હારવા માટે ચૂંટણી લડતા સુરતના આ ઉમેદવાર…

ચૂંટણી આવે ત્યારે દરેક ઉમેદવારે એની મિલકત, આવક, એની સામે નોંધાયેલા ગુના જેવી બધી વાત પોતાના સોગંદનામામાં જાહેર કરવાની હોય છે, પરંતુ એમાં એ વાત નથી આવતી કે જે તે ઉમેદવાર અગાઉ કેટલી ચૂંટણી લડી ચૂક્યા છે. ઘણી વખત જોવા મળતું હોય છે કે કેટલાક ઉમેદવારો એવા હોય, જે દરવખતે ચૂંટણીમાં ઉમેદવાર તો હોય જ. એવા ઉમેદવારની હાર પહેલાં દિવસથી જ નક્કી હોય, તે છતાં એમનો ઉત્સાહ મોળો નથી પડતો.

(ડાબે) પિતા ઈરફાન કાપડિયા: સુરત-ઉત્તરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચોથી વાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. (જમણે ) પુત્ર સલમાન કાપડિયા: પિતાને પગલે પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં છે.

આવા જ એક ઉમેદવાર છે સુરત (ઉત્તર) બેઠકના મહમ્મદ ઈરફાન કાપડિયા. આ એમની નવમી ચૂંટણી છે. એમના કહેવા મુજબ એ ચાર વિધાનસભા અને મહાનગરપાલિકાની પાંચ ચૂંટણી લડી ચૂક્યા છે. કહેવાની જરૂર નથી કે એ તમામ ચૂંટણી હાર્યા છે અને ડિપોઝિટ પણ બચાવી નથી શક્યા, છતાં એ પોતે અપક્ષ ઉમેદવાર તરીકે સુરત (ઉત્તર) અને એમનો દીકરો મહમ્મદ સલમાન કાપડિયા બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવાર તરીકે સુરત (પૂર્વ)ની ચૂંટણી લડે છે. ૨૦૧૫ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઈરફાનભાઈનાં પત્ની મહેમુદાબહેન ચૂંટણી લડેલાં. એય જીત્યા નહીં, પણ કોંગ્રેસની મુશ્કેલી વધારેલી.

ઈરફાન કાપડિયા સુરતમાં હજારો રિક્ષાચાલકોનાં હિતની વાત કરતા ઑટો રિક્ષા ફેડરેશનના સ્થાપક જનરલ સેક્રેટરી છે સાથે જ એ ગાંધીવિચાર મંચ ચલાવે છે. એ છેલ્લાં ત્રણ વર્ષથી કૅન્સરી પીડિત છે એટલે એમણે ‘ઉમ્મીદ કૅન્સર રિલીફ ટ્રસ્ટ’ બનાવ્યું છે, જે કૅન્સરના પેશન્ટને મદદ કરે છે. ઈરફાનભાઈ કાપડિયા ‘ચિત્રલેખા’ને કહે છે કે ‘સમાજસેવાનું કામ તો મેં ૧૯૮૯થી જ શરૂ કરેલું. વૈચારિક રીતે હું ‘બસપા’ સાથે જોડાયેલો રહ્યો છું. ૨૦૧૨માં થોડો સમય હું લોક જનશક્તિ પાર્ટી (લોજપા)માં જોડાયો હતો. પ્રથમ ચૂંટણી ૧૯૯૫માં સુરત (ઉત્તર)થી લડેલો અને લગભગ ૩૦૦૦ જેટલા મત મળેલા. એ પછી દરેક ચૂંટણી હું લડતો રહ્યો છું.’

ઈરફાન-સલમાન: પિતા અને પુત્રને ખબર છે ચૂંટણીની તીવ્ર સ્પર્ધામાં પોતાનું જરાય વજન નથી, છતાં એ લડે છે.

હારવા માટે ચૂંટણી લડવાનો શો અર્થ? ઈરફાનભાઈ કહે છે કે ‘હું કોઈને હરાવવા માટે કે કોઈને લડવા માટે ચૂંટણી નથી લડતો. ચૂંટણી લડવી એ મારો શોખ છે. જાહેર જીવનમાં રહેવું એ મારો શોખ છે. રિક્ષાચાલકો, ઝૂંપડપટ્ટીના લોકો માટે લડત ચલાવી છે. અમદાવાદ અને સુરત વચ્ચે સીએનજીના ભાવમાં ફેરની લડત સફળ રીતે ચલાવી હતી.’

ઈરફાનભાઈને વર્ષોથી પગમાં દિવ્યાંગતા છે. છતાં એ કહે છે કે ‘મારા શરીરની મર્યાદા મને ક્યારેય નડી નથી. હું શરીરથી નહીં જુસ્સાથી લડું છું.’ હવે એમના દીકરાને પણ એ શોખ લાગ્યો છે. મહમ્મદ સલમાન કાપડિયા કહે છે કે ‘અમારે પણ પપ્પાની જેમ સમાજની સેવા કરવી છે. ચૂંટણી લડીએ તો લોકોમાં ઓળખ ઊભી થાય એટલે નાના માણસોનાં કામ થઈ શકે. હારવું-જીતવું પછીની વાત છે.’

વેલ, ઈરફાન કાપડિયા જેવા અનેક લોકો છે, જેમને ચૂંટણીમાં માંડ ૧૦૦૦ મત પણ નથી મળતા, છતાં એમનો ચૂંટણી લડવાનો જુસ્સો ક્યારેય ઘટતો નથી.

અહેવાલઃ ફયસલ બકીલી (સુરત)

તસવીરો: ધર્મેશ જોશી (સુરત)