મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોને રાહત મળશે: એમના કામના કલાકો નિશ્ચિત કરી દેવાશે

મુંબઈ – નિવાસી ડોક્ટરોને વધારે કલાકો સુધી કામ કરવું પડતું હોવાથી તેઓ માનસિક તાણનો અનુભવ કરે છે એટલે એમના કામના કલાકો નિશ્ચિત કરવા જોઈએ એવી મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (MARD) સંસ્થાની માગણીનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગે નિવાસી ડોક્ટરોના કામના કલાકો અને કામના સ્વરૂપને નક્કી કરવા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ત્રણ નિવાસી ડોક્ટર તેમજ ત્રણ વરિષ્ઠ નિવાસી ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિ જે અહેવાલ આપશે ત્યારબાદ કેન્દ્રીય નિવાસી ડોક્ટરો માટેની યોજના મહારાષ્ટ્રમાં પણ લાગુ કરવામાં આવશે. તે પછી નિવાસી ડોક્ટરોના ફરજના કલાકો નિયમિત થઈ જશે અને કામના વધુપડતા કલાકોને કારણે એમને થતી માનસિક તાણ પણ ઘટી જશે.

નિવાસી ડોક્ટરોના એસોસિએશને સરકારી હોસ્પિટલોમાં આવા ડોક્ટરોને કામના કલાકોને કારણે પડતી માનસિક તાણ મુદ્દે રાજ્ય સરકારોને વર્ષોથી રજૂઆત કરી હતી. જે રીતે કેન્દ્રીય સ્તરે નિવાસી ડોક્ટરો માટે યોજના છે તેવી જ રાજ્ય સ્તરે પણ હોવી જોઈએ એવી તેમની માગણી હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એ વખતે દર્દીઓને સેવા આપતી વખતે નિવાસી ડોક્ટરો કામના કલાકોનો વિચાર કરતા નથી. પરંતુ એમને એમના અભ્યાસ તથા દર્દીઓની સેવા, એમ બંને સ્તરે કામ કરવું પડતું હોવાથી હવે કામકાજના કલાકો નિશ્ચિત કરવા જોઈએ એવી તેમણે માગણી કરી છે.

નિમાયેલી સમિતિ નિવાસી ડોક્ટરોને કામકાજના કલાકોમાં રાહત આપવા માટે તમામ બાબતોનો અભ્યાસ કરશે.