સિંહ રાશિ: અશક્યને શક્ય કરનાર, સ્વાભિમાનપ્રિય, આત્મવિશ્વાસી અને વિજયી

સિંહ રાશિએ રાશિચક્રમાં પાંચમી રાશિ છે, સ્થિર સ્વભાવ અને અગ્નિતત્વના ગુણ આ રાશિમાં છે. સિંહ રાશિના જાતકો સ્થિર ગુણને લીધે તેઓ જલ્દી પોતાનો અભિગમ બદલાતા નથી, તેઓ જીવન દરમ્યાન ક્યારેય પોતાની પસંદના ધોરણ નીચે લાવતા નથી અર્થાત તેમની પસંદગી હમેશા રાજાશાહી અને અનન્ય રહે છે. સિંહ રાશિના જાતકોમાં પોતાના આત્મવિશ્વાસને ઓળખવાની અદભુત આવડત હોય છે, તેઓ એકલા હાથે લડવાવાળા અને પોતાની પસંદ મુજબ જીવનારા હોય છે. તેમનો જીવ કે પ્રેમ જે ચીજ પર આવી જાય તેની માટે તેઓ હમેશા કૃતજ્ઞ રહે છે, પોતાની પસંદ માટે તેઓ પૈસા અને પરિસ્થિતિને જોતા નથી.સિંહ રાશિ કાલપુરુષની કુંડળીમાં પાંચમા ભાવે આવે છે, માટે આ રાશિમાં સર્જનાત્મકતા, વકતૃત્વ, ખેલદિલી અને પ્રેમની અનન્ય ભાવના હોય છે. આ રાશિના જાતકો પ્રેમ, ભાવનામાં તણાઈને નથી કરતા, પરંતુ તેઓની પસંદ અને જીદ એક જ છે એટલે જ તેઓ પ્રેમ કરે છે. સિંહ રાશિના જાતકો જયારે સમૃદ્ધ હોય છે ત્યારે તેઓને ઉદારતા આપોઆપ જ ખીલી ઉઠે છે, નકારાત્મક બાજુ જોઈએ તો તેઓ પોતાના ઉદાર સ્વભાવને લીધે અથવા રાજસી શોખને લીધે ઘણા પૈસા વાપરી શકે છે. ટૂંકમાં તેમની ઉદારતા પણ ખુબ મોંઘી હોય છે, સિંહ રાશિના જાતકો બને ત્યાં સુધી મોજશોખમાં પડવું નહિ, અન્યથા મોજશોખ તેમને ચોક્કસ નુકસાન આપી શકે. સિંહ રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે તેઓ બીજાની ઉપર પોતાના નિર્ણય ઠોકી બેસાડે છે જેથી તેમના દુશ્મન વધતા રહે છે. પરંતુ મારા મતે સિંહ રાશિના જાતકો ઉત્તમ આયોજક છે, તેઓ કઠોર નિર્ણય બીજા ઉપર કરે છે, જોહુકમી કરે છે પરંતુ સામે તેઓ જવાબદાર અને ઉત્તમ સંરક્ષક પણ છે. તેઓ નીડર અને આત્મવિશ્વાસુ છે માટે તેઓ મોટેભાગે બીજાના ભરોસે ક્યારેય બેસતા નથી. આ તેમની ખાસિયત કહી શકાય.

સિંહ રાશિના જાતકોને આર્થિક સુખ બાબતે રાહ જોવી પડે છે, તેઓ મોટેભાગે એક ગમતા વિષય પર જ અભ્યાસ કરે છે, તેની આવડત કેળવે છે અને તેમાં જ વ્યવસાય કરે છે. તેઓને આર્થિક બાબતોમાં બદલાવ પસંદ નથી હોતા, તેઓની કારકિર્દી લાંબી અને મહેનતથી ભરપુર રહે છે. તેમને આર્થિક બાબતે સ્થિરતા લગભગ ૩૨માં વર્ષ પછી જ મળતી હોય છે. તેઓ કુટુંબમાં બધાની જવાબદારી લઈને ચાલતા હોય છે. તેઓ પોતાના નિર્ણય પણ જલ્દી લેતા હોય છે. તેઓ સ્વતંત્રતાના ચાહક છે, પોતાની પસંદને મહત્વ આપે છે માટે તેઓને લાંબા ગાળે વ્યવસાય જ તેમની પસંદગી બને છે. રચનાત્મક, સર્જનાત્મક અને કૌશલ્યથી ભરપુર કાર્યો તેમને ગમે છે. રમતના મેદાનમાં તેઓ લડાયક અને હાર ન માનનાર ખેલાડી છે, માટે તેઓ રમતગમતમાં પણ અવ્વલ હોય છે.

