોટું બોલાતું ગુજરાતી (‘ચોકરો સારો ચે’ અથવા ‘રમકડાની ગાડી આવી, સુ સુ લાવી’), અરે ડિરેક્ટર ભઈ, તમારી પાસે ગુજરાતી ભાષાના બે કદાવર અભિનેતા હતાઃ દીપક ઘીવાળા (સૈફ અલી ખાનના પર્સનલ સેક્રેટરી ગગનભાઈની ભૂમિકામાં) અને ઉત્કર્ષ મઝુમદાર (બાય ધ વે, ઉત્કર્ષભાઈની અટક છેડા હોવા છતાં સૈફ એને ‘છડ્ડા’ કરીને સંબોધે છે). તમે એમની સલાહ લઈ શક્યા હોત. આ સિવાય, વિચિત્ર લાગે એ રીતે કરવામાં આવેલું પ્રોડક્ટ પ્લેસમેન્ટ પણ સમસ્યા છે. એક સીનમાં સૈફ અલી ખાન કોઈની ઓળખાણ કરાવતાં કહે છેઃ યે હૈ બ્રાઈટ કે યોગેશ લાખાણી.

તો, ફિલ્મમાં એક રિઝવાન એહમદ (વિનોદ મેહરાનો પુત્ર રોહન મેહરા) છે, જે અલાહાબાદથી કંઈ બનવા મુંબઈ આવ્યો છે. એને શૅરબજારનું સારું નૉલેજ છે, ને એનો આદર્શ છે શૅરબજારનો કિંગ, અબજોપતિ શકુન કોઠારી (સૈફ અલી ખાન). એ પોતાની પત્નીને મંદિરાબેન (ચિત્રાંગદા સિંહ) કહીને બોલાવે છે. રિઝવાન યેનકેન પ્રકારેણ એક મસમોટી શૅરટ્રેડિંગ કંપનીમાં બ્રોકરની નોકરી મેળવે છે, જ્યાં એની મુલાકાત પ્રિયા (રાધિકા આપ્ટે) સાથે થાય છે. આ નોકરી થકી એને એના આદર્શ શકુન માટે સોદા કરવાનો મોકો મળે છે. શકુન વિશે અફવા ઊડતી રહે છે કે એ તો સાલો ફ્રૉડ છે, પત્રકારોને મુઠ્ઠીમાં રાખીને બેઠો છે, વગેરે. શકુન સાથેની રિઝવાનની નિકટતા એને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ સવાબે કલાકમાં ડિરેક્ટર આપણને દેખાડે છે.

ઓલિવર સ્ટોનની ‘વૉલસ્ટ્રીટ’ અને રાજ કપૂરની ‘શ્રી 420’થી પ્રેરિત ‘બાઝાર’નો મધ્યાંતર પહેલાંનો ભાગ રસપ્રદ છે, પણ મધ્યાંતર પછી વાર્તા એટલો વિચિત્ર વળાંક લે છે, જે બિલકુલ ગળે ઊતરતો નથી. હા, ફિલ્મમાં કેટલાક સંવાદ ધારદાર છે. એક ઉદાહરણઃ જ્યારે શકુનને કહેવામાં આવે છે કે ‘તું ઝડપથી ટોચ પર પહોંચવાનો લોભ છોડી દે, 100 મીટરની સ્પ્રિન્ટને બદલે લાં…બી મેરેથોન દોડ’ ત્યારે શકુન જવાબ આપતાં કહે છેઃ ‘મેરેથોનમાં વર્લ્ડ ચૅમ્પિયન કોણ છે એનું નામ કોઈને ખબર નથી, પણ ઉસેન બોલ્ટ 100-મીટર ચૅમ્પિયન છે એ બધાને ખબર છે.’

‘બાઝાર’ એ લોકો માટેની ફિલ્મ છે જેમને મુંબઈ શૅરબજાર જ્યાં આવેલું છે એ દલાલ સ્ટ્ર્રીટની ગતિવિધીથી પરિચિત છે, લીધાદીધા-સરકીટ-ઈનસાઈડ ઈન્ફર્મેશન-ટેલિકૉમ લાઈસન્સનું લાઈસન્સ, વગેરે સમજાય છે. જો નથી સમજાતું તો ગોથાં ખાધા કરશો.

(જુઓ ‘બાઝાર’નું ટ્રેલર)

httpss://youtu.be/Pb7iJnIWzNk