સુરતઃ જ્યાં ચૂંટણીપ્રચાર પણ પોલીસ બંદોબસ્ત હેઠળ કરવો પડ્યો

ગુજરાતમાં ખૂબ રોમાંચક બની ગયેલી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન ૯ ડિસેમ્બરે છે. એ માટેના પ્રચાર પડઘમ આજે સાંજથી બંધ થઈ ગયા છે. પહેલા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે એમાં દક્ષિણ ગુજરાત અને સુરતના મતવિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

કડક પોલીસ બંદોબસ્ત. પુરુષોત્તમ રૂપાલાની સભાનું દ્રશ્ય.

ભારતમાં સૌથી વધુ સુરક્ષા કવચ હેઠળ ચૂંટણી યોજાતી હોય તો એવું રાજ્ય એટલે જમ્મુ અને કશ્મીર. ગુજરાતમાં પણ મતદાનના અંતિમ દિવસોમાં સુરક્ષાવ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે છે, પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં એવાં દ્રશ્યો સર્જાયાં કે પોલીસ બંદોબસ્ત વગર પ્રચાર પણ કરી શકાયો નથી.

આવું બન્યું છે સુરતના વરાછા વિસ્તારમાં. સુરતનો સમગ્ર વરાછા એટલે સૌરાષ્ટ્રમાંથી સુરતમાં આવીને વસેલા લોકોનો વિસ્તાર. બહુમતી વસ્તી પાટીદારોની છે અને સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ અહીં વસે છે. સ્થિતિ એવી થઈ કે ચૂંટણીનો માહોલ જામ્યો એટલે ભાજપના સ્થાનિક નેતાઓએ પ્રચાર ઝુંબેશની શરૂઆત કરી. શાસક ભાજપના નેતા અને કાર્યકરોને અનેક સોસાયટીમાં વિરોધનો સામનો કરવો પડ્યો. બીજી તરફ, વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાનું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું તો એની પર પથ્થરમારો થયો. આવી નાનીમોટી અનેક ઘટના બની એટલે પોલીસ સતર્ક થઈ ગઈ. બંદોબસ્ત માટે ખાસ આરએએફ (રેપીડ એક્શન ફોર્સ) અને સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ને બોલાવવામાં આવી.

પ્રચાર વિના ભાજપનો માહોલ જામતો નહોતો. ભાજપના કાર્યકર્તાઓ પણ વિરોધના કારણે મુક્તપણે સંઘમાં ઊતરવાનું ટાળતા હોવાનું જોવા મળ્યું હતું. આશ્ચર્યજનક ઘટના જ એ છે કે બાવીસ વર્ષથી દરેક સ્તરે શાસન કરનાર પક્ષને એક સમુદાય પ્રચાર કરવા પણ ન દે એ ઘણું સૂચક છે. આ ઘટનાની અસર એવી થઈ કે ભાજપના કોઈ મોટા નેતાની સભા કે કાર્યક્રમ તોડફોડ કે તોફાનના ભયે વરાછા વિસ્તારમાં ગોઠવાઈ જ નહીં. સુરતમાં વરાછા રોડ, કામરેજ, કતારગામ, કરંજ, સુરત (ઉત્તર) અને ઓલપાડ બેઠકો પર પાટીદારોનાં મત બહુ નિર્ણાયક છે.

એક સમય હતો જ્યારે આ જ વરાછા વિસ્તારમાં કોંગ્રેસને કોઈ કાર્યકર મળતો ન હતો. ચૂંટણી કાર્યાલય ખૂલતું નહોતું કે મતદાનના દિવસે મતદાનમથક પાસે એમનાં ટેબલ પણ લાગી શકતાં નહોતાં. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. એવી સ્થિતિ થઈ ગઈ કે એમણે જાણે પાટીદાર બહુમતી બેઠકો મૂકી જ દીધી હોય ને એમના ઉમેદવારે પોતાના સંપર્ક અને તાકાતના જોરે પ્રચાર કર્યો. પાટીદાર વિસ્તારમાં ભાજપ તરફે માત્ર પુરુષોત્તમ રૂપાલાની સભાનું આયોજન થયું હતું. એ સૌથી સંવેદનશીલ એવા કામરેજ વિધાનસભાના પૂણા વિસ્તારમાં ઉમેદવાર વી.ડી. ઝાલાવાડિયાના ચૂંટણી કાર્યાલયના મેદાનમાં જ યોજવી પડી હતી. આ સભાઓ જ્યાં જ્યાં થઈ તે સ્થળને કિલ્લામાં તબદીલ કરી નંખાયું હતું. આ સંકેત ભાજપ માટે ચિંતાજનક ગણાય.

એક વાત સમજવા જેવી છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ને ૨૦૧૫માં જ્યારે આંદોલન શરૂ કર્યું ત્યારે સૌથી મોટો જોશ અને જુસ્સો સુરતની રૅલી પછી વધુ મળ્યો હતો. એ પછી જ્યારે પણ આંદોલનમાં રાજ્યમાં ક્યાંય કશુંય પણ થાય તો એના આક્રમક પ્રત્યાઘાત સુરતમાં સતત પડતા રહ્યા છે. એના કારણે પાટીદાર આંદોલન માટે સુરત એક સંવેદનશીલ સ્થળ રહ્યું છે. અનામતની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ભાજપનો વિરોધ કેન્દ્રમાં આવી ગયો છે. હાર્દિક પટેલની વિશાળ જનક્રાંતિ સભા અને વાહન રૅલી નવેમ્બરમાં ટાઢ આવે એ પહેલાં હરીફ ભાજપને પરસેવો વાળી દે એટલી સફળ રહી છે. હાર્દિકના રોડ-શો અને એની જાહેરસભામાં જે રીતે લોકો આવે છે એ જો મતમાં પરિવર્તિત થાય તો પરિવર્તન થઈ જાય એમ લાગે છે.

અહેવાલ: ફયસલ બકીલી (સુરત)

તસવીરો: ધર્મેશ જોશી (સુરત)