આ પાંચ નેતાઓ પાસેથી છે કોંગ્રેસને જીતની આશા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આશાઓ છે કે તે બે દશકથી વધારે સમય સુધી રાજ્યની સત્તા પર બેઠેલી ભાજપને આ વખતની ચૂંટણીમાં મ્હાત આપશે. જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પર અત્યારે સહુ કોઈની નજર ટકેલી છે. હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશના કારણે કોંગ્રેસને ફાયદો થશે એ વાત સાચી હશે પરંતુ માત્ર એ જ સત્ય એવું જરાય નથી. આ ત્રણ સિવાય પણ કેટલાક નેતાઓ એવા છે કે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો અપાવી શકે છે. આવો એવા પાંચ નેતાઓ પર નજર કરીએ કે જેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પરિણામો 18 ડિસેમ્બરના રોજ આવશે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા સીટો પર મતદાન થશે અને સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી 92 સીટો તો જીતવી જ પડશે.

ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના પૂર્વ સીએમ અને ભૂતપૂર્વ વિદેશપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના સી.એમ. રહી ચુક્યા છે. માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને 1985માં રાજ્યની 149 બેઠકો પર ઐતિહાસિક જીત અપાવી હતી. માનવામાં આવે છે કે માધવસિંહ સોલંકીએ ઓબીસી, દલિત, આદિવાસી અને મુસ્લિમોને એક કરવાથી આ જીત મેળવી હતી. તેમના પુત્ર ભરતસિંહ આ વખતે ઓબીસી, દલિત, આદિવાસી અને પાટીદાર મતદારોને એક સાથે લાવવાની કોશિષ કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકી વર્ષ 2006માં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા. એક વિવાદિત વિડિયો આગળ આવ્યો, ત્યારે તેમને પક્ષનું પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. વર્ષ 2015 માં તેમને બીજીવાર પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકી ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચુક્યા છે. ભરતસિંહ સોલંકી કેંદ્રીય રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. વર્ષ 2014માં તેઓ મોદી લહેરમાં ગુજરાતના આણંદથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા.

સિદ્ધાર્થ પટેલ

કોંગ્રેસ પ્રચાર સમિતિના પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ગુજરાતના પૂર્વ કોંગ્રેસી સીએમ ચિમનભાઈ પટેલના પુત્ર છે. સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસમાં પાટીદાર સમાજના ચહેરા છે. માનવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ પટેલ ડભોઈ સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાના છે. તેઓ 1998થી આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને બે વખત આ સીટ પરથી જીત મળી છે અને બે વખત તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2008માં તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 1998થી 2002 સુધી ગુજરાત વિધાનસભામાં પાર્ટીના મુખ્ય સચેતક પણ રહી ચૂક્યા છે. ગુજરાત વિશ્વવિદ્યાલયથી ગોલ્ડ મેડલ અને સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા સીદ્ધાર્થ પટેલે યુનિવર્સિટી ઓફ ડલાસથી એમબીએ કર્યું છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ડભોઈ સીટ પરથી હારી ગયા હતા.

અર્જુન મોઢવાડીયા

ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ એન્જિનીયર અર્જુન મોઢવાડીયાએ 1997માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2002માં તેઓ પોરબંદર સીટ પરથી પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના વરીષ્ઠ નેતા બાબુ બોખિરિયાને હરાવ્યા હતા. વર્ષ 2004થી 2007 સુધી તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા. વર્ષ 2007માં તેમણે બીજીવાર પોરબંદર સીટ પરથી જીત પ્રાપ્ત કરી. વર્ષ 2011માં તેમને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં પાર્ટીનુ પ્રદર્શન અપેક્ષાઓ અનુસાર રહ્યું નહોતું. વર્ષ 2012માં અર્જુન મોઢવાડીયાને બાબુ બોખિરિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પણ મોઢવાડીયા અને બોખિરિયા બંન્ને નેતાઓ પોરબંદર સીટ પર આમને સામને હશે.

શક્તિસિંહ ગોહિલ

અહેમદ પટેલને રાજ્ય સભાની ચૂંટણી જીતાડવામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલના દાદા દરબાર સાહેબ રણજિત સિહે આઝાદીની ચળવળમાં મહત્વની ભુમિકા ભજવી હતી. તેમના દાદા 1967માં ગુજરાતમાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. વ્યવસાયે વકીલ એવા શક્તિસિંહ ગોહિલ વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, પરંતુ વર્ષ 2014માં થયેલી પેટા ચૂંટણીમાં તેઓ ચોથીવાર ધારાસભ્ય બન્યા હતા. 1990માં પહેલીવાર ધારાસભ્ય બનનારા ગોહિલ માત્ર 30 વર્ષની ઉંમરમાં પ્રધાન બની ગયા હતા.

પરેશ ધાનાણી

પટેલ નેતા પરેશ ધાનાણીને પાર્ટીમાં સંકટમોચક માનવામાં આવે છે. ખેડુત પરિવારમાંથી આવનારા પરેશ ધાનાણીને રાજનિતીમાં લાવવાનુ શ્રેય પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનુભાઈ કોટડિયાના ફાળે જાય છે. અમરેલીથી વર્ષ 2002માં કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાને હરાવીને તેમણે પ્રદેશની રાજનિતીમાં તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તે સમયે તેઓ અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હતા. વર્ષ 2007માં તેઓ ચૂંટણી હારી ગયા હતા પરંતુ વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ફરીથી જીત મેળવી હતી. વર્ષ 2012માં તેમણે રાજ્ય સરકારના તત્કાલીન પ્રધાન દિલીપ સાંઘાણીને હરાવ્યા હતા. ધાનાણી ગુજરાત કોંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે. અત્યારે તેઓ અખિલ ભારતીય કોંગ્રેસમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે. પાટીદાર સમાજમાંથી આવતા પરેશ ધાનાણી રાહુલ ગાંધીના રોડ શોમાં મહત્વની ભુમીકા ભજવે છે.