ગુજરાતમાં દરેક વર્ગ ભાજપથી નારાજ: ડૉ.મનમોહનસિંહ

નોટબંધી વખતે લોકોએ ભોગ આપ્યો પણ કોઈ ફાયદો ન થયો: રાજકોટમાં પત્રકાર પરિષદ

રાજકોટ– નોટબંધી, જીએસટી જેવા પગલા દેશના અર્થતંત્ર માટે નેગેટિવ પુરવાર થયા છે. રોજગારીથી લઈને અનેક બાબતો પર વિપરીત અસર પડી છે. ગુજરાતના નાના વેપારીઓ, શ્રમિકો માટે પણ લેવા જોઈતા હતાં એવા પગલાં લેવાયા નથી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો પુનઃ ગાંધીજીના સ્વપ્નના સ્વરાજ અને સુરાજની સ્થાપના થશે, એમ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહે રાજકોટમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે રાજકોટ આવેલા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહે કેન્દ્ર સરકારના નિર્ણયો અને નીતિઓની આકરી ટીકા કરી હતી. એમણે જણાવ્યું કે નોટબંધીનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો ત્યારે આખા દેશની પ્રજાની જેમ રાજકોટ અને ગુજરાતના લોકોને પણ એમ હતું કે આપણે આ ભોગ આપીએ છીએ, ત્યાગ કરીએ છીએ એના સારા પરિણામ આવશે. પણ ૯૯% ચલણી નોટો બેન્કોમાં પરત આવીએ ઉલટું કાળુંનાણું કાયદેસર થઇ ગયું અને કોઈને કઈ ફાયદો થયો નહીં.

સરકાર ભલે એને હિંમતભર્યું પગલું ગણાવે પરંતુ હિમ્મતભર્યા પગલા અને વિઘાતક પગલામાં ફેર છે. નોટબંધીને લીધે નુકસાન વધારે થયું. ઇન્દિરા ગાંધીએ લીધેલા બેંકના રાષ્ટ્રીયકરણના પગલાંને હિંમતભર્યું પગલું કહી શકો. એમના કોઈ પગલાંથી ગરીબોને નુકસાન થયું હોય કે મધ્યમવર્ગે સહન કરવું પડ્યું હોય એવું ન હતું. ઉલટું એ બેન્કિંગ પદ્ધતિએ આપણને ૨૦૦૮ની કારમી મંદીમાંથી પણ બચાવી લીધાં હતાં.

૨૦૧૭-૧૮નાં પ્રથમ કવાર્ટરમાં જીડીપી ઘટીને ૫.૭%એ પહોચ્યો હતો. જેને લીધે સમાજના નબળા વર્ગ-ક્ષેત્ર પર ગંભીર અસર પડી હતી. સ્થિતિ તો એવી થઇ કે આપણને નુકસાન ગયું અને ફાયદો ચીનને થયો. ૨૦૧૭-૨૦૧૮ના પ્રથમ હિસ્સામાં ચીનથી ભારતની આયાતમાં ૪૦%નો વધારો થયો. છેલ્લા ૭૦ વર્ષમાં કોંગ્રેસે ભારતને વૈશ્વિક પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવ્યો હતો, એવું ડો.મનમોહનસિંહે કહ્યું હતું.ભાજપ અને નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધતા ડો.સિંઘે કહ્યું કે, થોડા ધનાઢ્ય વેપારીઓ-ઉદ્યોગપતિઓને બાદ કરતા ગુજ્રાતના દરેક વર્ગમાં ભાજપ સરકારની અન્યાય અને અસમાનતા ભરી નીતિઓ સામે રોષ છે. વિવિધ વર્ગના યુવાનો દ્વારા જે આંદોલન ચાલી રહ્યા છે, એ અહી આપેલા અસંતોષનો પુરાવો છે. ભાજપની ગુજરાત સરકારના શાસનમાં શિક્ષણનું સ્તર નીચું ગયું છે અને ખાસ તો એના ખાનગીકરણને લીધે ઘણું નુકસાન થયું છે.

૨૨ વર્ષના ભાજપ શાસનની ઝાટકણી કાઢતાં એમણે કહ્યું કે ખેડૂતો પણ નારાજ છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ તકલીફો છે. મોંઘવારી વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે અમે સત્તા પર આવીશું તો ગાંધીજી અને સરદારના સ્વપ્નનું ગુજરાત નિર્માણ કરીશું. નર્મદા ડેમ મુદ્દે નરેન્દ્રભાઈ ક્યારેય મને મળ્યાં નથી એ વાત ડો.સિંહે દોહરાવી હતી.

ચિત્રલેખાનો સવાલ

ડો.મનમોહનસિંઘને ચિત્રલેખાએ જયારે પૂછ્યું કે ૨૦૧૪માં ૨ મુદ્દા મુખ્ય હતાં, રાષ્ટીય સુરક્ષા અને મોંઘવારી, કાશ્મીર સરહદ અંગે મોદી સતત વાત કરતાં, તમે શું માનો છો? શું સ્થિતિ છે?

ડૉ.મનમોહન સિંહનો જવાબ

ડો. સિંહે કહ્યું કે કાશ્મીરની પ્રજા પરેશાન છે. આતંકવાદ પર કાબૂ નથી. સરકારની નીતિમાં સાતત્ય નથી ક્યારેક કડક પગલાંની વાત થાય તો ક્યારે મોદી નવાઝ શરીફને મળે છે. આવી અસમંજસભરી નીતિને લીધે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય છે.

(અહેવાલ- રાજકોટથી જવલંત છાયા અને જીતુ રાદડિયા)