સિંહ રાશિના જાતકોને ભાઈ-બહેન સાથે કે ઘરના સભ્યો સાથે સારો મનમેળ રહે છે, પરંતુ તેઓ ઘરના સભ્યોથી મોટેભાગે અલગ તરી આવે છે. તેઓનો જીવનવ્યવહાર સામાન્ય કે બધે જોવા મળે એવો નથી હોતો, તમે તેમને તેમની ઉંચી પસંદથી જ ઓળખી શકશો. તેઓ ઘરના સભ્યો માટે આશ્રયની છત બને છે, ગમે તેવી મુસિબત આવે તેઓ તેમના શરણે આવનારને કોઈ પણ ભોગે રક્ષણ આપે જ છે. સિંહ રાશિના જાતકો ઘરમાં વધુ સમય ફાળવતા નથી તેઓને પોતાના રસના વિષયો અને કાર્યસ્થળ વધુ પસંદ પડતા હોય છે.

સિંહ રાશિના જાતકો અભ્યાસમાં ખુબ મહેનતુ હોય છે, તેઓ અભ્યાસને સાથે રમતગમતમાં પણ સફળ હોય છે. સિંહ રાશિના જાતકોને જો તેમની પસંદ વિરુદ્ધ અભ્યાસ આપવામાં આવે તો તેમને ચોક્કસ નુકસાન થઇ શકે તેમ હોય છે. મારા મતે આ રાશિના જાતકોએ પોતાની પસંદગીના વિષયમાં જ ભણવું જોઈએ, ગાડરિયો પ્રવાહ તેમની માટે બિલકુલ નકામો છે, સિંહ રાશિના જાતકો સૂર્ય સમાન અનન્ય અને આત્મવિશ્વાસુ છે, તેમને કોઈપણ શાખામાં સફળતા મળી શકે છે, શરત છે તેમની પસંદ.

સિંહ રાશિના જાતકોને શનિ રોગકર્તા ગ્રહ છે, શનિએ વાયુ પ્રકૃતિનો નિર્દેશ કરે છે, આયુર્વેદ પ્રમાણે શરીરમાં થતા સોજા અને સ્નાયુ-હાડકાના દર્દ વાયુને લીધે હોય છે. વા કે પગના સાંધાના દર્દો શનિ દ્વારા નિર્દેશિત છે. વાયુ પ્રકોપથી થતા રોગ અને મુખ્યત્વે પગ નબળા થઇ જવા. તેઓને રોગ જલ્દી મટતા નથી, તેઓ રોગને જલ્દી ગંભીરતાથી લેતા નથી તે તેમનો સ્વભાવ હોઈ શકે. તેઓ ૩૭ વર્ષ પછી અચૂક દૈહિક તકલીફ અનુભવે છે, મારા મતે તેમણે હમેશા પોષણક્ષમ આહાર લેવો જોઈએ. તેઓ ખુબ સક્રિય રહે છે માટે તેઓને ઉત્તમ પોષણ પણ મળવું જ જોઈએ.

સિંહ રાશિના જાતકો પ્રેમ પછી જ લગ્ન કરવામાં માને છે. તેઓના મતે તેમના લગ્ન તેમની પસંદ સાથે જ થઇ શકે છે, તેઓને પહેલી નજરે પ્રેમ અથવા એકમાત્ર વ્યક્તિ સાથે પ્રેમ થાય તેની સંભવાના પણ વધુ હોય છે. તેમનો સ્વામી સૂર્ય અને સાતમી રાશિનો સ્વામી શનિ બને છે, સૂર્ય અને શનિ એકબીજાના શત્રુ ગ્રહો હોઈ, સહજ છે કે સિંહ રાશિના જાતકોનું લગ્નજીવન પણ સરળ હોતું નથી. તેઓ પ્રેમને સમજે છે પણ ભાગીદારી તેમનો વિષય નથી. સકારાત્મક બાજુ જોઈએ તો તેઓ પોતાના સાથીદાર માટે તન, મન અને ધન સહીત બધું જ આપવા પણ સક્ષમ છે. તેમના લગ્ન સામાન્ય કરતા મોટી ઉમરે થાય તેની સંભાવના વધુ હોય છે.

રાશિરત્ન: માણેક; શુભ ગ્રહો: સૂર્ય અને મંગળ

રવિવાર અને મંગળવાર શુભ કહી શકાય. શનિવાર અને શુક્રવાર જલ્દી ફળે નહિ.

સિંહ રાશિના જાતકોને તેમની રાશિ જાતકો, ધન અને મેષ રાશિના જાતકો સાથે વધુ મનમેળ થાય છે. તુલા, મિથુન અને કુંભ સાથે તેઓની જોડી જામે છે, તેઓ જલ્દી એકબીજાને સમજી લે છે. વૃષભ, વૃશ્ચિક અને કન્યા રાશિના જાતકો સાથે તેઓના સંબંધ લાંબુ ટકી શકતા નથી, આ રાશિઓ સાથે તેઓને કામ પૂરતા વ્યવહાર રહે છે. મકર, મીન અને કર્ક રાશિના જાતકો સાથે સિંહ રાશિના જાતકોને જલ્દી ફાયદો થતો નથી, આ રાશિઓ સિંહ રાશિથી બિલકુલ અલગ પડે છે માટે તેમની સાથે જલ્દી મનમેળ થાય તેવું બનતું નથી.