પીઝા પુરી

આમ જોવા જઈએ તો છે સેવ પુરી જેવી જ વાનગી… પણ,  ટોપિંગ અનોખું!!! ખાવામાં મજેદાર…પીઝા પુરી… નામ એવું કે બચ્ચાંઓને તો ખરૂં, પણ મોટેરાંના પણ મોઢાંમાં પાણી આવી જાય. ચાલો જોઈએ રેસિપી!!

સામગ્રીઃ સેવ પુરીની પુરી, 1 ગ્રીન કેપ્સિકમ, 1 યેલો કેપ્સિકમ, 1 રેડ કેપ્સિકમ (ત્રણ જુદાં કેપ્સિકમને બદલે ફક્ત ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકો છો), 2 કાંદા, 2 ટમેટાં, 100 ગ્રામ પનીર, 1 ટી.સ્પૂન મિક્સ હર્બ્ઝ, ½ ટી.સ્પૂન મરચું, 1 ટી.સ્પૂન ઓલિવ ઓઈલ અથવા અન્ય કોઈ ખાવાનું તેલ, 100 ગ્રામ ચીઝ, મીઠું સ્વાદ પ્રમાણે, ½ કપ કોથમીર ઝીણી સુધારેલી, ઓરેગોનો પાવડર અને રેડ ચિલી ફ્લેક્સ

સોસ માટેઃ 1 કપ ટોમેટો કેચ અપ, ½ ટી.સ્પૂન મરચાં પાવડર, 1 ટી.સ્પૂન મિક્સ હર્બ્ઝ

રીતઃ કેપ્સિકમ, કાંદા, ટમેટાંને ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી કાંદા સાંતડો. ત્યારબાદ ટમેટાં ઉમેરીને 2 મિનિટ સાંતડો. હવે કેપ્સિકમ ઉમેરીને 2 મિનિટ સાંતડો. એમાં સ્વાદ મુજબ મીઠું, 1 ટી.સ્પૂન મિક્સ હર્બ્ઝ તેમજ મરચાં પાવડર ઉમેરીને 1 મિનિટ સાંતડીને ગેસ ઉપરથી ઉતારી લો.

ટોમેટો કેચ અપમાં મરચાં પાવડર તેમજ મિક્સ હર્બ્ઝ મિક્સ કરી લો.

ચીઝને અલગ પ્લેટમાં ખમણીને મૂકી દો.

એક મોટી પ્લેટમાં સેવ પુરીની પુરી ગોઠવી દો. દરેક પુરી ઉપર એક ચમચી વડે સોસ લગાડી દો. અને તેની ઉપર કાંદા કેપ્સિકમ વાળું મિશ્રણ મૂકી દો. હવે એની ઉપર ખમણેલું ચીઝ તેમજ કોથમીર ભભરાવી દો. અને તૈયાર ટોપિંગ્સ ઉપર ઓરેગોનો પાવડર તેમજ રેડ ચિલી ફ્લેક્સ છાંટી દો. આ તૈયાર કરેલી પુરીને હજુ yummy ટેસ્ટ આપવા માટે 30-40 સેકન્ડ માટે ઓવનમાં અથવા નોન સ્ટીક પેનમાં 1 મિનિટ માટે ગરમ કરીને ખાવામાં લઈ શકો છો. તૈયાર છે yummy પીઝા પુરી!!

સેવ પુરીની પુરીને બદલે પાણી પુરીની પુરી લઈ શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]