કેટરીના જ્યારે બની આલિયાની ફિટનેસ કોચ…

0
4226

કેટરીના કૈફ પોતાની શારીરિક સુસજ્જતા પ્રત્યે ખૂબ સભાન એવી બોલીવૂડ અભિનેત્રીઓમાંની એક ગણાય છે. હાલમાં જ એણે સહ-અભિનેત્રી આલિયા ભટ્ટને પણ ફિટનેસ વિશેની અમુક તાલીમ આપી હતી.

બન્યું હતું એવું કે, કેટરીના અને આલિયા મુંબઈના જે જિમ્નેશિયમમાં નિયમિત રીતે કસરત કરવા જાય છે ત્યાં એમની ફિટનેસ ટ્રેઈનર યાસ્મીન કરાચીવાલા એ દિવસે કોઈક કારણસર ગેરહાજર રહ્યાં હશે ત્યારે કેટરીના આલિયાની ફિટનેસ કોચ બની ગઈ હતી અને અદ્દલ ટ્રેઈનરની જેમ એની પાસે કસરત કરાવી હતી.

૩૪ વર્ષીય કેટરીનાએ તે વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. એમાં એને આલિયાને એનાં ખભા પર ડમ્બેલ્સ પકડીને ૩૦૦ દંડ-બેઠક કરાવતી અને પ્રોત્સાહન આપતી જોઈ શકાય છે.

પણ ‘ડીયર ઝિંદગી’ ફિલ્મની અભિનેત્રી આલિયા ૧૧૩ દંડ-બેઠક (ઊઠબેસ) પૂરી કર્યા બાદ થાકી ગઈ હોવાનું જોઈ શકાય છે.

કેટરીનાએ વિડિયોની કેપ્શનમાં લખ્યું છે, ‘@yasminkarachiwala નહોતા આવ્યાં ત્યારે આમ બન્યું હતું… @aliaabhatt… તું સરસ રીતે કસરત કરી રહી છે. ચિંતા ના કરીશ વધુ માત્ર ૩૦૦ દંડ-બેઠક કરવાની છે.’

આલિયાએ હાલમાં જ એની નવી ફિલ્મ ‘રાઝી’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મનાં દિગ્દર્શિકા છે મેઘના ગુલઝાર. બીજી બાજુ, કેટરીના તેની નવી ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હૈ’ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. એમાં તે સલમાન ખાન સાથે જોવા મળશે.